દિલ્હીઃ છેલ્લા કેટલાક સમયથી ભારતની વિરુદ્ધમાં પાકિસ્તાનની સાથે તુર્કી ઊભું રહ્યું છે. તેમ છતાં હાલમાં આવેલી ભૂકંપની આપદામાં તુર્કીને મદદ પહોંચાડનારા અગ્રણી દેશોમાં ભારત પણ એક રહ્યું છે. ભારત દ્વારા તુર્કીને માનવીય અભિગમ દાખવી અપાતી મદદને પાકિસ્તાન દ્વારા એક કૂટનીતિ ગણાવવામાં આવી રહી છે, જેમાં મદદ પહોંચાડી તુર્કી સાથે ભારત નવા સંબંધ બનાવવા માગે છે.
તુર્કીમાં આવેલા ભયાવહ ભૂકંપ બાદ રાહત અને બચાવકાર્યમાં ભારતની એક મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી છે. ભારતે તુર્કીમાં ઓપરેશન દોસ્ત હેઠળ 6 વિમાન દ્વારા રાહત સામગ્રી તો પહોંચાડી જ છે, ઉપરાંત મોબાઇલ હોસ્પિટલ, મેડિકલ સામગ્રી પણ પહોંચાડી છે. આ સિવાય જોઈએ તો ડોગ સ્ક્વોડ સાથે એનડીઆરએફની બે ટીમ તુર્કીમાં બચાવકાર્યમાં લાગેલી છે. તુર્કીએ ભારત દ્વારા કરવામાં આવેલી મદદને લઈ ભારતને પોતાનો સાચો મિત્ર ગણાવ્યું છે.
ઉલ્લેખનીય છે તે તુર્કી અને ભારતના સંબંધ કેટલાંક વર્ષોમાં કંઈ વધારે સારા નથી રહ્યા, પરંતુ ભારત માનવીય મદદ આપવામાં હંમેશાં આગળ રહ્યું છે. ભારત તુર્કીને પોતાનાથી બનતી મદદ આપવામાં જોતરાયેલું છે, ત્યારે પાકિસ્તાન પોતે આર્થિક સંકટમાં ફસાયેલું હોવાથી તે તુર્કીને કંઈ ખાસ મદદ કરી શકે તેવી સ્થિતિ નથી. આ સંજોગોમાં પાકિસ્તાનને ભારત અને તુર્કીના વધતા સંબંધ અંગે ડર વ્યાપી ગયો છે, જે અંગે પાકિસ્તાની મીડિયામાં પણ ખૂબ ચર્ચા ચાલી રહી છે.
દ્વિપક્ષીય વેપાર મુદ્દે તુર્કી-ભારતનો વિવાદ
ભારત અને તુર્કીના વેપારી સંબંધમાં ઘણા સમયથી ઘર્ષણનો માહોલ રહ્યો છે. ત્યાં સુધી કે તુર્કી ઘણા સમયથી ખાદ્યાન્નની સમસ્યાથી ઝઝૂમી રહ્યું છે, થતાં તેણે ગયાવર્ષે ભારત તરફથી મોકલવામાં આવેલા હજારો ટન ઘઉં પરત મોકલાવી દીધા હતા. તુર્કીએ મે 2022માં 56,877 ટન ઘઉં તેમ કહીને પરત કર્યા હતા કે ભારત દ્વારા મોકલવામાં આવેલા ઘઉંમાં રૂબેલા વાઇરસ છે. વૈશ્વિક રાજકીય વિશ્લેષકોએ આ અંગે કહ્યું હતું કે, તુર્કીએ આ ઘઉં રાજનીતિક નિર્ણય હેઠળ પરત કર્યા હતા, ઘઉંમાં કોઈપણ પ્રકારના વાઇરસ હતા જ નહીં. જો કે તુર્કીએ પરત મોકલાવેલા ઘઉંને બાદમાં ઇજિપ્ત દ્વારા ખરીદી લેવામાં આવ્યા હતા.
પરમાણુ વીજળીની ટેકનિકની પણ સમસ્યા
તુર્કી ઘણા સમયથી પરમાણુ વીજળીનું ઉત્પાદન કરવાનું ઇચ્છુક રહ્યું છે. તુર્કી પાસે પરમાણુ વીજળી માટે થોરિયમ તો છે, પરંતુ તેની ટેકનિક તેની પાસે નથી. આ ટેકનિક મેળવવાના હેતુથી તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગન વર્ષ 2017 અને 2018માં ભારત આવ્યા હતા, પરંતુ તેઓ ભારત પાસેથી આ ટેકનિક મેળવવામાં અસમર્થ રહ્યા. આમ એર્દોગનને નિરાશ વદને પરત ફરવું પડ્યું. આ નારાજગી સાથે તુર્કીએ ભારત સાથેનું અંતર વધારી દીધું અને પાકિસ્તાન તરફનો ઝોક વધારી દીધો. આ દરમિયાન ભારતે મુસ્લિમ દેશો સાથે પોતાની નિકટતા વધારવાનું ચાલુ રાખ્યું, પરંતુ તુર્કી અને ભારતના સંબંધ મજબૂત બની શક્યા નહોતા.
આ પ્રકારે ભારત અને તુર્કીના વેપારમાં ઘણી અસંતુલનની સમસ્યા રહી છે. ભારત તુર્કીને જેટલો સામાન વેચે છે, તેનાથી ઘણો ઓછો સામાન તુર્કીથી ખરીદે છે. ભારતના આ વલણથી તુર્કી નારાજ છે. તે ઇચ્છે છે કે ભારત તુર્કીથી પોતાની આયાત વધારે અને તુર્કીમાં રોકાણ પણ વધારે.

