બેઇજિંગઃ ચીનને વિશ્વના પત્રકારો માટે નરક માનવામાં આવે છે. હાલમાં ભારતના ચીનમાં રહેલા એકમાત્ર પત્રકારને પણ ચીને દેશનિકાલનું ફરમાન સંભળાવ્યું છે. ચીની અધિકારીઓએ પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના પત્રકારને એક મહિનામાં દેશ છોડવા કહ્યું છે.
એક રિપોર્ટ મુજબ ચીને ભારત પર તેમના પત્રકારો સાથે ખરાબ વ્યવહારનો આરોપ લગાવ્યો છે. બેઇજિંગનું કહેવું છે કે, તેના જવાબમાં જ તેમણે ભારતના પત્રકારનો દેશનિકાલ કર્યો છે. આ વર્ષની શરૂઆતમાં ચીનમાં ભારતના ચાર પત્રકારો હાજર હતા, પરંતુ બે પત્રકારોના વિઝા એપ્રિલ મહિનામાં સમાપ્ત થઈ ગયા હતા, જે ચીને રિન્યૂ કર્યા નહોતા. બાકી રહેલા બે પત્રકારો પૈકી એક ગત અઠવાડિયે જ પરત ફર્યો હતો, જ્યારે બીજાને દેશનિકાલનો આદેશ કરાયો છે.

