રિશી સુનાક સક્ષમ વડાપ્રધાન પૂરવાર થઇ રહ્યાં છે

Wednesday 15th March 2023 06:17 EDT
 

યુકેના સૌપ્રથમ ભારતીય મૂળના વડાપ્રધાન રિશી સુનાકની સફળ કામગીરીના કારણે લોકપ્રિયતામાં વધારો થઇ રહ્યો છે. તાજેતરના સપ્તાહોમાં જે રીતે તેમણે નોર્ધન આયર્લેન્ડ પ્રોટોકોલ, ઇંગ્લિશ ચેનલ પાર કરીને આવતા વિદેશી ઘૂસણખોરો અને ફ્રાન્સ સાથેની સંધિ જેવા મુદ્દાઓ પર મક્કમતાથી નિર્ણયો લીધાં છે તે પ્રશંસાને પાત્ર છે. એક વાત તો સ્પષ્ટ થઇ ગઇ છે કે તેમના ટીકાકારો માને છે તેના કરતાં રિશી સુનાક ઘણા વધુ સક્ષમ અને પરિપક્વ વડાપ્રધાન પૂરવાર થઇ રહ્યાં છે. બોરિસ જ્હોન્સન અને લિઝ ટ્રસ જે કામ ન કરી શક્યાં તે કામ રિશી સુનાકે તેમની કુનેહ દ્વારા કરી બતાવ્યાં છે. રિશી સુનાક સત્તા પર આવ્યા ત્યારે બ્રિટનનું અર્થતંત્ર ડચકાં ખાઇ રહ્યું હતું પરંતુ જાન્યુઆરીના આંકડા બતાવે છે કે યુકેના અર્થતંત્રે ધાર્યા કરતાં વધુ સારો દેખાવ કર્યો છે. જેના પગલે આશા જાગી છે કે ટૂંકસમયમાં યુકેનું અર્થતંત્ર ફરી એકવાર પાટા પર આવી જશે. નોર્ધન આયર્લેન્ડ પ્રોટોકોલ લાંબાસમયથી અટવાઇ રહ્યો હતો જેના કારણે યુરોપ સાથેના સંબંધોમાં ખટાશ આવી હતી પરંતુ સુનાકે ડીયુપી અને ટોરી સાંસદોના વિરોધ છતાં દ્રઢ નિર્ધાર સાથે આગળ વધીને આ સંધિ પર મહોર મારી દીધી છે જેના કારણે હવે નોર્ધન આયર્લેન્ડમાં વેપાર વધુ સરળ બની શકે છે. ઇંગ્લિશ ચેનલ પાર કરીને આવતા વિદેશી ઘૂસણખોરો લાંબાસમયથી સરકારના માથાનો દુખાવો બન્યાં છે તેવા સમયમાં રિશી સુનાકે યુરોપના માનવ અધિકાર કાયદાઓની પરવા કર્યા વિના આકરો કાયદો લાવવાની હિંમત કરી છે. યુકેને શરણાર્થીઓનો ગઢ બનતો અટકાવવા સુનાક ફ્રાન્સ સાથે સંધિ કરવામાં પણ સફળ રહ્યાં છે. રિશી સુનાકની ત્વરિત કામગીરી અને નિર્ણયોની તો તેમના વિરોધીઓ પણ પ્રશંસા કરી રહ્યાં છે. અમેરિકન બેન્ક સિલિકોલ વેલી બેન્ક ધરાશાયી થતાં યુકેના ટેકનોલોજી બિઝનેસો ગંભીર સંકટમાં મૂકાય તે પહેલાં જ રાતોરાત મિટિંગ કરીને રિશી સુનાકની સરકારે એચએસબીસીને સિલિકોન વેલી બેન્કની યુકે શાખાને હસ્તગત કરવા મનાવી લઇને ખાતેદારોની ચિંતા દૂર કરી દીધી છે. સુનાક એક પછી એક લાંબાસમયથી પડતર મુદ્દાઓનો ઝડપથી ઉકેલ લાવી રહ્યાં છે જે તેમની લોકપ્રિયતામાં વધારો કરશે. સુનાકની ઉમદા કામગીરી ટોરી પાર્ટીને આગામી સંસદની ચૂંટણીમાં જરૂર મદદ કરશે.


comments powered by Disqus