- કોકિલા પટેલ
એશિયન બીઝનેસ પબ્લિકેશન ગ્રુપના સાપ્તાહિકો "ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ સિધ્ધિદાયક ૫૦ વર્ષની સુવર્ણ જયંતિની ઉજવણી કરી રહ્યું છે ત્યારે મહિલાઓના ટ્રાન્સફોર્મેટીવ ટેકનોલોજી અને ડિજિટલ એજ્યુકેશન ક્ષેત્રે અપ્રતિમ યોગદાન અને સિધ્ધિને બિરદાવતા મહિલા દિનની ઉજવણી કરવાનું અમે આયોજન કર્યું છે. કન્વેનર કૃષ્ણાબહેન પૂજારા, ગુજરાત સમાચારના મેનેજીંગ એડિટર કોકિલા પટેલ, મેનેજર બીઝનેસ ડેવલપમેન્ટ (abpl group) પૂજાબહેન રાવલના નેતૃત્વ હેઠળ યોજાયો હતો. શ્રી સત્તાવીશ પાટીદાર સમાજ (યુરોપ)ના સહકાર અને એશિયન પબ્લીકેશન ગૃુપના ચીફ એડિટર મહેશભાઇ લીલોરિયાના માર્ગદર્શન હેઠળ ૮ માર્ચે યોજાયેલ આ વિશ્વ મહિલા દિનને અભૂતપૂર્વ સફળતા સાંપડી.
બુધવારે (૮ માર્ચે) વહેલી સવારથી જ આકાશેથી હીમવર્ષા વરસી રહી હતી તેમછતાં કડકડતી ઠંડીમાં ય ગજબના ઉમંગ-ઉત્સાહ સાથે લંડનના ખૂણેખૂણેથી મહિલા શક્તિ વેમ્બલીના સત્તાવીશ સેન્ટરમાં ઉમટી હતી. જેમાં લંડનની સક્રિય ૩૬થી વધુ મહિલા સંસ્થાઓ સહિત ૫૦૦થી વધુ મહિલાઓ ભાગ લઇ વૈશ્વિક મહિલા દિવસ મનાવ્યો હતો. આ કાર્યક્રમમાં હાઇકમિશ્નર ઓફ યુગાન્ડા ઇન યુકે નિમિષાબહેન માધવાણી, બ્યુટી પ્રોડક્ટ એન્ટરપ્રુનર અને જરૂરત મહિલાઓના ઉત્થાનમાં યોગદાન આપનાર સુષ્માબહેન ભાનોત (MBE), એનફિલ્ડ સાહેલીનાં CEO, ઓલ લેડીજ લીગ, યુ.કે.નાં ચેરપર્સન ક્રિષ્ણાબહેન પૂજારા, મેયર ઓફ હેરો જેનેટ મોટ, હેરોના કન્ઝર્વેટીવ કાઉન્સિલર મીનાબહેન પરમાર, ફર્સ્ટ ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલના પ્રમુખ ડોકટર જયશ્રીબહેન મહેતા, સુરતમાં હીરા ઉદ્યોગની અગ્રગણ્ય પેઢી 'શ્રી રામકૃષ્ણ એકસ્પોર્ટ પ્રાઇવેટ લિમિટેડ'ના સ્વપ્નદ્રષ્ટા આદરણીય શ્રી ગોવિંદભાઇ તથા શ્રીમતી ચંપાબહેન ધોળકિયા પરિવાર, ગુજરાત સમાચાર-એશિયન વોઇસના તંત્રીશ્રી સી.બી.પટેલ, ચીફ એડિટર મહેશભાઇ લીલોરિયા તેમજ બ્રહ્માકુમારીઝના જૈમિનીબહેન ઉપસ્થિત રહ્યા હતા.
મહિલા શક્તિને સમર્પિત આ ઈવેન્ટના માસ્ટર ઓફ સેરેમની સ્મિતા જોશી હતા. કોકિલાબહેને જણાવ્યું કે, દર વર્ષે ૮ માર્ચે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ એટલે મહિલાઓની રાજકીય, સાંસ્કૃતિક, વ્યવસાયિક અને અત્યાધુનિક ટેકનોલોજી ક્ષેત્રે ઐતિહાસિક સિધ્ધિઓને બિરદાવતો-સરાહના કરતો વૈશ્વિક દિવસ મનાવવામાં આવે છે. આવી બર્ફીલી વેધરમાં આપ ઉત્સાહભેર જોડાયા એ અમારા સાપ્તાહિકોની લોકચાહના દર્શાવે છે.
