ભારતીય મૂળનાં નિક્કી હેલીનું US રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાનું એલાન

Wednesday 15th February 2023 07:30 EST
 
 

સાઉથ કેરોલિનાઃ યુનાઇટેડ નેશન્સમાં યુ.એસ.નાં ભૂતપૂર્વ રાજદૂત નિક્કી હેલીએ મંગળવારે એક મોટી જાહેરાત કરી. નિક્કી હેલીએ જણાવ્યું કે તેઓ 2024માં રાષ્ટ્રપતિપદ માટે ચૂંટણી લડી રહ્યાં છે. તેઓ રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણીમાં ઝંપલાવશે અને તેમની પાર્ટીના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ટક્કર આપશે.
નિક્કીએ પોસ્ટ કર્યો વીડિયો
દક્ષિણ કેરોલિનાના 51 વર્ષીય ભૂતપૂર્વ ગવર્નર અને ભારતીય ઇમિગ્રન્ટ્સનાં પુત્રી નિક્કી હેલીએ એક વીડિયો નિવેદનમાં જણાવ્યું હતું કે, હું નિક્કી હેલી છું અને હું રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી લડી રહી છું.
20 જાન્યુઆરી 1972ના રોજ સાઉથ કેરોલિનાના બામ્બર્ગમાં જન્મેલાં નિક્કી હેલીનું જન્મ સમયે નામ નિમ્રતા નિક્કી રંધાવા હતું. તેમનાં માતા-પિતા અજિતસિંહ રંધાવા અને માતા રાજકૌર રંધાવા પંજાબના અમૃતસરથી અમેરિકા સ્થાયી થયાં હતાં. નિક્કીના પિતા પંજાબ કૃષિ યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે કામ કરી ચૂક્યા છે, જ્યારે તેની માતાએ દિલ્હી યુનિવર્સિટીમાં કાયદાનો અભ્યાસ કર્યો હતો.
પિતા અજિતસિંહને સ્કોલરશિપ મળ્યા બાદ તેઓ કેનેડા જતા રહ્યાં હતાં અને 1969માં પીએચ.ડી.ની પદવી મેળવ્યા બાદ અજિતસિંહ પરિવાર સાથે સાઉથ કેરોલિના જતા રહ્યા હતા. નિક્કીએ ક્લેમસન યુનિ.થી ગ્રેજ્યુએશન કર્યું હતું અને વેસ્ટ મેનેજમેન્ટ કંપનીમાં કામ કર્યા બાદ ફેમિલી બિઝનેસમાં જોડાઈ હતી. તેમણે 1996માં વિલિયમ માઇકલ હેલી સાથે લગ્ન કર્યાં હતાં, જે સાઉથ કેરોલિના આર્મી નેશનલ ગાર્ડમાં કમિશન્ડ ઓફિસર છે.


comments powered by Disqus