એબીપીએલ ગ્રુપના પ્રકાશન ગુજરાત સમાચારે 50 વર્ષની લાંબી મજલ કાપી નાખી છે. યુકેમાં બહોળો ફેલાવો ધરાવતા ગુજરાત સમાચારે હંમેશા ગુજરાતી સહિતના ભારતીય સમુદાયનો અવાજ બુલંદ કરવામાં કોઇ કસર બાકી રાખી નથી. સમાજના પ્રશ્નો ઉઠાવવાની સાથે સાથે સમાજની સેવા અને ગુજરાતીઓ સહિતના ભારતીયોના યોગદાનની કદર કરવામાં ગુજરાત સમાચાર અને એબીપીએલ ગ્રુપ અગ્રેસર રહ્યાં છે. યુકેના ગુજરાતી સમુદાયે આટલી લાંબી મજલ દરમિયાન આપેલા સાથ અને સહકારની કદર કરતાં એબીપીએલ ગ્રુપ સુવર્ણ જયંતિના આ પાવન અવસરે ગુજરાતીઓ સહિતના ભારતીયોએ વિવિધ ક્ષેત્રે આપેલા યોગદાનને બિરદાવવામાં જરાપણ પાછી પાની કરી રહ્યું નથી. એબીપીએલ ગ્રુપની સુવર્ણ જયંતિની ઉજવણીના ભાગરૂપે અમે વિશ્વભરમાં જાહેર જીવન, સખાવત, સામુદાયિક સેવાઓમાં યોગદાન આપનારા ભારતીયોનું સન્માન કરી રહ્યાં છીએ. અત્યાર સુધીમાં અમે આ ઉજવણીના ભાગરૂપે સંખ્યાબંધ ઇવેન્ટનું આયોજન કરી ચૂક્યાં છીએ. હાઉસ ઓફ લોર્ડસ ખાતે આયોજિત ડાયમંડ્સ આર ફોર એવર ઇવેન્ટ ઐતિહાસિક પૂરવાર થઇ હતી. જેમાં બ્રિટિશ ભારતીય સમુદાયના જાહેરજીવનના અગ્રણીઓ સહિત મહાનુભાવોને સન્માનિત કરાયાં હતાં. હોળી ધૂળેટીના પર્વ નિમિત્તે અમે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરી જેમાં 30 મહિલા સંગઠનોના 500 કરતાં વધુ મહિલા સભ્યોએ હાજર રહીને પ્રસંગને દીપાવ્યો હતો. સૌથી મહત્વની વાત તો એ હતી કે મહત્તમ મહિલાઓ ભારતીય વેશપરિધાનમાં હાજર રહી જે દ્રશ્ય સોહામણું લાગતું હતું. આપણી સંસ્કૃતિ, સમાજ અને માદરે વતનની સ્મૃતિમાં મીટ એન્ડ ગ્રીટ ઇવેન્ટનું સફળ આયોજન અમે કરી શક્યાં જેમાં અમિશ ત્રિપાઠી, ગોવિંદભાઇ ધોળકિયા અને લોવીના ટંડન મુખ્ય આકર્ષણ બની રહ્યાં હતાં. ઢોલ, લોકગીતો અને ગરબાની રમઝટે આ ઇવેન્ટમાં ચાર ચાંદ લગાવી દીધાં હતાં. આ ઇવેન્ટમાં ભારતના ડાયમંડ બેરોન અને વિઝનરી લીડર એવા ગોવિંદભાઇ ધોળકિયાની હાજરીએ અમારી સુવર્ણજયંતિની ઉજવણીને સાર્થક કરી દીધી હતી. 50 વર્ષની મજલ નાનીસૂની નથી પરંતુ અમે અહીં અટકી પણ જવાના નથી. અમારા માટે તો આ હજુ શરૂઆત છે. એબીપીએલ ગ્રુપ અને તેના પ્રકાશનો ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ હજુ દાયકાઓ સુધી યુકેમાં ગુજરાતી સહિતના ભારતીય સમુદાયનું પ્રતિનિધિત્વ કરવા પ્રતિબદ્ધ છે.
