કરાચી : પાકિસ્તાનમાં લઘુમતી હિન્દુઓ અને શીખ સમૂદાય પર અત્યાચારો સતત વધતા જાય છે. વધુ બે હિન્દુ યુવતીઓ એ અત્યાચારનો ભોગ બની છે. કરાચીમાં એક યુવતીના ચહેરા પર એસિડ ફેંકવામાં આવ્યું હતું, તો મીરપુરખાસ શહેરની એક યુવતીનું અપહરણ થયું હતું. પોલીસે બંને ઘટનામાં આક્રમક કાર્યવાહી ન કરતાં હિન્દુસમાજમાં આક્રોશ ફેલાયો હતો.
પાકિસ્તાનના કરાચીમાં નોકરીથી પાછી આવતી સુનીતા નામની યુવતીને કામરાન નામનો યુવાન પરેશાન કરતો હતો. યુવતીએ કામરાનના પરિવારને એ અંગેની ફરિયાદ કરી હતી છતાં એ છેડતી કરતો હતો. સુનીતાએ છેડતીનો વિરોધ કરતાં કામરાને તેના ચહેરા પર એસિડ ફેંક્યું હતું. ગંભીર હાલતમાં સુનીતાને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ચહેરો અને એક હાથ એસિડમાં બળી ગયો હતો. સારવાર દરમિયાન તેણે એક આંખની દૃષ્ટિ ગુમાવી દીધી હતી. સુનીતાની સ્થિતિમાં સુધારો જણાતો ન હોવાથી પરિવારે ચિંતા વ્યક્ત કરી હતી. સુનીતાની ફરિયાદ તો પોલીસે લીધી હતી, પરંતુ આરોપી સામે કોઈ જ કાર્યવાહી કરી નથી. બીજી ઘટના મીરપુરખાસ શહેરની છે. સપના નામની એક હિન્દુ યુવતીનું અપહરણ કરી લેવાયું છે. સપના પોસ્ટ ઓફિસથી આવતી હતી ત્યારે ભર બપોરે રસ્તામાંથી એનું અપહરણ કરવામાં આવ્યું હતું. પરિવારજનોએ પોલીસ ફરિયાદ કરી છે, પરંતુ પોલીસને હજુ સુધી યુવતીની કે અપહરણકર્તાની કોઈ જ ભાળ મળી નથી. આ બંને ઘટનામાં પોલીસની ઢીલી કામગીરીથી હિન્દુસમાજમાં આક્રોશ વ્યાપ્યો છે. હિન્દુ આગેવાનોએ તુરંત પગલાં ભરવાની માગણી કરી છે.
પાકિસ્તાનમાં છેલ્લાં ઘણાં સમયથી લઘુમતી હિન્દુ અને શીખ સમાજ પર અત્યાચારો વધ્યા છે. ખાસ તો લઘુમતી સમુદાયની યુવતીઓ સાથે છેડતીના બનાવો વધ્યા છે. કેટલીય યુવતીઓનું અપહરણ કરી લેવામાં આવે છે અને પછી એની સાથે લગ્ન કરીને ધર્મપરિવર્તન કરવાનું દબાણ થાય છે.

