ત્રણ લોકતંત્રની અગ્નિપરીક્ષા - ભારત, બ્રિટન અને અમેરિકા

Wednesday 14th June 2023 06:01 EDT
 
 

વડીલો સહિત સહુ વાચક મિત્રો, આધુનિક યુગમાં બે બાબત સ્પષ્ટ છે. એક, રાજકારણ - પ્રત્યેક વ્યક્તિના જીવનના દરેક પાસાને સ્પર્શે છે. બીજું, શાસન પદ્ધતિમાં અમુક પ્રકારની મર્યાદા છતાં લોકતંત્રને શ્રેષ્ઠ અભિગમ ગણાવાય છે. ગુજરાત સમાચારના વાચકોની ક્ષમતા - વિવિધતા તો આપ સહુ જે પ્રકારે વાચનપ્રસાદી અમને આપી રહ્યા છો તે વાંચતા આપને ખ્યાલ આવશે જ. અત્યંત નમ્રતાપૂર્વક જણાવવામાં હું ગૌરવ અનુભવું છું કે ગુજરાત સમાચાર - એશિયન વોઇસના વાંચકો સક્ષમ - શક્તિસભર - સંવેદનશીલ - જાગ્રત તેમજ સમાજને કંઇક પ્રદાન કરવાની ભાવના ધરાવતા આપણે જોઇ શકીએ છીએ. આભાર આપ સૌનો.
2024નું વર્ષ ઉપર જણાવેલા ત્રણેય દેશોમાં ભારે નિર્ણયાત્મક નીવડશે તે નિર્વિવાદ છે. આ ભારત તો આપણી જન્મભૂમિ છે, આપણા સહુની સંસ્કારભૂમિ છે. બ્રિટનમાં આપણો વસવાટ છે. લાખોની સંખ્યામાં આપણા ભાઇભાંડુઓ અત્રે નિવાસ કરે છે. આધુનિક વિશ્વના નકશા પર નજર ફેરવીએ તો, ટાપુઓનો બનેલો આ દેશ ભૌગોલિક માપદંડથી જરૂર નાનકડો હશે, પરંતુ વિશ્વમાં તે છઠ્ઠી તાકાત ગણાય છે. અમેરિકાની તો વાત જ શું કરવી? આ વિશાળ દેશમાં વસતાં આપણા મિત્રો - સગાંસ્વજનોની સંખ્યાનો આંકડો 50 લાખે પહોંચે છે. આપણું ભારતીય માનવધન - ભાઇભાંડુ અમેરિકામાં વસતું હોય કે અન્ય દેશોમાં, વધુ સુશિક્ષિત છે, વેપાર-ધંધામાં વધુ સાહસિક જોવા મળે છે, અને ખાસ તો ખોટા વિવાદ કે દંગાફસાદમાં સામેલ થવાના બદલે નાના-મોટા સહુ કોઇ નિશ્ચિત ધ્યેય સાથે આગેકૂચ કરતા રહે છે.
આપણે ગૌરવ સાથે કહી શકીએ કે તેઓ કાયદો અને વ્યવસ્થાની ભાષામાં GBH તરીકે ઓળખાતા ગ્રોસ બોડી હાર્મના કેસોમાં (એટલે કે ગંભીર શારીરિક ઇજા કરવાના કેસોમાં) સામેલગીરીના મામલે સૌથી છેલ્લા ક્રમે છે. જેલમાં બંદીવાન કેદીઓના આંકડા પર નજર ફેરવશો તો ત્યાં પણ આપણા ભાઇભાંડુઓ બહુ જૂજ સંખ્યામાં જોવા મળશે.
પહેલાં આપણે આપણા ભારતની વાત કરીએ. ભારતમાં આ સામાન્ય ચૂંટણી એ કંઇ નવાઇની વાત નથી. આમ જોઇએ તો હજારો વર્ષ પૂર્વે અહીં પંચાયત શાસનપ્રણાલી હતી જ. દરેક ગામમાં એક પંચ રહેતું જે સ્થાનિક વહીવટનો કારભાર સંભાળતું, જેમાં જનહિતને પ્રાધાન્ય અપાતું હતું. અત્યારનું લોકતંત્ર તે જ શાસન પ્રણાલીનું આધુનિક સ્વરૂપ ગણી શકાય. દરેક પુખ્ત નાતજાત - ધર્મના બંધન વગર મતાધિકાર ધરાવે છે. આશરે 150 કરોડની વસ્તી ધરાવતા ભારત દેશમાં લગભગ 100 કરોડ મતદારો છે.
