અમેરિકાની શોર્ટ સેલર કંપની હિન્ડનબર્ગ રિસર્ચે ભારતના અદાણી ગ્રુપ પર ફ્રોડ અને માર્કેટ મેનિપ્યુલેશનના આરોપ મૂક્યા બાદ કંપનીના માર્કેટ કેપમાં 100 બિલિયન ડોલર કરતાં વધુનો કડાકો બોલી ગયો હતો. સૌથી મહત્વનો સવાલ એ છે કે શું ગૌતમ અદાણીના સામ્રાજ્યને થનારું કોઇપણ પ્રકારનું ગંભીર નુકસાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઇકોનોમિક પ્લાનની કબર ખોદી નાખશે? હાલ ભારતમાં અદાણી ગ્રુપ પાસે ખાણ, બંદરો, એરપોર્ટ સહિતના માળખાકીય વિકાસના અત્યંત મહત્વના પ્રોજેક્ટ છે. જો અદાણી ગ્રુપ પડી ભાંગશે તો તે તેની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઇકોનોમિક વિઝનના મોટા હિસ્સાને લઇ ડૂબશે. અદાણી ગ્રુપે ન કેવળ ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટાં રોકાણો કર્યાં છે પરંતુ ભારતના ગ્રીન એનર્જીના સ્વપ્નને સાકાર કરવામાં પણ અદાણી ગ્રુપની ભુમિકા અત્યંત મહત્વની મનાય છે. ગૌતમ અદાણીની નરેન્દ્ર મોદી સરકાર અને તેની આર્થિક મહત્વાકાંક્ષાઓ સાથે જે રીતે સંકળાયેલા છે તે જોતાં આર્થિક નિષ્ણાતો સવાલ ઉઠાવી રહ્યાં છે કે શું ભારતના નીતિ ઘડવૈયાઓ પણ ખોટી દિશામાં આગળ વધી રહ્યાં હતાં? ન્યૂયોર્ક યુનિવર્સિટીના પ્રોફેસર અશ્વથ દામોદરનના જણાવ્યા અનુસાર અદાણીના શેર હજુ ઓવરવેલ્યૂ ધરાવે છે. બીજીતરફ આંતરરાષ્ટ્રીય ધીરાણકર્તાઓએ અદાણીને અપાતી આર્થિક સહાય પર બ્રેક લગાવી દીધી છે. જેના કારણે અદાણીના ઘણા પ્રોજેક્ટ ઘોંચમાં પડી શકે છે. ફ્રાન્સની ટોટલ એનર્જીએ 4 બિલિયન ડોલરનું ઇન્વેસ્ટમેન્ટ સ્થગિત કરી દેતાં અદાણી ટોટલના પ્રોજેક્ટો પર અસર પડી શકે છે. ભારતના માળખાકીય વિકાસમાં ભારતની અગ્રણી 500 કંપનીઓ દ્વારા કરાતા કેપિટલ સ્પેન્ડિંગમાં અદાણી ગ્રુપનો હિસ્સો 7 ટકા છે. મોદી સરકાર ભારતને ગ્રીન સુપર પાવર બનાવવા ઇચ્છે છે અને અદાણી ગ્રુપ ગ્રીન એનર્જી સેક્ટરમાં 2030 સુધીમાં 70 બિલિયન ડોલરનું રોકાણ કરવાનું છે. પરંતુ હવે મોદી સરકાર અને અદાણીનું આ સ્વપ્ન રોળાઇ શકે છે. ભારતમાં ચાલી રહેલા જાહેર અને પ્રાઇવેટ પ્રોજેક્ટમાં અદાણી ગ્રુપનો 10 ટકા હિસ્સો છે. અદાણી ભારતમાં મહત્વની ઇન્ડસ્ટ્રીઝમાં મોટો હિસ્સો ધરાવે છે. તેના તાબામાં રહેલા 7 એરપોર્ટ ભારતનો 23 ટકા પેસેન્જર ટ્રાફિક સંભાળે છે. અદાણી હસ્તક રહેલાં એક ડઝન કરતાં વધુ બંદર ભારતના આંતરરાષ્ટ્રીય માલ પરિવહનનો 30 ટકા હિસ્સો સંભાળે છે. ભારતમાં થતા સિમેન્ટ ઉત્પાદનનો 14થી 20 ટકા હિસ્સો અદાણી ગ્રુપની કંપનીઓ દ્વારા કરાય છે. અદાણીના વેરહાઉસમાં 30 ટકા કૃષિ ઉત્પાદનોનો સંગ્રહ થાય છે. ભારતમાં અદાણી ગ્રુપ વીજળીની ઉત્પાદન કરતું સૌથી મોટું પ્રાઇવેટ જૂથ છે. અદાણી સમૂહને હવે મૂડીરોકાણ મેળવવામાં મુશ્કેલી પડવાની છે તે નિઃસંદેહ છે અને તેની સીધી અસર તેના દ્વારા સંચાલિત ઉદ્યોગો અને પ્રોજેક્ટો પર પડશે. જો અદાણીના પ્રોજેકટો ખોરવાશે અને વિલંબિત થશે તો તેના કારણે મોદી સરકારના ભારતના વિકાસના આયોજનો પણ ખોરવાઇ શકે છે. સરકાર દ્વારા પ્રસ્તાવિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટો પર બ્રેક વાગી શકે છે.
