કોરોના બાદ હવે ચીનમાં નવી મહામારીઃ રહસ્યમય ન્યૂમોનિયાનો પ્રકોપ

Wednesday 29th November 2023 06:55 EST
 
 

બેઇજિંગઃ કોરોના મહામારીની અસરોથી ઝઝૂમી રહેલા ચીનમાં હવે ફરી નવી બીમારી મોટાપાયે આવી ગઈ છે, જે ચીનનાં બાળકોમાં પણ ઝડપથી ફેલાઈ રહી છે. ચીનની શાળાઓમાં રહસ્યમય ન્યૂમોનિયાનો પ્રકોપ વધી રહ્યો છે. આ ચિંતાજનક સ્થિતિ કોવિડ સંકટના શરૂઆતના દિવસોની યાદ અપાવે છે. ઉત્તર-પૂર્વમાં 500 માઇલ દૂર બેઇજિંગ અને લિયાઓનિંગની હોસ્પિટલોમાં મોટી સંખ્યામાં બાળકોને દાખલ કરવામાં આવ્યાં.
ન્યૂમોનિયા ફાટી નીકળ્યો
આ રહસ્યમય ન્યૂમોનિયાથી પ્રભાવિત બાળકોમાં ફેફસાંમાં સોજો અને તાવ જેવાં અસામાન્ય લક્ષણો જોવા મળી રહ્યાં છે. જો કે તે બાળકોમાં ઊધરસ અને ફ્લૂ, આરએસવી અને શ્વસનરોગ સંબંધિત અન્ય લક્ષણો જોવા મળતાં નથી.
વોકિંગ ન્યૂમોનિયા તરીકે પણ ઓળખાય છે
તાઇવાની આઉટલેટ ન્યૂઝના અહેવાલ મુજબ, આ રોગચાળો ફાટી નીકળવાના કારણે હોસ્પિટલોમાં મોટી સંખ્યામાં બીમાર બાળકો છે. એવી શંકાઓ છે કે નવો રોગચાળો માઇક્રો પ્લાઝ્મા ન્યૂમોનિયા સાથે સંબંધિત હોઈ શકે છે, જેને વોકિંગ ન્યૂમોનિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. જે ચીનમાં કથિત રીતે વધી રહ્યો છે.
ચીનમાં સંક્રમણ અંગે ભારત સતર્ક
ચીનમાં બાળકોમાં શ્વસનસંબંધી બીમારી અને H9N2 ચેપના વધતા જતા કેસને લઈને ભારત સરકારે સાવચેતી વધારી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે, ચીનમાં ફેલાતા એવિયન ઇન્ફલ્યુએન્ઝા અને શ્વસનસંબંધી રોગોથી ભારતને ઓછું જોખમ છે. ભારત કોઈપણ ઇમર્જન્સીનો સામનો કરવા માટે તૈયાર છે.


comments powered by Disqus