ઉત્તરકાશીઃ સિલકયારા ટનલ દુર્ઘટનાના 17 દિવસ બાદ સહુ સારાં વાનાં થયા છે. મંગળવારે નમતી સાંજે એક તરફ ક્ષિતિજે સૂરજ ડૂબી રહ્યો હતો, ત્યારે બીજી તરફ ટનલમાં ફસાયેલા 41 શ્રમિકો અને તેમના પરિવારજનો માટે સુખનો સૂરજ ઉગી રહ્યો હતો. ટનલમાં 17-17 દિવસથી ફસાયેલા 41 શ્રમિકોને મંગળવારે મોડી સાંજે હેમખેમ બહાર કાઢવામાં આવ્યા છે. સાંજે લગભગ 7.45 કલાકે પહેલો શ્રમિક ટનલમાંથી સુખરૂપ બહાર નીકળ્યો તે સાથે જ સમગ્ર પ્રદેશ હર્ષોલ્લાસથી ગાજી ઉઠ્યો હતો. ત્યારબાદ એક પછી એક શ્રમિક ટનલમાંથી બહાર આવતો ગયો હતો, અને પરિવારજનો સાથે મિલન થતાં જ તેમની આંખોમાંથી હરખનાં આંસુ વહી નીકળતાં હતા.
તમામ શ્રમિકો આમ તો સ્વસ્થ છે, પરંતુ વિશેષ મેડિકલ ચેકઅપ માટે તેમને - ઘટનાસ્થળે હાજર એમ્બ્યુલન્સમાં - હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. શ્રમિકો ટનલમાંથી બહાર નીકળ્યા ત્યારે ઉત્તરાખંડના મુખ્યપ્રધાન પુષ્કરસિંહ ધામી સહિત રાજ્ય સરકારના ટોચના અધિકારીઓ હાજર રહ્યા હતા.
ટનલમાંથી સુખરૂપ બહાર નીકળવાનો આનંદ શ્રમિકોના ચહેરા જેટલો જોવા મળતો હતો તેટલો જ આનંદ રાહત-બચાવ ટીમના સભ્યોના ચહેરા પર જોવા મળી રહ્યો હતો. સિલકયારા ટનલમાં ફસાયેલા આ શ્રમિકોને બચાવવા માટે ભારત સરકાર અને ઉત્તરાખંડ સરકારની રાહત-બચાવ ટીમના સભ્યોથી માંડીને ઉચ્ચ અધિકારીઓ અને ખાનગી કંપનીના નિષ્ણાતોએ દિવસરાત એક કર્યા હતા. તેમનો અથાક પ્રયાસ આખરે ફળ્યો છે.