મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના વચ્ચે ઊકળતો ચરુ

Wednesday 14th June 2023 07:34 EDT
 
 

મુંબઈઃ મહારાષ્ટ્રથી 2024ની લોકસભા ચૂંટણી પહેલાં એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મહારાષ્ટ્ર રાજકારણનાં આંતરિક સૂત્રોના જણાવ્યા પ્રમાણે મહારાષ્ટ્રમાં ભાજપ અને એકનાથ શિંદેની શિવસેના વચ્ચે ક્યાંક ખટાશ ઊભી થઈ હોય તેવું જણાઈ રહ્યું છે. આ તરફ મુખ્યમંત્રી એકનાથ શિંદેના પુત્ર અને કલ્યાણના સાંસદ શ્રીકાંત શિંદેએ શુક્રવારે રાજીનામું આપવાની ઓફર કરતાં હડકંપ મચી ગયો હતો. શ્રીકાંત શિંદેએ ભાજપના કેટલાક નેતાઓ પર શિવસેના-ભાજપ ગઠબંધનને નબળું પાડવા અને સ્વાર્થની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે.
કેમ રાજીનામું આપવા માગતા હતા શ્રીકાંત શિંદે
શ્રીકાંત શિંદેએ આ અંગે પ્રકાશ પાડતાં કહ્યું કે, ડોમ્બિવલીના કેટલાક નેતાઓ તેમના અંગત રાજકીય સ્વાર્થ ખાતર ભાજપ-શિંદે ગઠબંધન માટે અવરોધ ઊભા કરવાનો પ્રયાસ કરે છે. હું કોઈ પદની ઇચ્છા રાખતો નથી. ભાજપ-શિવસેનાનું વરિષ્ઠ નેતૃત્વ જે પણ ઉમેદવાર નક્કી કરશે, હું તેને સમર્થન આપીશ. અમારો ઉદ્દેશ્ય બીજેપી-શિવસેના ગઠબંધન ફરી કરવાનો છે અને કેન્દ્રમાં ભાજપ સાથે સરકાર બનાવવાનો છે. આ દિશામાં અમે જે કામ કરી રહ્યા છીએ તેનો કોઈ વિરોધ કરે, કોઈ નારાજ થાય અને ગઠબંધનમાં ગરબડ થાય તો હું મારા હોદ્દા પરથી રાજીનામું આપવા તૈયાર છું.
શ્રીકાંત શિંદેએ કેમ આપ્યું નિવેદન ?
સ્થાનિક ભાજપના નેતાઓએ આગામી લોકસભા ચૂંટણીમાં એકનાથ શિંદેની શિવસેનાને સમર્થન ન આપવાનો ઠરાવ પસાર કર્યાના એક દિવસ બાદ તેમની ટિપ્પણી આવી છે. ભાજપના કેબિનેટ મંત્રી રવીન્દ્ર ચવ્હાણની હાજરીમાં કલ્યાણ લોકસભા મતવિસ્તારમાં યોજાયેલી બેઠક દરમિયાન આ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. મહારાષ્ટ્રમાં ગઠબંધન બનાવનારા બે પક્ષો વચ્ચેના અણબનાવનું કારણ ભાજપના ડોમ્બિવલી પૂર્વ મંડળના પ્રમુખ નંદુ જોશી સામે નોંધાયેલ છેડતીનો કેસ હોવાનું માનવામાં આવે છે.
જો કે અગાઉ દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા પછી, એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસે એક સંયુક્ત નિવેદનમાં કહ્યું હતું કે ભાજપ અને શિવસેના મહારાષ્ટ્રમાં આગામી તમામ ચૂંટણી લડશે, જેમાં શહેરી અને સ્થાનિક સંસ્થાઓ, વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓ સામેલ છે.


comments powered by Disqus