હેરોના આદરણીય મેયર જેનેટ મોટે જણાવ્યું કે, “ન્યુયોર્કમાં સોશ્યાલીસ્ટ પાર્ટીએ ૧૯૦૯માં સ્ત્રીઓના સમાન અધિકાર, જાતિય શોષણ અને મારઝૂડ વિરુધ્ધ ઝુંબેશ શરૂ કરી મહિલા દિવસ ઉજવવાની શૃૂઆત કરી હતી ત્યારબાદ ૧૯૭૭માં યુનોએ મહિલાઓના સમાન હક્ક માટે સ્વીકૃતિ જાહેર કરી દર વર્ષે ૮ માર્ચે વૈશ્વિક સ્તરે મહિલા દિવસ ઉજવવા હોલીડે જાહેર કરી. મહિલાઓએ આર્થિક, રાજકીય, સાંસ્કૃતિક, વિજ્ઞાન અને ટેકનોલોજી સહિત અનેક ક્ષેત્રે નોંધપાત્ર અનુદાન આપ્યું છે.
યુ.કે.સ્થિત હાઇકમિશ઼નર ઓફ યુગાન્ડા સુ.શ્રી. નિમિષાબહેન માધવાણીએ જણાવ્યું કે, “આજે આપણા માટે મહિલા દિવસ સાથે રંગોત્સવ મનાવવાનો દિવસ છે. યુગાન્ડામાં અહીંના જેવી ઠંડી ના હોય એટલે અમે એકબીજા ઉપર રંગોનો છંટકાવ કરી રંગોત્સવ મનાવીએ છીએ. તમે બધા યુગાન્ડા પાછા આવો તો મને ખૂબ આનંદ અને ગૌરવ થશે. પ્રેસિડેન્ટ મુસોવિની સરકાર હેઠળ સૌ સુરક્ષેત છે. યુગાન્ડામાં ૨૦ માર્ચે "ગ્લોબલ લોહાણા કોન્ફરન્સ-વૈશ્વિક લોહાણા સ્નેહમિલન સમારોહનું આયોજન થઇ રહ્યું છે. લંડન, શિકાગો, ન્યુયોર્ક કરતાં યુગાન્ડા હવે સૌ માટે વધુ સુરક્ષિત છે. ઇદી અમીનની સરકારે આપણા એશિયનો, ભારતીયોને હાંકી કાઢ્યા ત્યારે મારા માતુશ્રી મીનાબહેન, મનુકાકા, જ્યોતિકાકી, મયૂરકાકા સહિત અમારા સમગ્ર માધવાણી પરિવારને દેશ છોડી બ્રિટન આવવું પડ્યું હતું ત્યારે બ્રિટને સૌને આશરો આપી સારી રીતે રાખ્યા. જો કે આપણે સૌએ આ દેશના અર્થકરણને મજબૂત કરવામાં અગ્રેસર ભાગ ભજવ્યો છે. યુગાન્ડામાં મહિલાઓને વિશેષ અધિકાર સાંપડ્યા છે. ફર્સ્ટ લેડી મિનિસ્ટર ઓફ એજ્યુકેશન, વુમન વાઇસ પ્રેસિડેન્ટ, ઉપરાંત ફૂટબોલ, નેટબોલ, ટેનિસ બોલ ટીમમાં મહિલાઓ ખૂબ આગળ છે. નિમિષાબહેને વિખ્યાત ઉદ્યોગપતિ જયંતભાઇ માધવાણીની દીકરી તરીકે સભામાં ઉપસ્થિ મુ.શ્રી ગોવિંદકાકાને યુગાન્ડાની મુલાકાત લેવા ખાસ આમંત્રણ પાઠવ્યું.’
તંત્રી-પ્રકાશક શ્રી સી.બી. પટેલે મહિલાઓનું અભિવાદન કરતાં "નારી જગે વિશ્વ જગે"નો ઉદઘોષ કરી ઉપસ્થિત બહેનો અને માતાઓને જણાવ્યું કે, સવારે બરફવર્ષા થતી હતી તેમ છતાં સૌએ કાર્યક્રમને સફળ બનાવ્યો એ બદલ ધન્યવાદ. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવા મહેશભાઇ, કૃષ્ણાબહેન, કોકિલાબહેન, પૂજા અને અમારી સમગ્ર ટીમે ખૂબ મહેનત કરી છે. સભામાં ઉપસ્થિત વિશેષ અતિથિ મુ.શ્રી ગોવિંદભાઇ ધોળકિયાનાં ધર્મપત્ની શ્રીમતી ચંપાબહેનનો પરિચય આપતાં જણાવ્યું કે, સફળ પુરુષ પાછળ સ્ત્રીનો હાથ હોય છે એ કથન ગોવિંદભાઇ ધોળકિયાના જીવનમાં પૂરવાર થયું છે. ચંપાબહેને ગોવિંદભાઇના વિશાળ કુટુંબને સ્નેહ અને સુસંસ્કારના સિંચન વડે એકછત્ર હેઠળ રાખ્યું છે. સી.બી. પટેલે કાર્યક્રમમાં સહકાર આપનાર સત્તાવીશ પાટીદાર સમાજના ચેરમેન મુકેશભાઇ પટેલનાં પત્ની ભાવનાબહેન તથા જયેન્દ્રભાઇ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો.
