નવી દિલ્હીઃ ભારતીય વિદેશ મંત્રાલયે સોમવારે પોતાનો વાર્ષિક અહેવાલ 2021-22 જાહેર કર્યો છે. આ અહેવાલમાં ભારત અને ચીનના દ્વિપક્ષીય સંબંધોનો ઉલ્લેખ કરાયો છે. મંત્રાલયે કહ્યું છે કે, ચીને વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC)ની યથાસ્થિતિને બદલવાની એકતરફી કોશિશ કરી છે. ચીને સતત આવા પ્રયાસો કર્યા છે. આના લીધે ભારત અને ચીનના દ્વિપક્ષીય સંબંધો પર અસર પડી છે.
અહેવાલમાં જણાવાયા અનુસાર, ચીને એપ્રિલ-મે 2020થી પશ્ચિમી ક્ષેત્રમાં LAC પર યથાસ્થિતિમાં એકતરફી ફેરફારના ઘણા પ્રયાસ કર્યા છે. એના લીધે શાંતિનો ભંગ થયો છે. ચીનના આ પ્રયાસોનો ભારતે હંમેશાં મજબૂતીથી યોગ્ય જવાબ આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે, અમેરિકાની જાસૂસી સંસ્થાના વાર્ષિક અહેવાલમાં પણ ભારત અને ચીનના વિવાદનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અહેવાલમાં જણાવાયું છે કે ભારત અને પાક. તથા ભારત અને ચીનની વચ્ચે તણાવ વધી શકે છે અને એમની વચ્ચે સંઘર્ષની સંભાવના છે.

