મસ્ક ઈઝરાયલમાંઃ ગાઝામાં ઇન્ટરનેટ આપશે

Wednesday 29th November 2023 06:53 EST
 
 

જેરુસલેમઃ એલન મસ્કે ઇઝરાયલની મુલાકાત લીધી હતી અને વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે હમાસે જ્યાં પહેલી વખત હુમલો કર્યો હતો તે કિબુત્ઝમાં જઈને હુમલાની સ્થિતિ જાણી હતી. મસ્કની કંપની સ્ટારલિન્કના સેટેલાઇટથી ગાઝામાં ઇન્ટરનેટ આપવાની સમજૂતી પણ ઇઝરાયલની સરકાર સાથે કરી હતી.જો કે ગાઝામાં જે ઇન્ટરનેટ મળશે એ ઇઝરાયલથી સંચાલિત થશે. તે શરતે ગાઝામાં ઇન્ટરનેટ આપવા ઇઝરાયલની સરકાર સહમત થઈ છે.
એલન મસ્કના પ્લેટફોર્મ એક્સ પર એક ટ્વીટ ભારે વિવાદાસ્પદ બન્યું હતું, એમાં એક વ્યક્તિએ યહૂદીઓ વિરુદ્ધ ટિપ્પણી કરી હતી, જેનો જવાબ આપીને એલન મસ્કે એને સાચી ઠેરવી હતી. એ વિવાદ ભારે ચગ્યો હતો અને ઘણી કંપનીઓએ ટ્વિટર પર જાહેરાત ન આપવાની જાહેરાત કરી હતી. મસ્ક પર યહૂદીઓ વિરુદ્ધની પોસ્ટને ફેલાવવા માટે મોકળું મેદાન આપવાનો આરોપ છે અને એ સંદર્ભમાં બેન્જામિન નેતન્યાહૂએ સપ્ટેમ્બર માસમાં મસ્ક સાથે વાત કરીને તટસ્થ વાતાવરણની હિમાયત કરી હતી.
ઇઝરાયલની સરકારે એક વીડિયો જાહેર કર્યો હતો, જેમાં મસ્ક બુલેટપ્રૂફ જેકેટ પહેરીને પોતાના ફોનથી એ સ્થળના ફોટો પાડી રહ્યા છે અને વીડિયો ઉતારી રહ્યા છે.
ઇઝરાયલ-હમાસ યુદ્ધવિરામના બીજા દિવસે પણ ઇઝરાયલની સેનાની કાર્યવાહી બંધ રહી. હમાસે શનિવારે 14 ઇઝરાયલી બંધકોને મુક્ત કર્યા. તે જ સમયે ઇઝરાયલની જેલમાં બંધ 42 પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરાયા.


comments powered by Disqus