પાકિસ્તાન સરકારે જ હિંગળાજ માતા, શારદાપીઠ મંદિરો તોડતાં હોબાળો

Wednesday 29th November 2023 06:43 EST
 
 

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં કટ્ટરવાદીઓ ઉપરાંત સરકાર પણ હિન્દુ મંદિરોને નિશાન બનાવી રહી છે. પાક. ના સિંધ પ્રાંતમાં આવેલા હિંગળાજ માતાના મંદિરને તોડી પાડવામાં આવ્યું હતું. હિન્દુઓનો ભારે વિરોધ છતાં સરકારની છત્રછાયામાં મંદિર પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. આ ઉપરાંત યુનેસ્કો દ્વારા સંરક્ષિત શ્રેણીમાં મુકાયેલી આંતરરાષ્ટ્રીય ધરોહરોને પણ તોડવાની ઘટના સામે આવી છે.
સિંધ પ્રાંતના મીઠી શહેરના થરપારકર જિલ્લામાં આવેલા હિંગળાજ માતાના મંદિરને હિન્દુઓનો વિરોધ છતાં તોડી પડાયું હતું. આશ્ચર્યની વાત એ છે કે અત્યાર સુધી કટ્ટરવાદી ટોળા દ્વારા મંદિરો પર હુમલા કરાતા હતા, જો કે હવે ખુદ સરકાર મંદિરો તોડવા લાગી છે. સ્થાનિક પ્રશાસને મંદિર તોડવાનો વિરોધ કરી રહેલા હિન્દુઓને એવું કારણ આપ્યું હતું કે, આ મંદિર તોડવાનો કોર્ટ દ્વારા જ આદેશ આપવામાં આવ્યો છે. તેથી આ આદેશના પાલનના ભાગરૂપે મંદિર તોડવામાં આવ્યું હતું. અન્ય એક રિપોર્ટ અનુસાર એલઓસી પાસે હિન્દુઓના વધુ એક ધાર્મિક સ્થળ શારદાપીઠ મંદિરને પણ તોડવામાં આવ્યું છે. પાકિસ્તાન સુપ્રીમ કોર્ટે આ મંદિરની સુરક્ષાનો આદેશ આપ્યો હતો અને ડિમોલિશન અટકાવ્યું હોવા છતાં તેને સરકાર દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું. આ મંદિરને તોડીને ત્યાં એક કોફી હાઉસ બનાવવામાં આવી રહ્યું છે. શારદા પીઠને આંતરરાષ્ટ્રીય સંસ્થા યુનેસ્કો દ્વારા હેરિટેજ સ્થળોની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું હતું. પાકિસ્તાનમાં હિન્દુઓ પર અત્યાચાર દિવસે ને દિવસે વધી રહ્યો છે. અને હવે એમાં ખુદ સરકાર જ સામેલ થવા લાગી છે. પાકિસ્તાનમાં અવારનવાર હિન્દુઓ પર અત્યાચારની ઘટનાઓ સામે આવી રહી છે.


comments powered by Disqus