મિલન - મુલાકાત ને સંતગણના આશીર્વાદ

ક્રમાંક-19

Wednesday 15th March 2023 09:37 EDT
 
 

વડીલો સહિત સૌ વાચકમિત્રો, વીતેલા સપ્તાહે આપેલા વચન અનુસાર બંદો આપની સેવામાં ફરી હાજર થઇ ગયો છે.
આમ તો ત્રણ સપ્તાહના પ્રવાસે ગુજરાત ગયો ત્યારે ખબર હતી કે લંડન પાછો ફરીશ ત્યારે કાર્યક્રમોનો ધમધમાટ રહેવાનો છે. પરંતુ વ્યસ્તતા આટલી બધી હશે એની લગારેય કલ્પના નહોતી. આપના સહુના લાડકા ‘ગુજરાત સમાચાર’ની સુવર્ણ જયંતીના ઉજવણીના ભાગરૂપે એક પછી એક કાર્યક્રમો યોજાઇ રહ્યા છે, અને જાહેર જીવન - સખાવત - સમાજસેવા ક્ષેત્રે પ્રશંસનીય પ્રદાન આપનારા આપણા સમાજના સપૂતોનું સન્માન થઇ રહ્યું છે. તેની જ કડીરૂપ ત્રણ કાર્યક્રમો લંડનના આંગણે યોજાઇ ગયા.
સમારોહની શોભામાં અભિવૃદ્ધિ કરવા મોંઘેરા મહેમાનો પધાર્યા હતા. જેમાં માત્ર સુરત કે ગુજરાતના જ નહીં, પણ સમગ્ર ભારતના હીરાઉદ્યોગના ‘કોહીનૂર’
શ્રી ગોવિંદભાઇ ધોળકિયા શિરમોર હતા. તેમની સાથે જીવનસાથી આદરણીય ચંપાબહેન, પુત્ર-પુત્રવધૂ, પુત્રી-જમાઈ વગેરે પણ ખરા. સમગ્ર આયોજનની જવાબદારી ભાઇશ્રી મહેશભાઇ લિલોરિયા - કોકિલાબહેન પટેલ જેવા સક્ષમ સાથીદારો સંભાળતા હતા એટલે બંદાને ખાસ કોઇ ચિંતા તો નહોતી, પણ ઘરે લગન લેવાયા હોય ત્યારે કન્યાના પિતાને માથે ભાર તો રહેવાનો જ ને?! બસ, મારી હાલત કંઇક એવી જ હતી. જોકે સમગ્ર આયોજન સરસ રીતે જ નહીં, શાનદાર રીતે પાર પડ્યું એમ કહું તો તેમાં લગારેય અતિશ્યોક્તિ નથી. આ કાર્યક્રમોમાં હાજરી આપનાર મહેમાનો આ વાતના સાક્ષી છે.
બ્રિટનવાસી ભારતીય સમુદાય અમિતાભ શાહ અને તેમની સંસ્થા યુવા અનસ્ટોપેબલના નામ અને કામથી અજાણ નથી. એક સમયે અમેરિકામાં તગડા પગારની નોકરી કરતો આ ભાયડો માત્રને માત્ર ભારત પ્રત્યેની લાગણી અને ભારતના વંચિતો માટે કંઇક કરી છૂટવાની ભાવના સાથે સ્વદેશ પરત ફરે છે. અને આજે પરિણામ આપણી સમક્ષ છે. યુવા અનસ્ટોપેબલ સંસ્થા નબળી આર્થિક સ્થિતિ ધરાવતા પરિવારોના તેજસ્વી સંતાનોને ભણાવવા-ગણાવવાથી માંડીને જરૂર પડ્યે તેના પરિવારના નિર્વાહની જવાબદારી સુદ્ધાં સંભાળી લે છે.