કાશ્મીરથી કન્યાકુમારી અને આસામથી ગુજરાત... ચારેય દિશામાં ફેલાયેલા તેમજ વિભિન્નતા, કુદરતી સંપદાથી છલોછલ ભારત જેટલું વૈવિધ્ય દુનિયાના ભાગ્યે જ કોઇ દેશમાં જોવા મળશે. બાર ગાઉએ બોલી બદલાય આપણી જ કહેવત છે ને?! દેશની વાત છોડો, ગુજરાતની જ વાત કરો ને... એક જ પ્રદેશમાં ગુજરાતી ભાષાના કેટકેટલા લહેકા છે - કાઠિયાવાડી, ઝાલાવડી, ચરોતરી, સુરતી, મેહાણી... યાદી લાંબી થાય એમ છે. ભારતભરની ભાષાની વાત કરો તો આરો જ ના આવે. રીતરિવાજ-પરંપરા-સંસ્કૃતિમાં અઢળક વૈવિધ્ય. શિક્ષણ-વ્યવસાય-આવકજાવકના મોરચે પણ નોખાનોખાં. આટઆટલી વિવિધતાં છતાં તમામ રાજ્યો-પ્રદેશો એકતાંતણે બંધાયેલા છે. વિવિધતામાં એકતા આપણો મંત્ર છે.
આજે ભારત એક શક્તિશાળી રાષ્ટ્ર તરીકે વિશ્વક્ષિતિજે ઉભરી રહ્યું છે તે સાચું, પરંતુ હકીકત એ છે કે સૈકાઓ પૂર્વે ભારત આવી જ શક્તિસભર મહાસત્તા હતી. સેંકડો વર્ષોની ગુલામી બાદ 18મી સદીના અંત ભાગમાં અને 19મી સદીના આરંભકાળમાં સ્વાતંત્ર્ય ચળવળ વેગવંતી બની. 1885માં ઇંડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના થઇ. તે અગાઉ 1857માં વિપ્લવ જરૂર થયો હતો, પરંતુ સામ્રાજ્યવાદી બ્રિટનના અસ્ત્ર-શસ્ત્રથી માંડીને ધનસંપત્તિનો પ્રભાવ એટલો પ્રચંડ હતો કે આપણે - હિન્દીઓ તેમને હરાવી ના શક્યા. હિન્દીઓનો કચ્ચરઘાણ નીકળી ગયો. 1919-20માં જલિયાવાલાં બાગની ઘટના બની. આ ઘટનાએ હિન્દુસ્તાનીઓના દિલને હચમચાવી તો નાંખ્યા હતા, પણ સત્તા સામે શાણપણ નક્કામું હતું. લોકોની પીડાને સ્વતંત્રતા માટેના પ્રચંડ ઝનૂનમાં બદલી નાંખે તેવા સબળ અને સર્વસ્વીકૃત નેતૃત્વનો અભાવ હતો.
આ જ અરસામાં દક્ષિણ આફ્રિકાથી મોહનદાસ કરમચંદ ગાંધીનું હંમેશ માટે સ્વદેશ આગમન થયું. 1915માં સાબરમતી આશ્રમમાં ધૂણી ધખાવી. ગુજરાત દરેક ક્ષેત્રે હંમેશા મોખરે રહ્યું છે તેનું કારણ છે રાજ્યની સાંસ્કૃતિક અને આર્થિક સદ્ધરતા. ગાંધીજીએ પણ સ્વાતંત્ર્ય સંગ્રામની ચળવળના પ્રારંભ માટે ગુજરાત પર પસંદગી ઉતારી તેનું આ જ કારણ હતું. રાજ્યના સાધનસંપન્ન વર્ગે તેમને સાથસહકાર આપ્યો. 1915થી 1942 સુધી શાંતિપૂર્ણ માર્ગે ચળવળ ચાલતી રહી, અને ગાંધીજી સ્વાતંત્ર્ય સંગ્રામનો પાયો વિસ્તારતા ગયા.
