બોરિસ જોન્સન બ્રિટિશ રાજકારણના બેડ બોય પૂરવાર થઇ રહ્યાં છે. કોરોના કાળમાં લોકડાઉન દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરીને પાર્ટીઓ કરનાર પૂર્વ વડાપ્રધાને સંસદમાંથી રાજીનામુ આપીને ફરી એકવાર કન્ઝર્વેટિવ પાર્ટીમાં વમળો સર્જી દીધાં છે. પાર્ટી ગેટમાં તપાસ કરી રહેલી સંસદની પ્રિવિલેજ કમિટી દ્વારા પોતાને દોષી ઠેરવવામાં આવી રહ્યાં છે તેની ગંધ આવી જતાં જોન્સને પાર્ટીને મુશ્કેલીમાં મૂકતા ઉધામાની શરૂઆત કરી છે. પાર્ટી ગેટના તોફાનને ખાળવા માટે ઓનર્સ લિસ્ટના મામલે જોન્સનના સમર્થકો પણ હવે વડાપ્રધાન રિશી સુનાકની સામે ખુલીને આવી ગયાં છે. જોન્સનના ઓનર્સ લિસ્ટમાં સામેલ 8 નેતાઓને લોર્ડની ઉપાધિ આપવાનો હાઉસ ઓફ લોર્ડ્સની હેલોક સમિતિએ ઇનકાર કરી દીધા બાદ જોન્સન સમર્થક વધુ બે સાંસદો નેડિન ડોરિસ અને નાઇજલ એડમ્સે રાજીનામા ધરી દીધાં છે. જેના કારણે રિશી સુનાક સામે વધુ 3 પેટા ચૂંટણીઓનો સામનો કરવાનો પડકાર ઊભો થયો છે. એ વાતમાં કોઇ શંકા નથી કે પહેલા બોરિસ જોન્સન અને ત્યારબાદ લિઝ ટ્રસે તેમના કાર્યકાળમાં કરેલી કામગીરીના કારણે ટોરીઝની લોકપ્રિયતા તળિયે બેઠી હતી. રિશી સુનાક વડાપ્રધાન બન્યા ત્યારે લેબર પાર્ટી મતદારોમાં પહેલી પસંદગી બની ચૂકી હતી પરંતુ રિશી સુનાકે લીધેલાં મક્કમ પગલાંને કારણે સરકારમાં અને દેશના અર્થતંત્રમાં સ્થિરતા આવતાં ઘણા મતદારો કન્ઝર્વેટિવ પાર્ટી માટે ફરી એકવાર સકારાત્મક વિચારો ધરાવતા થયાં હતાં. સમયાંતરે કરાતા સરવેમાં જોવા મળ્યું હતું કે, રિશી સુનાક અને ટોરીઝની લોકપ્રિયતા ફરી એકવાર વધી રહી છે. લેબર પાર્ટીની ટોરીઝ પરની સરસાઇમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો હતો પરંતુ બોરિસ જોન્સન સુનાકને પરાસ્ત કરવાની જિદ પર આવી ગયાં હોય તેમ લાગી રહ્યું છે. બોરિસ સમર્થકો રિશી સુનાક સામે નીતનવા મોરચા ખોલી રહ્યાં છે. આગામી વર્ષે સંસદની ચૂંટણી યોજાય તે પહેલાં જ ફરી એકવાર કન્ઝર્વેટિવ પાર્ટીમાં ઘમસાણ સર્જાયું છે જે રિશી સુનાકની અત્યાર સુધીની સફળ કામગીરી પર પાણી ફેરવી શકે છે. અંગત મહત્વાકાંક્ષાઓમાં રાચતા બેડ બોય જોન્સન અને તેમના સમર્થકો આગામી સંસદની ચૂંટણીમાં ટોરીઝની સત્તાવાપસીની રહી સહી આશાઓ નષ્ટ કરે તેવી સ્થિતિનું હાલ સર્જન થયું છે.