રામકૃષ્ણ એકસપોર્ટ પ્રાઇવેટ લિમિટેડના શ્રી ગોવિંદભાઇ મોટી સંખ્યામાં ઉપસ્થિત મહિલાઓનું હાર્દિક અભીવાદન કરતાં કહ્યું કે, પરદેશમાં રહીને બહેનો તમે આપણી ભારતીય સંસ્કૃતિ-સંસ્કાર જાળવી રાખો છો એ જોઇ ખૂભ ખુશી થાય છે. હું સૌરાષ્ટ્રના એક ગામ દૂધાળાનો ગામડિયો છું. છ વર્ષની ઉંમરે હીરા ઘસ્યા. ખૂબ કષ્ટ વેઠી, મહેનત કરી હીરા ઘસવાનો ઉદ્યોગ શરૂ કર્યો પણ સાહસે શ્રી વસે એમ ડાયમંડના બીઝનેસમાં ફાવટ આવતાં અમે શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ પ્રાઇવેટ લિ. નામની પેઢી શરૂ કરી. આજે ઇશ્વરની કૃપાથી વિશ્વની ટોપ ત્રણ ડાયમંડ પેઢીમાં અમારું નામ છે. ત્રણ કેરેટ ઉપરના હીરાની અમારી માસ્ટરી છે. અહીં વિશિષ્ટ મહિલા શક્તિને જોઇ ખૂબ આનંદ થાય છે. મારા પરિવારના અમે ૧૫ જણ લંડન આવ્યા છીએ. મારી ઓટોબાયોગ્રાફી "ડાયમંડ ફોર એવર, શો આર મોરલ" પુસ્તકનું હાઉસ ઓફ લોર્ડસમાં લોકાર્પણ થયું. એમાં ગામડેથી સુરત સુધીની મારી જીવનયાત્રાનું વર્ણન છે. ખેતરના ખાટલામાં સૂતો છું, માટીના ખોરડામાં વીછી કરડ્યો છે, સાપ તો રોજ અમારા ઘરમાં ફરતા, ૧૧ વર્ષનો થયો ત્યાં સુધી ચંપલ નથી પહેર્યા. નાની ઉંમરે સુરત આવ્યા અને છ વર્ષ હીરા ઘસ્યા. આજે ૧૫૦૦૦ કરોડનો બીઝનેસ છે એમાં સૌથી મોટો ફાળો મારી પત્ની ચંપાબહેનનો છે. હું ૨૦ વર્ષનો અને એ ૧૬ વર્ષની હતી ત્યારે અમારાં લગ્ન થયાં. આજે લગ્નને ૫૨ વર્ષ થયાં પણ અમારી વચ્ચે એકપણ દિવસ ઝઘડો થયો નથી. સમયને જે ઓળખી ના શકે એ ભગવાને ઓળખી ના શકે. ચંપાબહેન સ્કૂલે ગયાં નથી. આખા કુટુંબને કેવી રીતે ભેગું રાખવું એ ચંપાબહેનને આવડે છે. સી.બી.આઇ.ના ડાયરેકટર મારા એક ફંકશનમાં આવ્યા હતા ત્યારે એમણે ચંપાબહેનને ડોકટરેટની ડિગ્રી આપી સન્માનિત કર્યાં હતાં. સુરત સહિત સમગ્ર ગુજરાત અને CM મને ગોવિંદકાકાના હુલામણા નામે જાણે છે. અત્યારે સભામાં સૌ વચ્ચે મારાં પત્ની સાથે બે દિકરીઓ મીનાક્ષીબહેન, શ્વેતાબહેન અને પૌત્રી પર્લ ઉપસ્થિત છે.
