દમાસ્કસઃ 12 વર્ષથી વિદ્રોહીઓનો સામનો કરી સીરિયા તૂટી ચૂક્યું છે, ત્યારે ભૂકંપે સીરિયા પર બેવડો માર માર્યો છે. ઉલ્લેખનીય છે કે સીરિયા અને તુર્કીમાં આવેલા ભૂકંપમાં અત્યાર સુધી 35 હજારથી વધુ લોકોનાં મોત થયાં છે, ત્યારે વિદ્રોહીઓના કબજામાં રહેલા વિસ્તારમાં સૌથી વધુ નુકસાન થયું છે. જો કે વિદ્રોહીઓથી ચાલતા સંઘર્ષના કારણે આ વિસ્તારોમાં રેસ્ક્યૂ કામગીરી યોગ્ય રીતે થઈ શકી નથી, જેથી અહીં યુદ્ધના કાળા ઓછાયાની સાથોસાથ કાટમાળ, લાશો અને ભૂખથી વલખાં મારતા લોકોની સંખ્યા બહુ મોટા પ્રમાણમાં છે.
સીરિયામાં જ્યાં જુઓ ત્યાં માનવ વસ્તીના બદલે કાટમાળ પથરાયેલો છે. સીરિયામાં હજુપણ એવા અનેક વિસ્તારો છે, જ્યાં ભૂકંપના 10 દિવસ બાદ પણ રાહત અને મદદ પહોંચી શકી નથી. આ સ્થિતિમાં ભૂકંપ પ્રભાવિત લોકો ભૂખ, માંદગી અને ઇજાના કારણે વલખાં મારી રહ્યા છે. અનેક એવા લોકો છે જેના મૃતદેહ કાટમાળમાં હજુપણ ફસાયેલા છે. આ બધાની પાછળ સીરિયાના ગૃહયુદ્ધને જ જવાબદાર ગણવામાં આવી રહ્યું છે.
બચાવકાર્ય દરમિયાન
આ દરમિયાન અનેક દેશની ટીમ સીરિયા બોર્ડર પર રેસ્કયૂ ઓપરેશન છોડીને પાછી ફરી રહી છે. રવિવારે ઇઝરાયેલે સુરક્ષાનો હવાલો આપીને પોતાની ટીમ હતજાલા ગ્રૂપને ઇમર્જન્સી ફ્લાઇટથી પાછી બોલાવી લીધી. આ પહેલાં જર્મની અને ઓસ્ટ્રેલિયાએ પણ પોતાના બચાવદળને તુર્કીથી બોલાવી લીધાં હતાં.