અમિતાભભાઇ આવા જ બે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ સ્વરાજ ચુડાસમા અને યસ્મિતા બારિયાને લઇને ઓફિસની મુલાકાતે આવ્યા હતા. સ્વરાજ અને યસ્મિતા સીએ ફાઇનલમાં અભ્યાસ કરે છે અને ઉજ્જવળ ભાવિ ભણી આગેકૂચ કરી રહ્યા છે, યુવા અનસ્ટોપેબલના સાથ-સહકારથી. એક સંસ્થા જ્યારે એક તેજસ્વી વિદ્યાર્થીની તમામ જવાબદારી નિષ્ઠાપૂર્વક સંભાળી લઇને તેને અને તેના પરિવારને ચિંતામુક્ત કરી દે ત્યારે કેવું સરસ પરિણામ મળે તે સ્વરાજ અને યસ્મિતાના ચહેરા પર જ નહીં, તેમના આત્મવિશ્વાસમાં પણ ઝળકતું જોવા મળતું હતું.
તાજેતરમાં અમદાવાદના આંગણે ભવ્યાતિભવ્ય કહી શકાય તેવો પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ ઉજવાઇ ગયો. વિશ્વભરમાંથી હરિભક્તો અમદાવાદ પહોંચ્યા હતા - કોઇ સેવા કરવા તો પૂ. બાપાની જન્મશતાબ્દીમાં મ્હાલવા. અને જે લોકો લંડનથી અમદાવાદ નહોતા પહોંચી શક્યા તેમના માટે ‘ગુજરાત સમાચાર’એ શાનદાર વિશેષાંક ‘શતઃ શતઃ વંદન’ પ્રકાશિત કર્યો હતો. સહુ કોઇ બાપાની જન્મશતાબ્દી ઉજવી રહ્યા હોય ત્યારે ‘ગુજરાત સમાચાર’ કેમનું બાકી રહે?! વળી, અમારા પરિવારનો તો પૂ. બાપા સાથેનો નાતો છેક ત્રણ પેઢીથી રહ્યો છે એમ કહું કે લખું તો પણ ખોટું નથી.
પૂ. પ્રમુખસ્વામી મહારાજ યુવાવયે સાધુ તરીકે ભાદરણમાં અભ્યાસ - વિચરણ કરતા હતા તે વેળા મારા દાદા મણિભાઇ પટેલને તેમની સેવા કરવાનો સોનેરી અવસર મળ્યો હતો. પૂ. બાપાની સાદગી - સરળતા તો જૂઓ કે તેઓ ખુદ હરિભક્તોની વિશાળ સભામાં એક કરતાં વધુ વખત આ બાબતનો ઉલ્લેખ કરી ચૂક્યા છે. પૂ. બાપા સાથેના આ અતુલ્ય સંબંધના કારણે મારું મન પણ ઉછાળા તો બહુ મારતું હતું કે હું પણ પહોંચી જાઉં જન્મશતાબ્દી મહોત્સવમાં, સંતગણના આશીર્વાદ મેળવું, પણ સમય-સંજોગ અને કંઇક અંશે સ્વાસ્થ્યની જરૂરી સંભાળે એવું બંધન નાંખ્યું હતું કે તે વેળા પ્રવાસ શક્ય ના બન્યો.