આજે કહેવાતા બુદ્ધિજીવીઓના એક વર્ગમાં ગાંધીજીનો, તેમની વિચારધારાનો, અહિંસાના માર્ગે સ્વાતંત્ર્ય સંગ્રામ લડવાની તેમની પહેલ અંગે ટીકાટિપ્પણ - વિવેચન કરતા રહેવાની ભલે ફેશન ચાલતી હોય, પરંતુ તે સમયકાળ, બ્રિટિશ શાસકોનું પ્રચંડ શક્તિ-સામર્થ્ય જોતાં શાંતિમાર્ગે સ્વાતંત્ર્ય સંગ્રામનો વિકલ્પ શ્રેષ્ઠતમ હતો તેમ કહેવામાં લગારેય અતિશ્યોક્તિ નથી.
નૂતન ભારતનું નવીન બંધારણ
પ્રચંડ જનઆંદોલનને પગલે બ્રિટિશ શાસકોએ દેશ છોડ્યો. પારાવાર યાતનાના એ દિવસો હતા. તે પછી દેશ સમક્ષ સૌથી મોટો પડકાર હતો સર્વસમાવેશ બંધારણની રચનાનો. આપણા મોટેરાઓએ નવોદિત ભારતની જરૂરતને સમજીને, સઘન ચિંતન કરીને તેના પરિપાકરૂપે બંધારણ ઘડ્યું, અને દેશભરમાં તે લાગુ થયું. 1952માં દેશમાં પહેલી વખત સામાન્ય ચૂંટણીઓ યોજાઇ. બ્રિટનના રાજકીય તખતે તે વેળા વિન્સ્ટન ચર્ચિલનું નામ ગાજતું હતું. બ્રિટિશ રાજનીતિના આ ખેરખાંએ શબ્દ ચોર્યા વગર સ્પષ્ટ કહ્યું કે ભારત પછાત છે, અભણ છે. આ દેશમાં લોકશાહી ટકી જ ન શકે. આંતરવિગ્રહ થશે, રજવાડાં સ્થપાશે અને ફરી કોઇ પરદેશી હિન્દુસ્તાન પર રાજ કરશે. માત્ર ચર્ચિલે જ (આવી કાળમુખી) ભવિષ્યવાણી ભાખી હતી એવું નથી, 1963 સુધી તો લંડનથી પ્રકાશિત થતાં ‘ટાઇમ્સ’માં આવા જ એડિટ પ્રકાશિત થતા હતા.
ભારતનો મતદાર આજે કે ત્યારે ઓછો શિક્ષિત હશે કે ઓછો સમૃદ્ધ જરૂર હશે, પરંતુ તેને મતનું મૂલ્ય ખબર છે. 2014માં યોજાયેલી ચૂંટણીઓ મુક્ત અને ન્યાયી માહોલમાં યોજાઇ હતી એ વાતની નોંધ દુનિયાભરના અખબારી માધ્યમોમાં લીધી હતી. ભારતમાં ચૂંટણી યોજવી ખાવાના ખેલ નથી. મસમોટા મહાનગરથી માંડીને સાસણ (ગીર)ના અંતરિયાળ જંગલમાં આવેલા બાણેજ ખાતે માત્ર એક મતદાર માટે પણ મતદાનમથક ઉભું કરવાનું કામ ભારતીય ચૂંટણી પંચ જ કરી શકે. આ જ કારણ છે કે ભારતીય ચૂંટણી પંચની કામગીરીની નોંધ દુનિયાભરમાં લેવાય છે. અમેરિકા હોય કે બ્રિટન, આજે પણ આ દેશોમાં પ્રિન્ટેડ પેપર પર મતદાન થાય છે, જ્યારે ભારતીયો ઇવીએમ (ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન) થકી મતદાન કરે છે.
