એમસ્ટરડેમ: નેધરલેન્ડ્સમાં બુધવારે થયેલી ચૂંટણીમાં ચોંકાવનારું પરિણામ સામે આવ્યું છે. કટ્ટરવાદી પાર્ટી ફોર ફ્રીડમ (પીવીવી) 37 સીટ જીતીને સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે. ગત વખતે પીવીવીને 17 સીટ મળી હતી. નેધરલેન્ડ્સમાં પહેલી વાર કટ્ટરપંથી નેતા ગિર્ટ વિલ્ડર્સ પીએમની દોડમાં સૌથી આગળ છે.
તેઓ કાશ્મીરમાંથી કલમ 370ની નાબૂદીને યોગ્ય ગણાવી ચૂક્યા છે. વિલ્ડર્સનું કહેવું છે કે, ભારતમાં સૌથી સ્વસ્થ લોકશાહી છે, જ્યારે પાકિસ્તાન 100 ટકા આતંકી દેશ છે. પાકિસ્તાનમાં તેમની વિરુદ્ધ ફતવો જારી થઈ ચૂક્યો છે. મોહંમદ પયગંબર પર ભાજપ નેતા નુપૂર શર્માની ટિપ્પણી પર વિલ્ડર્સે તેમને હીરો ગણાવ્યા હતા. વિલ્ડર્સ ઇસ્લામને ખતરનાક ધર્મ બતાવવાની સાથે નેધરલેન્ડ્સમાં કુર્રાન અને મસ્જિદો પર પ્રતિબંધની વાત કરી ચૂક્યા છે.