પૂજ્ય બાપા સાથેના સંસ્મરણો તાજા કરવાનો - પૂજ્ય સંતગણના આશીર્વાદ મેળવવાનો લ્હાવો અમદાવાદમાં આ વખતે રોકાણ દરમિયાન મળી ગયો. અમદાવાદના શાહીબાગ સ્વામિનારાયણ મંદિરેથી વરિષ્ઠ સંત પૂ. વિવેકજીવન સ્વામીનું હરખભર્યું આમંત્રણ હતું - અનૂકુળતા હોય ત્યારે અચૂક શાહીબાગ મંદિરે આવો. 26 ફેબ્રુઆરીએ અમારા જમાઇ ભાઇશ્રી દીપકભાઇ (એક જરા આડ વાત કરું તો, હું ગુજરાત જઇને રંગેચંગે સુખરૂપ પાછો ફર્યો છું તેનો બધો જશ મારા માનસપુત્રી માયાબહેન અને તેમના જીવનસાથી એવા આ દીપકભાઇની કાળજીભરી સારસંભાળને આપવો રહ્યો.) અને અમદાવાદ કાર્યાલયના બ્યૂરો ચીફ ભાઇશ્રી નીલેશ પરમાર સાથે શાહીબાગ મંદિરે પહોંચ્યો. યુવાસેવક સન્મિલભાઇએ આરતી-પૂજાનો લ્હાવો અપાવ્યો અને પહોંચ્યા વિવેકજીવન સ્વામી પાસે.
અમદાવાદનું શાહીબાગ મંદિર હોય કે નિસ્ડન સ્વામિનારાયણ મંદિર, અનેક વખત અહીં દર્શનાર્થે કે સંતગણના આશીર્વાદ માટે જઇ ચૂક્યો છું, પરંતુ જ્યારે જ્યારે ગયો છું ત્યારે હંમેશા મને પોતીકાપણાનો ભાવ વર્તાયો છે. શાહીબાગ મંદિરની મુલાકાતે મને દસ વર્ષ પૂર્વેના એ પ્રસંગની યાદ તાજી કરાવી દીધી, જ્યારે પૂ. બાપાએ હરિભક્તોની વિશાળ ઉપસ્થિતિમાં મારું સન્માન કર્યું હતું. મારા પૂ. મણિદાદાના જ નહીં, ‘ગુજરાત સમાચાર’ના પ્રદાનને પણ બિરદાવ્યું હતું. સાચું કહું તો આ વેળાની મુલાકાતમાં પૂ. બાપાનો ખાલીપો વર્તાતો હતો. અહાહા... તેમની સાથે તો કેટલી યાદો જોડાયેલી છે.
પ્રમુખસ્વામી મહારાજની મનમાં રમતી યાદો સાથે વિવેકજીવન સ્વામી અમને સંત નિવાસમાં લઇ ગયા. જ્યાં વરિષ્ઠ સંત
પૂ. ઇશ્વરચરણ સ્વામીનો મુકામ હતો. મારા સદનસીબ જૂઓ, અહીં પૂ. બ્રહ્મવિહારી સ્વામી પણ હાજર હતા. બન્ને સંતો સાથે વર્ષોજૂનો સંપર્ક એટલે મારા માટે તો આ બેવડા આનંદનો અવસર હતો. આ બન્ને સંતોએ દરિયાપારના દેશોમાં સનાતન હિન્દુ ધર્મના ફેલાવામાં - પ્રચાર-પ્રસારમાં ઉલ્લેખનીય યોગદાન આપ્યું છે અને આપી રહ્યા છે એમ કહેવામાં રતિભારેય અતિશ્યોક્તિ નથી.
પૂ. યોગીજી મહારાજ - પૂ. પ્રમુખસ્વામી મહારાજ - પૂ. મહંતસ્વામી મહારાજની ભવ્ય પરંપરાને બીએપીએસનો સંતગણ આગળ ધપાવી રહ્યો છે. એક સમયે જે દેશની ધરતી પર ઇસ્લામ સિવાય કોઇ ધર્મ કબૂલ નહોતો તેવા અબુ ધાબીની ધરતી પર આજે ભવ્યાતિભવ્ય સ્વામિનારાયણ મંદિર સાકાર થઇ રહ્યું છે તે નાનીસૂની વાત નથી. પૂ. બ્રહ્મવિહારી સ્વામીએ અબુધાબી મંદિરના નિર્માણની જાણકારી આપતાં એ પણ કહ્યું ત્યાંનો રાજ પરિવાર આપણા હિન્દુ ધર્મના મૂલ્યોથી કેટલો પ્રભાવિત છે. બ્રહ્મવિહારી સ્વામીએ અબુ ધાબીમાં નિર્માણાધિન મંદિરની મુલાકાત લેવા પણ ઉમળકાભેર આમંત્રણ આપ્યું છે. ઇચ્છા તો ઘણી છે. અબુ ધાબી મંદિરની મુલાકાતે જવાની.
