વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણી તામિલનાડુથી લડી શકે

Wednesday 14th June 2023 07:35 EDT
 
 

અમદાવાદઃ દક્ષિણ ભારતમાં ભારતીય જનતા પાર્ટી માટે હંમેશાં કપરાં ચઢાણ રહ્યાં છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વખતે તામિલનાડુથી લોકસભાની ચૂંટણી લડે એવા સંકેત મળી રહ્યા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે રવિવારે ગૃહમંત્રી અમિત શાહના તમિલ વડાપ્રધાન બને એવા નિવેદનથી પક્ષની આ સ્ટ્રેટેજીને વધારે બળ મળી રહ્યું છે.
વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં વડોદરા અને ઉત્તર પ્રદેશના વારાણસી ખાતેની બંને બેઠક જીતી વડાપ્રધાન પદના દાવેદાર તરીકે મોદીએ પોતાની દેશવ્યાપી લોકચાહનાનો પરિચય આપ્યો હતો. આ પછી બીજી વખત પણ તેમણે વારાણસીથી ચૂંટણી જીતી હતી. બંને વખતે બંને રાજ્યોમાં નરેન્દ્ર મોદી લોકસભા લડી રહ્યા હોવાથી ભાજપને મોટો ફાયદો થયો હતો. વડાપ્રધાન બન્યા બાદ મોદીએ વારાણસી શહેરની કરેલી કાયાપલટ પણ તેમને ફાયદો કરાવી શકે એમ છે. છેલ્લા પાંચ દાયકાથી તામિલનાડુના રાજકારણ પર ડીએમકે અને એઆઇડીએમકેનું પ્રભુત્વ રહ્યું છે.
ગૃહમંત્રીના નિવેદનને સમજવામાં સ્થાનિક નેતાઓ નિષ્ફળ રહ્યા
રવિવારે તમિલ વ્યક્તિ કે પછી તામિલનાડુથી વિજય મેળવનારા વડાપ્રધાન બને એવું નિવેદન અમિત શાહે આપ્યું હતું. આ નિવેદન અંગે તામિલનાડુના મુખ્યમંત્રી સ્ટાલિને જણાવ્યું હતું કે, તેમને કોઈ તમિલ વ્યક્તિ વડાપ્રધાન બને એ ગમશે પણ અમિત શાહ કેમ નરેન્દ્ર મોદીનો વિરોધ કરી રહ્યા છે. જો કે રાજકીય પંડિતો માને છે કે અમિત શાહ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તામિલનાડુથી આગામી ચૂંટણી લડે અને 2024માં ફરી દેશના વડાપ્રધાન બને એવો સંકેત આપી રહ્યા હતા. તામિલનાડુના રાજકીય નેતાઓ અમિત શાહે કરેલી વાતનું યોગ્ય અર્થઘટન કરી શક્યા નથી.


comments powered by Disqus