પાકિસ્તાનમાં હિન્દુ યુવતીને કોર્ટનો પણ અન્યાય

Wednesday 14th June 2023 07:39 EDT
 
 

પાકિસ્તાનમાં લઘુમતી અને ખાસ કરીને હિન્દુઓ સાથે અત્યાચાર અને અન્યાયની ઘટનાઓ વારંવાર બની રહી છે. પાક. હિન્દુ કન્યાને કિડનેપ કરી ઇસ્લામમાં ધર્માંતરણ કરાવી મુસ્લિમ પુરુષ સાથે પરણાવી દેવામાં આવી હતી. યુવતીનાં માતા-પિતાએ પુત્રીને તેમની સાથે મોકલવા કોર્ટને વિનંતી કરી ત્યારે કોર્ટે તેમની અરજી ફગાવી દીધી હતી.
• પાકિસ્તાનમાં ખૈબર પખ્તુનખ્વાંમાં ભારે વરસાદ-વાવાઝોડાથી 34નાં મોતઃ  ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાન ખૈબર પખ્તુનખ્વાંમાં ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે 34 વ્યક્તિનાં મોત થયાં છે અને 100થી વધુ લોકોને ઈજા થઈ છે. પ્રોવિન્શિયલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના જણાવ્યા મુજબ શનિવારે આ વિસ્તારમાં તોફાની પવન સાથે મુશળધાર વરસાદ તૂટી પડ્યો હતો.
• ભારતીય મૂળના થર્મન સિંગાપોર રાષ્ટ્રપતિની ચૂંટણી લડશેઃ સિંગાપોરમાં એક ભારતીય મૂળના વરિષ્ઠ મંત્રી થર્મન શનમુગરત્નમે 22 વર્ષ પછી રાજનીતિથી અલગ હટીને રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. સાથે જ તેમણે વડાપ્રધાન લી હિસયન લૂંગને રાજનીતિ અને અન્ય તમામ પદ પરથી રાજીનામાં આપવાના પોતાના નિર્ણયની જાણકારી આપતો પત્ર લખ્યો છે.
•ઇમરાન પર તોળાતો મૃત્યુદંડનો ખતરોઃ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની મુશ્કેલી હજી પણ વધી શકે છે. તેમને દેશદ્રોહનો આરોપ લગાવીને કેસ કરનારા વકીલની થયેલી હત્યાના કેસમાં પણ નામજોગ આરોપી બનાવાયા છે. વકીલ અબ્દુલ રઝાક શર મંગળવારે ક્વેટામાં બલુચિસ્તાનની હાઇકોર્ટમાં જઈ રહ્યા હતા ત્યારે અજ્ઞાત બંદૂકધારીઓએ ગોળી મારીને તેમની હત્યા કરી હતી.
• કોવિન પોર્ટલ પરથી ડેટા લીકઃ નવી દિલ્હીઃ કોવિડ-19ના બચાવ માટે વેક્સિન લઈ ચૂકેલા લોકોની અલગ પ્રકારની પરેશાની શરૂ થઈ છે. સરકારી સર્વર પરથી તેમના ડેટા ચોરી લેવામાં આવ્યા છે. મોટી વાત એ છે કે આ ડેટામાં સામાન્ય ભારતીય નાગરિકોની સાથે ભૂતપૂર્વ ગૃહમંત્રી પી. ચિદમ્બરમ્, ટીએમસી નેતા ડેરેક ઓ બ્રાયન સહિતના લોકોના પર્સનલ ડેટાનો પણ સમાવેશ થાય છે.
• અમરનાથ યાત્રા 1 જુલાઈથી શરૂ, સમોસાં-ચિપ્સ પર પ્રતિબંધઃ અમરનાથ શ્રાઇન બોર્ડે યાત્રા દરમિયાન આરોગ્યની દૃષ્ટિએફાસ્ટફૂડ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. હવે લંગરોમાં શ્રદ્ધાળુઓને ફક્ત પૌષ્ટિક આહાર જ પીરસાશે. બોર્ડે નવી માર્ગદર્શિકામાં જણાવ્યું છે કે, યાત્રામાં હવેથી બિનઆરોગ્યપ્રદ ભોજન પીરસાશે કે વેચાશે નહીં.
• નાઇજીરિયાથી ભારતીય ખલાસીઓની વતન વાપસીઃ ગિની અને નાઇજીરિયામાં નવ મહિના સુધી અટકાયતમાં રહ્યા પછી ભારતીય ખલાસીઓની વતન વાપસી થઈ. નાઇજીરિયાએ તેલ ચોરીના આક્ષેપ મૂકીને અટકાયતમાં રાખ્યા હતા, પરંતુ સરકારો વચ્ચેની સમજૂતી પછી 16 ખલાસીને પરત ભારત મોકલ્યા છે.
•ગેમિંગ એપને આધારે ધર્માંતરણનો સૂત્રધાર ઝડપાયોઃ ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં ઓનલાઇન ગેમિંગ એપને આધારે કિશોરો અને યુવકોના ધર્માંતરણનો પ્રયાસ કરનારા મુખ્ય આરોપી શાહનવાઝ મક્સૂદ ખાન ઉર્ફે બધ્ધોની થાણે પોલીસે અલીબાગની એક લોજમાંથી રવિવારે ધરપકડ કરી હતી. આરોપીએ ગેમિંગ એપ દ્વારા એક કિશોરનું ધર્માંતરણ કરાવ્યું હોવાની તપાસ આદરાઈ છે.