ગુજરાત પ્રવાસ દરમિયાન અનેક લોકો સાથે મિલન-મુલાકાતનો મોકો મળ્યો, પણ કેટલીક મુલાકાત એવી હોય છે જે તમારા પર અમીટ છાપ છોડી જતી હોય છે. ગાંધીનગરમાં ભૂતપૂર્વ મુખ્ય મંત્રી શ્રી વિજયભાઇ રુપાણી સાથેની મુલાકાત પણ કંઇક આવી જ રહી. નેશનલ કન્ફેડરેશન ઓફ ગુજરાતી ઓર્ગેનાઇઝેશન્સ (એનસીજીઓ)ના ટ્રેઝરર અને આપણા સમાજના યુવા નેતા ભાઇશ્રી દીપક પટેલ સાથે તેમની સૌજન્ય મુલાકાતે પહોંચ્યો હતો.
મારા દસકાઓ લાંબા જાહેરજીવન દરમિયાન અનેક નેતાઓને મળ્યો છું, પણ વિજયભાઇ જેવી સરળતા અને સહજતા જવલ્લે જ જોવા મળી છે એમ કહું તો ખોટું નથી. તેઓ ગુજરાતનું સર્વોચ્ચ સ્થાન એવું મુખ્ય મંત્રીપદ સંભાળતા હતા ત્યારે પણ મળ્યો છું, અને એક પિતા તરીકે વ્હાલસોયી પુત્રીને મળવા માટે લંડન પ્રવાસે આવેલા વિજયભાઇને પણ મળ્યો છું. એ જ સાદગી અને એ જ સાલસતા. તેઓ ગુજરાતની ગાદી સંભાળતા હતા ત્યારે પણ ચહેરા પર કોઇ ભાર નહોતો અને હવે ગાદી નથી તો તેનો લગારેય કોઇ રંજ નથી. રાજકીય પક્ષોમાં ખુરશી માટેની ખેંચતાણ નવાઇની વાત નથી, પણ વિજયભાઇ માટે પક્ષની નીતિરીતિ અને નિર્ણયથી સર્વોચ્ચ કંઇ નથી.
ગુજરાતમાં ભાજપનો પાયો મજબૂત કરવામાં વિજયભાઇ જેવા સમર્પિત નેતાઓનું યોગદાન મૂલ્યવાન રહ્યું છે. તેમના આ અમૂલ્ય અનુભવનો લાભ લેવા જ પાર્ટી હાઇ કમાન્ડે હવે તેમને પંજાબના પ્રભારી બનાવીને પક્ષના પ્રચાર-પ્રસારની ખૂબ જ મહત્ત્વની જવાબદારી સોંપી છે. આગામી સમયમાં પંજાબમાં ‘કમળ’ પૂરબહાર ખીલે તો નવાઇ નહીં પામતા. વિજયભાઇ સાથેની મુલાકાત ઔપચારિક જ હતી એટલે દેશ-દુનિયાની વાતો તો ઘણીબધી વાતો થઇ, પરંતુ બધું કંઇ લખવા માટે તો નથી હોતુંને?!
વાચક મિત્રો, આજે તો અહીં અટકું છું. આપનો પ્રતિસાદ પ્રોત્સાહક મળી રહ્યો છે એટલે મને પણ લખવાની મજા આવી રહી છે. આવતા સપ્તાહે મળીશું ‘ગુજરાત ડાયરી’ના અંતિમ ચરણમાં...
(ક્રમશઃ)


comments powered by Disqus