બેઇજિંગઃ ચીનના પ્રમુખ જિનપિંગે ત્રીજી વખત પ્રમુખ બન્યા બાદ ભાષણ આપતાં કહ્યું હતું કે, હું ચીનના લશ્કરને સૌથી મજબૂત બનાવીશ.. ચીનનું સૈન્ય ચીનની મહાન દીવાલની જેમ ગ્રેટ વોલ ઓફ સ્ટીલ બની જશે અને દેશના સાર્વભૌમત્વનું રક્ષણ કરવા કટિબદ્ધ હશે. જિનપિંગે ઉમેર્યું હતું કે દેશ વૈશ્વિક સ્તરે બહુ જ મોટી ભૂમિકા ભજવશે.
રાષ્ટ્રીય કાર્યકારિણીના છેલ્લા દિવસે જિનપિંગે કહ્યું હતું કે, દેશના સૈન્યને ગ્રેટ વોલ ઓફ સ્ટીલ બનાવવાની દિશામાં પગલાં ભરાશે. ચીનના સાર્વભૌમત્વ અને અખંડતાની જે જવાબદારી નાગરિકોએ તેના પર મૂકી છે એને બરાબર નિભાવીશ.
જિનપિંગે વધુમાં કહ્યું હતું કે, સુરક્ષા વિકાસનો આધાર છે, જ્યારે સ્થિરતા એ સમૃદ્ધિ માટેની પૂર્વશરત છે. આ બંને દિશામાં દેશના હિતમાં હું મારા કાર્યકાળ દરમિયાન સઘન પગલાં ભરીશ. નેશનલ પિપલ્સ કોંગ્રેસના 3000 લોકો સમક્ષ આક્રમક ભાષણ આપતાં જિનપિંગે ઉમેર્યું હતું કે ચીનનું વૈશ્વિક સ્તરે મહત્ત્વ વધારવામાં આવશે.
જિનપિંગે અમેરિકા - બ્રિટનનું નામ લીધા વગર કહ્યું હતું કે વિદેશી શક્તિઓની સરખામણીએ ચીન વૈશ્વિકસ્તરે મહત્ત્વનો દેશ બની ગયો છે.
જિનપિંગનો વધુ પાંચ વર્ષનો કાર્યકાળ મંજૂર થયો હોવાથી આજીવન પ્રમુખ બનવા માટેનો માર્ગ મોકળો થઈ ગયો છે. એ સાથે ચીન વિદેશનીતિમાં મોટા ફેરફારો કરે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. જિનપિંગના નિકટના માનવામાં આવતા સાથી લી કિયાંગને ચીનના નવા વડાપ્રધાન બનાવાયા છે.