વાચક મિત્રો, ભારતીય લોકતંત્રની ભવ્યતાને ઉજાગર કરતી, તેના મૂળિયા કેટલા ઊંડા છે તે દર્શાવતી આ બધી બાબતો રસપ્રદ હોવાથી થોડીક વિગતવાર રજૂઆત કરી રહ્યો છું. 1952માં યોજાયેલી પ્રથમ ચૂંટણીમાં કોંગ્રેસનો શાનદાર વિજય થયો. જવાહરલાલ નેહરુ વડા પ્રધાન બન્યા. 11 વર્ષ તેમણે દેશને નેતૃત્વ પૂરુ પાડ્યું. તેમનું અચાનક અવસાન થયું અને 1964માં લાલબહાદુર શાસ્ત્રીજીએ દેશની કમાન સંભાળી. બે વર્ષ બાદ, રશિયાના પ્રવાસ દરમિયાન તાશ્કંદમાં તેમણે અંતિમશ્વાસ લીધા. ઇન્દિરા ગાંધી આવ્યા. ઇમરજન્સી લાવ્યાં. પ્રચંડ જનઆંદોલન થયું. જનતા પક્ષના નેતૃત્વમાં થયેલા આંદોલનના સુકાની જયપ્રકાશ નારાયણ સર્વમાન્ય નેતા તરીકે ઉભર્યા. લોકતંત્રની હત્યા કરનાર ઇન્દિરા ગાંધીને મતદારોએ પાઠ ભણાવ્યો. ચૂંટણી હાર્યા અને 1977માં પહેલી વખત બિનકોંગ્રેસી ગઠબંધનની સરકાર રચાઇ. વડા પ્રધાન બન્યા મોરારજીભાઇ દેસાઇ. ચુસ્ત ગાંધીવાદી મોરારજીભાઇ મુઠ્ઠીઊંચેરા નેતા હતા. પરંતુ રાજકીય ગઠબંધન ટૂંકાગાળામાં બદનામ થયું. શાસકો કામકાજમાં બેદરકાર બન્યા.
દેસાઇ ગયા અને ચૌધરી ચરણસિંહ આવ્યા. વાચક મિત્રો, તમે લોકતંત્રની તાકાત જૂઓ, ચરણસિંહ દેશનું સુકાન સંભાળવામાં નિષ્ફળ રહ્યા તો મતદારોએ 1979માં ફરી ઇન્દિરા ગાંધીને દેશનું નેતૃત્વ સોંપ્યું. તેમના અવસાન બાદ ભારતની દૂરસંચાર ક્રાંતિના જનક રાજીવ ગાંધી, પછી મંડલ પંચના વિભાજક વડા પ્રધાન વિશ્વનાથ પ્રતાપસિંહ, ચંદ્રશેખર, નરસિંહારાવ, એચ.ડી. દેવેગોવડા, આઇ.કે. ગુજરાલ વગેરેએ જુદી જુદી મુદાત માટે વડા પ્રધાન પદ સંભાળ્યું. કંઇક સારું પણ થયું, કેટલુંક અસ્વીકાર્ય પણ બન્યું.
આ સમયગાળા સુધી ભારતીય જનતા પક્ષ કે તેના પુરોગામી જનસંઘની રાષ્ટ્રીય સ્તરે કે રાજ્યોમાં ખૂબ ઓછી પહોંચ હતી. એમ પણ કહી શકાય કે આ પક્ષ તેની રાજકીય વિચારધારાના બીજ રોપવા પ્રયત્નશીલ જરૂર હતો, પણ તેના મૂળિયા બહુ ઊંડા ઉતર્યા નહોતા. પક્ષના રાજકીય અસ્તિત્વને કૂંપણ ફૂટી 1990માં. ભાજપે ગુજરાતમાં ચીમનભાઇ પટેલના જનતાદળ સાથે મળીને સંયુક્ત સરકાર રચી. રાજકારણ છે, મતભેદ પણ થાય. યુતિ તૂટી.
જોકે 1995માં ભાજપે રાજ્યમાં એકલા હાથે કેશુભાઈ પટેલની સરકાર રચી. આ પછી ગુજરાતના રાજકારણમાં ભરતી-ઓટ આવતી રહી. રાષ્ટ્રપતિ શાસન પણ આવ્યું, અને શંકરસિંહ વાઘેલા તથા દિલીપભાઇ પરીખના નેતૃત્વમાં સરકાર પણ રચાઇ. જોકે 2001થી રાજ્યમાં સ્પષ્ટ બહુમતી ભાજપનું એકહથ્થું શાસન છે.