• સુપ્રિયા સુલેને એનસીપી વર્કિંગ પ્રેસિડેન્ટઃ લોકસભા ચૂંટણી પહેલાં શરદ પવારે પુત્રી સુપ્રિયા સુલે અને પ્રફુલ્લ પટેલને કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યાં છે, તો પ્રફુલ્લ પટેલને પણ સમકક્ષપદ આપ્યું છે. શરદ પવાર પાર્ટી પ્રેસિડેન્ટ તરીકે પોતે તો ખસ્યા નથી, પરંતુ તેમણે પુત્રીને કમાન સોંપવાનું શરૂ કર્યું છે. એનસીપીના નવા ફેરફારમાં અજિત પવારને ખાસ કંઈ સ્થાન મળ્યું નથી.
• અનેક રાજ્યોમાં કોંગ્રેસ ફેરફારની તૈયારીમાંઃ લોકસભા તૈયારીના ભાગરૂપે કોંગ્રેસ હાઇકમાન્ડે સૌપ્રથમ સંગઠનાત્મક ફેરફાર કરવા નિર્ણય કર્યો છે. આ જ ઉપક્રમે કોંગ્રેસ રાજસ્થાન, મહારાષ્ટ્ર, દિલ્હી, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં ટૂંક સમયમાં નવા અધ્યક્ષનું એલાન કરી શકે છે. આ સાથે જ પાર્ટી કોંગ્રેસ મહાસચિવ પ્રિયંગા ગાંધી વાડ્રાને મોટી જવાબદારી સોંપી શકે છે.
• અમેરિકાના સૈનિકોના અવશેષ શોધવા યુએસએ આસામની મદદ માગીઃ કોલકાતામાં અમેરિકાના કોન્સ્યૂલેટ જનરલે આસામ સરકાર પાસેથી મદદની માગણી કરી છે. અમેરિકન દૂત મેલિન્ડા પાવેકે ગુરુવારે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાને વિનંતી કરતાં કહ્યું કે, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ઉત્તર-પૂર્વી રાજ્યમાં મૃત્યુ પામેલા અમેરિકન સૈનિકોના અવશેષોની શોધ કરવામાં આવે.
• દેશમાં 12 લાખ સેક્સ અપરાધીઓનો સંપૂર્ણ ડેટાબેઝ તૈયાર કરાયોઃ ભારતમાં સેક્સને લગતા ગુના અને ગુનેગારોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. સત્તાવાર સેક્સ અપરાધીઓની સંખ્યા 12 લાખ પર પહોંચી છે, જેમનો ડેટાબેઝ તૈયાર કરાયો છે. જેમાં મહિલાઓ સાથે દુષ્કર્મ, બાળકોના યૌનશોષણ સામે રક્ષણ તેમજ મહિલાઓની મર્યાદાનો ભંગ કરવાના કિસ્સાનો સમાવેશ થાય છે.
• વિશ્વમાં સૌથી વધુ પોલ્યુટેડ 20 શહેરમાં 15 ભારતનાંઃ વિશ્વમાં ટોચનાં 20 સૌથી વધુ વાયુ પ્રદૂષિત શહેરોમાં ભારતનાં 15 શહેરોનો સમાવેશ થાય છે. જ્યારે વિશ્વમાં સૌથી વધુ એર પોલ્યુટેડ શહેર તરીકે લાહોરનો પહેલો નંબર આવે છે. 20 પૈકી 3 શહેર પાકિસ્તાનનાં છે. ચીનનું એકમાત્ર શહેર હોતન અને ચાડનું એનઝામેન સૌથી વધુ એર પોલ્યુશન ધરાવે છે.
• રશિયાએ પાકિસ્તાનને સસ્તું ક્રૂડ આપ્યું: આર્થિક કટોકટીનો સામનો કરી રહેલા પાકિસ્તાનને હવે રશિયાનું સસ્તું ઓઇલ મળવાનું શરૂ થઈ ગયું છે. આજે પ્રથમ વખત એક રશિયન ઓઇલ ટેન્કર 45 હજાર મેટ્રિક ટન ક્રૂડ ઓઇલ લઈને કરાંચી પહોંચી ગયું છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે કહ્યું, આ રશિયા-પાકિસ્તાન વચ્ચેના સંબધોની નવી શરૂઆત છે.
• ફ્રાન્સના એનેસી શહેરમાં બાળકો પર ચાકુથી હુમલોઃ ફ્રાન્સમાં ફરી એકવાર નિર્દોષ બાળકો પર હુમલાની ઘટના બની છે. અજાણ્યા હુમલાખોર દ્વારા ધારદાર ચપ્પુથી બાળકો પર હુમલો કરાયો હતો, જેમાં 8 બાળકોને ઈજા થઈ હતી. ઈજાગ્રસ્તો પૈકી 3ની હાલત ગંભીર હોવાનું માનવામાં આવે છે. એનેસી ટાઉનમાં ગુરુવારે સવારે અચાનક કેટલાંક બાળકો પર તીક્ષ્ણ ચપ્પુથી હુમલો કરાયો હતો.


comments powered by Disqus