તૂર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપે ફરી એકવાર પૂરવાર કરી દીધું છે કે માનવી કુદરત સામે કેટલો લાચાર છે. અંતરિક્ષના રહસ્યોને ઉકેલવા અબજો કિલોમીટરનો પ્રવાસ ખેડનારા ઉપકરણોનું સર્જન કરનાર માનવી તે જે ગ્રહ પર વસવાટ કરે છે તેના જ રહસ્યો સમજી શક્યો નથી. માનવીએ અંતરિક્ષમાં ભલે ગમે તેટલી હરણફાળ ભરી હોય પરંતુ તે પૃથ્વીના પેટાળની ગતિવિધિઓ સામે વામણો પૂરવાર થઇ રહ્યો છે. હવામાન અંગેની સચોટ આગાહી કરવાની ક્ષમતા માનવીએ હાંસલ કરી લીધી છે પરંતુ ભૂકંપ અંગે આજે પણ માનવી સચોટ આગાહી કરી શક્તો નથી. આપણે ચંદ્ર પર પગલાં પાડી આવ્યાં અને મંગળ ગ્રહ પર આપણા ઉપકરણો સંશોધનો કરી રહ્યાં છે. માનવી દ્વારા સર્જિત અવકાશયાનો સૂર્યમંડળના અબજો કિલોમીટર દૂર આવેલા છેવાડાના ગ્રહોની પણ મુલાકાત લઇ ચૂક્યાં છે પરંતુ પૃથ્વીના પેટાળના કેટલાક કિલોમીટર ઊંડે રહેલા રહસ્યો આપણે ઉકેલી શક્તાં નથી. તેના કારણે જ ભૂકંપ અને સુનામી જેવી હોનારતો હજારો માનવીઓનો ભોગ લઇ રહી છે અને આપણે મોં વકાસીને આવી ઘટનાઓને જોઇ રહ્યાં છીએ. પૃથ્વીનું કેન્દ્ર લગભગ 6370 કિમી ઊંડે આવેલું છે. અંતરિક્ષમાં ભલે આપણે અબજો કિલોમીટર દૂર સુધીના રહસ્યો ઉકેલવામાં સફળ રહ્યાં છીએ પરંતુ પૃથ્વીના પેટાળમાં માનવી 12 કિમી કરતાં વધુ ઊંડાઇએ પહોંચી શક્યો નથી. જેના કારણે પૃથ્વીના પેટાળના રહસ્યો ઉકેલવામાં આપણે નિષ્ફળ રહ્યાં છીએ. અપુરતી માહિતીના કારણે જ માનવી ભૂકંપ, જ્વાળામૂખી ફાટવા કે સુનામી જેવી હોનારતો આવવા અંગે કોઇ અનુમાન કરી શક્તો નથી અને સમયાંતરે આવતી આ પ્રકારની હોનારતોમાં હજારો માનવ જિંદગીઓ હોમાતી રહી છે. વિજ્ઞાનના બળે એકબીજા સામે બાંયો ચડાવતો માનવી કુદરત સામે લડવાની ક્ષમતા ધરાવતો નથી તે તૂર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપે ફરી એકવાર પૂરવાર કરી દીધું છે. બીજીતરફ કુદરત સાથેના ચેડાં પણ માનવીને ભારે પડી રહ્યાં છે. માનવીની જરૂરીયાતોએ પૃથ્વીના વાતાવરણને અસામાન્ય બનાવી દીધું છે. ક્લાઇમેટ ચેન્જના કારણે આજે વિશ્વ દુકાળ, અતિવૃષ્ટિ, વાવાઝોડાં જેવા પ્રકોપોનો સામનો કરી રહ્યું છે તો ધરતી સાથેના ચેડાંના કારણે માનવસર્જિત હોનારતો સામે આવી રહી છે. ભારતના ઉત્તરાખંડના જોશીમઠમાં જમીન ધસવાના કારણે સેંકડો લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી રહી છે તો જમ્મુના ડોડા વિસ્તારમાં પણ જમીનો ધસી રહી હોવાના અહેવાલો સામે આવી રહ્યાં છે. કુદરતના નિયમો વિરુદ્ધ જઇને વિકાસ સાધવાના પ્રયાસો માનવીને ભારે પડી રહ્યાં છે. તેમ છતાં આપણે તેમાંથી કોઇ પદાર્થપાઠ લઇ રહ્યાં નથી. આપણી આજ બેદરકારી આપણી ભાવી પેઢીઓને પણ કુદરતી હોનારતોથી સુરક્ષિત રાખી શકશે નહીં તે વાતમાં કોઇ શંકા નથી.
