મુંબઇઃ બીસીસીઆઇની પ્રથમ વિમેન્સ પ્રીમિયર લીગની (ડબ્લ્યૂપીએલ) હરાજીનું સોમવારે સમાપન થયું છે. હરાજીમાં 448 ખેલાડીઓનું નસીબ દાવ ઉપર હતું. હરાજીમાં માત્ર 87 ખેલાડીઓ ઉપર બોલી લાગી હતી. તેમને ખરીદવા માટે પાંચ ફ્રેન્ચાઇઝી મુંબઇ ઇન્ડિયન્સ, યુપી વોરિયર્સ, ગુજરાત જાયન્ટ્સ, દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે કુલ 59.50 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. હરાજીના અંતે દિલ્હી પાસે 35 લાખ, ગુજરાત પાસે પાંચ લાખ અને બેંગ્લોર પાસે 10 લાખ રૂપિયાનું બેલેન્સ બચ્યું હતું. ગુજરાત, દિલ્હી અને બેંગ્લોરે સર્વાધિક 18-18 ખેલાડી ખરીદી હતી. મુંબઇએ 17 તથા વોરિયર્સે 16 ખેલાડીની ખરીદી કરી હતી.
વિદેશની 160 ખેલાડી આ હરાજીમાં હતી અને તેમાંથી 30 ખેલાડીઓ ઉપર જ બોલી લાગી હતી. બીજી તરફ ભારતની 250 કરતાં વધારે ખેલાડીઓ હરાજીમાં હતી પરંતુ 57 ખેલાડીઓને જ ખરીદવામાં આવી હતી. હરાજીમાં માત્ર 20 ખેલાડીઓને ખરીદવા માટે ફ્રેન્ચાઇઝીઓએ એક કરતાં વધારે કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. તેમાંથી ચાર ખેલાડી બેથી ત્રણ કરોડની વચ્ચે તથા ત્રણ ખેલાડીઓને ત્રણ કરોડ કરતાં વધારે રકમ મળી હતી. ભારતીય ઓપનર સ્મૃતિ મંધાનાને સર્વાધિક 3.40 કરોડ રૂપિયા મળ્યા હતા.
શેફાલીને દિલ્હીએ અને રિચાને બેંગ્લૂરુએ ખરીદી
ઇંગ્લેન્ડની નતાલી સ્કીવરને મુંબઇ ઇન્ડિયન્સ તથા ઓસ્ટ્રેલિયાની ગાર્ડનરને ગુજરાત જાયન્ટ્સે 3.20 કરોડ રૂપિયામાં ખરીદી હતી. ભારતની દીપ્તિ શર્માને યૂપી વોરિયર્સે 2.60 કરોડમાં તથા જેમિમા રોડ્રિગ્ઝને દિલ્હી કેપિટલ્સે 2.20 કરોડમાં તથા શેફાલી વર્માને બે કરોડ રૂપિયામાં દિલ્હીની ટીમે ખરીદી હતી. ઓસ્ટ્રેલિયાની બેથ મૂનીને ગુજરાત જાયન્ટ્સે બે કરોડ રૂપિયામાં ખરીદી હતી.