2001માં કચ્છમાં આવેલા વિનાશક ધરતીકંપે કેશુભાઇ પટેલનું મુખ્ય પ્રધાન પદ પણ ડગમગાવી નાંખ્યું. ચોમેર તબાહી જ તબાહી જ નજરે પડતી હતી. ભાજપ હાઇ કમાન્ડને લાગ્યું કે કુદરતે વેરેલા વિનાશનો સામનો કરવામાં ગુજરાત સરકારનું તંત્ર ઉણું ઉતરી રહ્યું છે, અને તેમણે સરકારના સુકાની બદલવા નિર્ણય કર્યો. ભૂકંપમાં તબાહ થઇ ગયેલા કચ્છને બેઠા કરવાની નેમ સાથે નરેન્દ્ર મોદીને ગુજરાતનું નેતૃત્વ સોંપાયું. હાઇ કમાન્ડનો નિર્ણય યોગ્ય પુરવાર થયો. એક સમયે એવું મનાતું હતું કે કચ્છ ક્યારેય કાટમાળમાંથી બેઠું થઇ શકશે નહીં. આજે આ પ્રદેશ ફિનિક્સ પક્ષીની જેમ માત્ર કાટમાળમાંથી માત્ર બેઠો જ નથી થયો, પણ વિકાસના પંથે પૂરપાટ દોડી રહ્યો છે. પ્રદેશની વસ્તી 5 લાખમાંથી 15 લાખે પહોંચી છે. ટોચની આંતરરાષ્ટ્રીય કંપનીઓના યુનિટ આ પ્રદેશમાં ધમધમે છે. કચ્છી માડુની કામગીરી છે, બાપલ્યા.
2002થી લાગલગાટ ત્રણ મુદત સુધી નરેન્દ્ર મોદી (ન.મો.)એ રાજયને સફળ અને સબળ નેતૃત્વ પૂરું પાડ્યું. આજે ગુજરાત રાજ્ય વિકાસનું પ્રતીક બન્યું છે. 2013માં ભાજપે નરેન્દ્ર મોદીને વડા પ્રધાન પદના ઉમેદવાર જાહેર કર્યા તે સાથે જ દેશમાં એક નવા પ્રકારનો ચૂંટણી જંગ જામ્યો. તેમના નેતૃત્વમાં છેલ્લા 9 વર્ષથી ભારતમાં લગભગ દરેક ક્ષેત્રે અદભૂત પરિવર્તન થઇ રહ્યું છે. આર્થિક - શૈક્ષણિક - વેપાર-ઉદ્યોગ - ડિજિટાઇઝેશનની વાત હોય કે વિજ્ઞાન આધારિત વિકાસની વાત હોય, દરેકેદરેક ક્ષેત્રે ભારત હરણફાળ ભરી રહ્યું છે. દેશની તિજોરી તરબતર છે. સરહદ સલામત છે. અને (પાકિસ્તાન તથા ચીન જેવા દેશોને બાદ કરતાં) પડોશી દેશો સાથેના સંબંધો મજબૂત છે.
વાચક મિત્રો, ‘સાર્ક’ (સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજનલ કોઓપરેશન) દેશો સાથેના ભારતના સંબંધોમાં 2014થી આમૂલ પરિવર્તન આવ્યું છે એમ કહેવામાં લગારેય અતિશ્યોક્તિ નથી. ‘સાર્ક’માં ભારત ઉપરાંત અફઘાનિસ્તાન - બાંગ્લાદેશ - માલદિવ્સ - નેપાળ - પાકિસ્તાન અને શ્રીલંકા સભ્ય છે. ભારતને બાદ કરતાં આ તમામ દેશોને ચીને પોતાની પાંખમાં લીધા હતા. ચીનના લીધે પાકિસ્તાનનો પણ આ દેશો સાથે નાતો મજબૂત હતો. આજે આ દેશો સાથેના ભારતના સંબંધ ઘનિષ્ઠ બન્યા છે. ભારતની વિદેશનીતિ આ દેશોને ચીન સામે ચેતવવામાં, તેમના હિત અંગે સાબદા કરવામાં સફળ રહી છે એમ કહી શકાય. આજે દુનિયામાં ભારતનું નામ ગાજે છે, ભારતના શબ્દોનું વજન પડે છે.
આપણા જાણીતા યુવા નેતા રાહુલ ગાંધી અમેરિકા જઇને ભલે ભારતમાં લોકતંત્ર નબળું પડી રહ્યું હોવાની કે દેશ ખાડે જઇ રહ્યો હોવાની વાતો કરે પણ આંખો મીંચી દેવાથી હકીકત બદલાઇ જતી નથી. આ લેખ ના તો ભાજપની સિદ્ધિના ગુણગાન ગાવા માટે છે કે ના તો વિપક્ષને બદનામ કરવા માટે, પરંતુ કોંગ્રેસના દાવાની સચ્ચાઇ તપાસવા માટે બહુ ઊંડા ઉતરવાની જરૂર નથી. વાચકો સક્ષમ છે.
