તુર્કીના ભૂકંપમાં ભારતીયનું મોત, મલત્યા શહેરમાંથી યુવકનો મૃતદેહ મળ્યો

Wednesday 15th February 2023 07:54 EST
 
 

દિલ્હીઃ તુર્કીમાં આવેલા ભૂકંપે તબાહીનું તાંડવ મચાવ્યું છે. ૧૦ જેટલા ભારતીયો પણ તેમાં ફસાઈ ગયા હોવાના અહેવાલો શરૂઆતમાં આવ્યા હતા. જો કે પછીથી તેઓ સલામત હોવાનું જાણવા મળ્યું હતું. તુર્કીનાં અનેક શહેરોમાં રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. ત્યારે મલત્યા શહેરમાંથી એક મૂળ ભારતીય યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતક ભારતીય યુવક ઉત્તરાખંડનો હોવાનું જાણવા મળે છે. ભારતનાં દૂતાવાસ દ્વારા તેના મૃતદેહને ભારત મોકલવા વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. તુર્કી અને સીરિયામાં ભૂકંપને કારણે કુલ ૨૫,૦૦૦થી વધુ લોકોનાં મોત થયા છે. તુર્કીનાં રાષ્ટ્રપતિ એર્ડોગને કહ્યું છે કે ભૂકંપ આવ્યા પછી ઝડપથી રાહત અને બચાવ કામગીરી હાથ ધરવાની જરૂર હતી પણ તેવું થઈ શક્યું નથી. અમારી પાસે હાલ વિશ્વનાં અનેક દેશોની સારામાં સારી રાહત અને બચાવ ટુકડીઓ છે પણ તેમાં જેટલી ઝડપ હોવી જોઈએ તેટલી ઝડપથી કામ થતું નથી.
એકલા સીરિયામાં જ ૫.૩ લાખ લોકો બેઘર થવાની સંભાવના એક અહેવાલ મુજબ તુર્કી અને સીરિયામાં હાલ બરફવર્ષા ચાલી રહી છે. મકાનો પડી ગયા પછી લાખો લોકો ઘરવિહોણા થઈ ગયા છે. સીરિયામાં ૫.૩ મિલિયન લોકો બેઘર થઈ ગયા છે હાલ સરકારી રાહત છાવણીમાં આશરો લઈ રહ્યા છે. અનાજની પણ અછત સર્જાઈ છે. સંયુક્ત રાષ્ટ્રનાં અંદાજ મુજબ તુર્કી અને સીરિયામાં ૮ લાખથી વધુ લોકો ભોજન માટે ટળવળી રહ્યા છે.


comments powered by Disqus