મહિલાઓના પ્રશ્નો વિષે યોજાયેલ ચર્ચા સભાની પેનલમાં વુમન એમ્પાવર એનફિલ્ડ સાહેલીનાં CEO, ઓલ લેડીજ લીગ, યુ.કે.નાં ચેરપર્સન, નોર્થ લંડન એશિયન કેરનાં ટ્રસ્ટી ક્રિષ્ણાબહેન પૂજારા, વુમન એમ્પાવર સુષ્મા ભનોટ MBE જેમણે એસેક્સ, લંડન અને સમગ્ર યુકેમાં હજારો મહિલાઓને મદદ કરવા માટે ૧૫ વર્ષથી વધુ સમય ફાળવ્યો છે જેથી તેઓના માનસિક, શારીરિક અને નાણાકીય સ્વાસ્થ્યને તાત્કાલિક પગલાં લેવામાં આવે. બ્રિટિશ ભારતીય માતાને એકલા હાથે અને સક્રિયપણે સેંકડો ઓનલાઈન વર્કશોપનું આયોજન કરવાનો શ્રેય સુષ્માને આપવામાં આવે છે. Equal opportunities, Embracing Equity વિષય પર ચર્ચા કરતાં સુષ્માબહેને કહ્યું કે, તમને પેર ઓફ સૂઝ આપીએ એ ઇકવાલીટી અને જો એ ફીટ થાય તો ઇકવીટી. અર્થાત રાઇટ થીંગ ફોર રાઇટ પર્સન. આપણે બધા પોઝીટીવ ચેન્જ માટે પ્રયત્નશીલ છીએ. તમે સૌએ તમારા જીવનમાં કંઇક ને કંઇક તો કોન્ટ્રીબ્યુટ કર્યું છે.
હેરોના કાઉન્સિલર મીનાબહેન પરમારે જણાવ્યું કે, તેઓ HR ડિરેક્ટર છે અને જાહેર અને કોર્પોરેટ બંને ક્ષેત્રોમાં ૨૦ વર્ષથી વધુનો અનુભવ ધરાવે છે. તેઓ રોજગાર અધિકારો અને ન્યાયી પ્રતિનિધિત્વ માટે ઉત્સાહી છે. તે નાના અને મધ્યમ કદના વ્યવસાયો માટે કન્સલ્ટન્સી સેવા ચલાવે છે. તેઓ ત્રીજા ક્ષેત્રમાં વ્યવસાયિક સાહસો માટે સલાહકાર તરીકે પણ કામ કરે છે. મીનાબહેને કહ્યું કે, NHSમાં ૯૦માથી ૭૦ જેટલી મહિલાઓ નર્સ તરીકે ફરજ અદા કરે છે એ જ રીતે હવાઇ સેવામા પણ પુરુષ સ્ટુઅર્ટ કરતાં મહિલા એરહોસ્ટેસ વધુ ફરજ પર જોવા મળે છે.
પેનલ ડિસ્કશનમાં ભાગ લેનાર નિમિષાબહેન માધવાણીએ કહ્યું કે,બ્રિટનમાં આપણી ઘણી બહેનોએ હાર્ડવર્ક કરીને સફળતા મેળવી છે. આપણી ભારતીય પરંપરા મુજબ દીકરા અને દીકરીમાં ખૂબ ભેદ જોવા મળે. દીકરી જન્મે એટલે લક્ષ્મી આવી, પછી દિકરી એટલે સાપનો ભારો, પારકી થાપણ એવા વ્યવહારથી દીકરીને વિકસવાનો મોકો આપવામાં આવતો નથી. ભાઇ-બહેનોમાં પણ ભેદ રાખવામાં આવે છે. આજે ઇકવાલીટી માટે લડી રહ્યા છીએ. ભાઇ-બહેનોમાં પણ સમાન અધિકાર માટે મતભેદ અને ઝઘડા ઉભા થાય છે.
પ્રશ્નોત્તરીમાં ક્રિષ્ણાબહેને જણાવ્યું કે, આપણે સૌ સમાન અધિકારની ચર્ચા કરવા એકત્ર થયા છીએ પણ ખરેખર જોઇએ તો કેટલીક નોકરીઓમાં સ્ત્રીઓને સરખો પગાર મળતો નથી. ઘરે દિકરો આવે કે દિકરી આવે તો એમને રમવાના રમકડાંમાં પણ તફાવત હોય છે. કેટલાક પ્રસંગોમાં ભાઇઓ હોય ત્યાં બહેનો ના હોવી જોઇએ એવું કેમ? ડિજીટલી, ફેસબુક કે વોટ્સઅપમાં સ્ત્રીને અપમાનિત કરતા વિડિયો આવે છે એ એક પ્રકારે મહિલાઓની અવહેલના જ કહી શકાય!!
