અમેરિકાથી વિઝા રિન્યૂ માટે નહીં આવવું પડે ભારત

Wednesday 15th February 2023 07:32 EST
 
 

નવી દિલ્હી: અમેરિકાના વિદેશ વિભાગ દ્વારા એક નવો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવી રહ્યો છે. જેના કારણે ભારતના આઇટી પ્રોફેશનલ્સને હવે વિઝા રિન્યુઅલ માટે ભારત નહીં આવવું પડે. અમેરિકામાં જ તેમના વિઝા રિન્યૂ અને સ્ટેમ્પિંગ થઈ જશે. અમેરિકન સરકારના નિર્ણયથી ભારતના H-1B અને L-1 વિઝાધારકોને મોટી રાહત મળશે. અમેરિકાની બાઇડેન સરકાર દ્વારા ડોમેસ્ટિક વિઝાનું રેવેલિડેશન પણ ત્યાં જ કરી આપવામાં આવશે. હકીકતમાં 2004 સુધી H-1B વિઝા અમેરિકામાં જ રિન્યૂ કરી આપવામાં આવતા હતા, પરંતુ ત્યારબાદ નીતિમાં ફેરફાર કરતાં યુએસમાં કામ કરતા વિદેશી પ્રોફેશનલ્સને વિઝા રિન્યૂ કરાવવા તેમના દેશમાં પાછા આવવું પડતું હતું.
આ વર્ષના અંતમાં પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરાશે
યુએસ વિદેશ વિભાગના પ્રવક્તાએ કહ્યું કે, આ વર્ષના અંત સુધીમાં આ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે. જેનો લાભ શરૂઆતમાં થોડા જ લોકોને મળશે. એક-બે વર્ષમાં પ્રોજેક્ટને સંપૂર્ણપણે અમલમાં મુકાશે. આગામી થોડાં વર્ષોમાં અમેરિકા વિદેશી આઇટી પ્રોફેશનલ્સની સંખ્યામાં વધારો કરવા ઇચ્છે છે, જેના કારણે તેમના વિઝા રિન્યુઅલમાં રાહત અપાશે.
ભારતમાં સ્ટેમ્પિંગ માટે એટલે કે વિઝા રિન્યુઅલ માટે બેકલોગ ઘણો વધી ગયો છે. ભારતીય પ્રોફેશનલ્સને વિઝા રિન્યુઅલ માટે એપોઇન્ટમેન્ટ મેળવવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.


comments powered by Disqus