બીબીસીની તટસ્થતા અને પત્રકારત્વના મૂલ્યોની અગ્નિપરીક્ષા

Wednesday 15th March 2023 06:18 EDT
 

કરદાતાઓના નાણાથી ચાલતી બીબીસીમાં ઘમસાણ મચ્યું છે જેના કારણે તેની તટસ્થતા પર સવાલો સર્જાયાં છે. 2020માં બીબીસીના ડિરેક્ટર જનરલ પદે નિયુક્તિ બાદ ટીમ ડેવીએ જણાવ્યું હતું કે, બીબીસીની ઇમારત તટસ્થતાના પાયા પર ચણાયેલી છે પરંતુ 3 જ વર્ષમાં જાણે કે બીબીસીની તટસ્થાના પાયા હચમચી રહ્યાં છે. બીબીસીના એક સ્પોર્ટ્સ પ્રેઝન્ટર દ્વારા કરાયેલા કેટલાંક સરકાર વિરોધી ટ્વીટના કારણે બીબીસીના પક્ષપાતવિહોણા રિપોર્ટિંગના મૂલ્યોની અગ્નિપરીક્ષા થઇ રહી છે. બ્રિટિશ રાજનીતિમાં બીબીસીની ભુમિકા અને ડાબેરી તથા જમણેરી વિચારધારા વચ્ચે પક્ષપાતના આરોપો મૂકાતા રહ્યાં છે ત્યારે ગેરી લાઇનકેરના મામલાએ આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે. લાઇનકેરના રાજકીય આરોપો મૂકતાં ટ્વીટ નવી બાબત નથી. 2016 અને 2018માં પણ ચાઇલ્ડ માઇગ્રેશન અને બ્રેક્ઝિટ મામલા પરના તેમના ટ્વીટે વિવાદ સર્જ્યો હતો પરંતુ તે સમયે બીબીસીએ બચાવ કરતાં જણાવ્યું હતું કે, ગેરી લાઇનકેર ફ્રીલાન્સર છે અને બીબીસીના નિયમો તેમને લાગુ થતાં નથી. જોકે ત્યારબાદ બીબીસીએ સોશિયલ મીડિયા પરની ટિપ્પણીઓ માટેના નિયમો કડક બનાવ્યાં હતાં. પરંતુ એવા સવાલ પણ ઉઠી રહ્યાં છે કે શું બીબીસી દ્વારા આ નિયમોનું પારદર્શક રીતે પાલન કરવામાં આવે છે કે કેમ.. એવા આરોપ મૂકવામાં આવી રહ્યાં છે કે બીબીસી સરકાર સામે ઝૂકી રહી છે પરંતુ તાજેતરના વર્ષોમાં સરકાર પણ એમ માની રહી છે કે બીબીસીનું વલણ પક્ષપાતી બની રહ્યું છે. તાજેતરના ઘટનાક્રમે બીબીસીની તટસ્થા પર સવાલો સર્જી દીધાં છે. જો બીબીસી દ્વારા આ દિશામાં યોગ્ય કાર્યવાહી નહીં કરાય તો આ મામલો તેના માટે ભયાનક કટોકટી સર્જી શકે છે. 


comments powered by Disqus