રેપિડફાયર ચેટ રાઉન્ડમાં ગોવિંદકાકાની બન્ને દિકરીઓ મિનાક્ષીબહેન સોજીત્રા અને શ્વેતાબહેન કેવડિયાએ જણાવ્યું કે, "આજે અમે પપ્પાજીને લીધે લંડનમાં મહિલા દિવસની ઉજવણીમાં ભાગ લઇ શક્યા છીએ. યુ.કે.માં આવી ઠંડીમાં આટલી મોટી સંખ્યામાં સાડી પહેરેલી બહેનોને જોઇ ખુશી થાય છે. પપ્પાની સિધ્ધિ પાછળ મારા મમ્મી ચંપાબહેનનો મોટો ફાળો છે. મમ્મીએ અમારા વિશાળ પરિવારને ભેગો રાખ્યો છે. બાળકનું જતન અને જીવનનું ઘડતર માતા જ કરે છે. વડાપ્રધાન મોદીજીની જ વાત કરીએ એમના માતા હીરાબાએ બાળકોના ઉછેર માટે કેટલો ભોગ આપ્યો હતો. બાળકોનું ઘડતર અને સંસ્કાર સિંચન માતા કરતાં દાદીમા વધુ કરી શકે છે.
મિનાક્ષીબહેને કહ્યું કે, "પપ્પાએ અમને પોઝીટીવ રહીને અને સત્યને વળગીને જીવન જીવવાનું શીખવ્યું છે. આપણા શાસ્ત્રો કહે છે 'નારી તું નારાયણી" એમ એક સ્ત્રી બાળકોનો ઉછેર, ઘડતર કરે છે એટલું જ નહિ પણ પરિવારને ભેગો રાખવાની શક્તિ સ્ત્રીમાં હોય છે એ મારી મમ્મી ચંપાબહેને પૂરવાર કર્યું છે. આપણે દિકરીઓ મા-બાપનું ઘર છોડી પારકે ઘેર-સાસરે જઇએ છીએ ત્યારે અજાણ્યા વ્યક્તિઓ સાસુ, સસરા, જેઠ, દિયેર, નણંદ સાથે એડજેસ્ટ થઇ જઇએ છીએ. આવું માત્ર નારી જ કરી શકે છે.
વૈશ્વિક સ્તરે મહિલા દિવસ ઉજવાતો હોય ત્યારે યુ.કે.માં પુરુષ સમોવડી બની હિંમતભેર ફરજો અદા કરતી ભારતીય મહિલાઓનું સન્માન કરવું એ "ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ"ની પરંપરા રહી છે. લંડન ફાયરબ્રિગેડમાં ફાયરફાઇટર તરીકે ફરજ બજાવનાર કચ્છી મહિલા અમિષા બુડિયા અને ૨૦ વર્ષથી મીડલસેક્સ કાઉન્ટીમાં બસ ડ્રાઇવર તૃીકે ફરજ બજાવનાર મનીષા પટેલને સ્મૃતિભેટ આપી સન્માનિત કરાયા. અમિષા બુડિયા બ્લેક બેલ્ટ જૂડો ચેમ્પીયન અને યુરોપની પાવર લીફટીંગ ચેમ્પીયન, ગોલ્ડ મેડલીસ્ટ છે. આ ઉપરાંત ઘર-કુટુંબને એક સૂત્રે રાખનાર, ડોકટરેટની ડિગ્રી મેળવનાર ચંપાબહેન ગોવિંદભાઇ ધોળકિયા અને એમની બન્ને દિકરીઓ મિનાક્ષીબહેન અને શ્વેતાબહેનનું સ્મૃતિભેટ આપી સન્માન કરાયું.
કાર્યક્રમના અંતે પૂજાબહેન રાવલે ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ વતી આભારવિધિ કરતાં શ્રી સત્તાવીશ પાટીદાર સમાજ યુરોપના ચેરમેન અને ટ્રસ્ટીઓનો આભાર પ્રગટ કર્યો. ઉપરાંત "એક્સપ્રેસ આઇસ્ક્રીમ"ના સંજયભાઇ કાન્તિભાઇ અમલાણીનો ગુજરાત સમાચાર એશિયન વોઇસ તરફથી આભાર વ્યક્ત કર્યો. મહિલા દિને ગરબા સ્પેશીયાલીસ્ટ સતીષભાઇ શાહે ખાસ હાજર રહીને બહેનોને ગરબે ઘૂમતી કરી હતી. સતીશભાઇનો ગુજરાત સમાચારે ખાસ આભાર વ્યક્ત કર્યો.
(ફોટો સૌજન્ય: રાજ ડી બકરાણિયા, PrMediapix)