આગામી 23 જૂને બિહારમાં વિરોધ પક્ષોના મહાગઠબંધન સંદર્ભે મહાઅધિવેશન યોજાઇ રહ્યું છે. બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારે ભાજપ સામે સમસ્ત વિપક્ષને એક કરવાનું બિડું ઝડપ્યું છે. લોકશાહીમાં વિરોધ પક્ષ મજબૂત હોવો જ જોઇએ તે વાતે કોઇ બેમત હોઇ શકે નહીં, પરંતુ સિદ્ધાંતવિહિન સમજૂતી કે સહયોગનું કોઇ મહત્ત્વ નથી.
સત્તાના સિમેન્ટ વડે થયેલું રાજકીય જોડાણ હંમેશા તકલાદી પુરવાર થતું હોય છે. આવા જોડાણમાં આખરે તો શિયાળ તાણે સીમ ભણી અને કૂતરું તાણે ગામ ભણી એવો તાલ સર્જાતો હોય છે.
ડો. મનમોહન સિંહના નેતૃત્વ હેઠળની યુપીએ-ટુ સરકાર આનું સ્પષ્ટ ઉદાહરણ છે. મનમોહન સિંહ એક વ્યક્તિ તરીકે અદના આદમી ખરા, બાહોશ અર્થશાસ્ત્રી પણ ખરા, ભારતના ઉદારીકરણનો યશ તેમને જ આપવો રહ્યો, પરંતુ સત્તા માટે રચાયેલી ખીચડા સરકારે નખ્ખોદ કાઢ્યું. 2005ના આ રાજકીય શંભુમેળાએ બેફામ ભ્રષ્ટાચાર આચર્યો. સહુ કોઇનો આદર્શ દલા તરવાડી હતો. રિંગણા લઉં બે-ચાર? હા - હા લ્યોને દસ-બાર જેવો તાલ હતો. સરકાર ટકાવવાની લ્હાયમાં ‘મૌનીસિંહ’ કંઇ બોલી શકતા નહોતા, અને સહુ કોઇએ આનો ભરપૂર (ગેર)લાભ ઉઠાવ્યો. લાખો-કરોડો રૂપિયા ભ્રષ્ટાચારમાં ચવાઇ ગયા. દેશનો આર્થિક વિકાસ ખોરંભે પડી ગયો. આપણે એક ભારતીય તરીકે એવી અપેક્ષા રાખીએ કે નીતિશ કુમારના પ્રયાસો અને આમંત્રણથી 23 જૂને એકત્ર થઇ રહેલા વિપક્ષના નેતાઓ આવા પ્રલોભનો - બેજવાબદારીથી અળગા થઇને આગળ વધશે.
2024ની ચૂંટણી માટે ખાંડા તો સહુ કોઇ ખખડાવે છે, પણ કોનો ઘોડો વીનમાં છે? નરેન્દ્ર મોદીનો. આ તારણ છે મોદીવિરોધીઓનું! નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને 2024ના ચૂંટણી જંગ વિશે વિદેશી રાજકીય વિશ્લેષકો કે અગ્રણી મીડિયા હાઉસ શું કહે તે જાણવા - સમજવા જેવું છે. એક સમયે મોદી વિરોધી તરીકે જાણીતા ફાઇનાન્સિયલ ટાઇમ્સ અને ઇકોનોમિસ્ટ સહિતના અખબારો - સામાયિકો હવે સહુ કોઇ માને છે કે મતદારો નાની-મોટી રેવડીની લાલચમાં સપડાવાના નથી, અને નરેન્દ્ર મોદી નિશ્ચિતપણે વિજેતા તરીકે ઉભરવાના છે. રાજકીય વિશ્લેષકોનું તારણ છે કે ભારતીય મતદાર બહુ શાણો છે. તે વચનોની ચુંગાલમાં સપડાવાનો નથી. તેમને વિકાસ જોઇએ છે, જે મોદીએ પુરવાર કરી દેખાડ્યો છે.
વાચક મિત્રો, આ સપ્તાહે કલમ અહીં અટકાવું છું. બ્રિટન અને અમેરિકાના ચૂંટણી જંગ વિશે આવતા સપ્તાહે વાત. (ક્રમશઃ)


comments powered by Disqus