ન્યૂયોર્કઃ અમેરિકામાં ભારતીય રાજદૂત તરનજિતસિંહ સંધુએ ગુરુપર્વ નિમિત્તે ન્યૂયોર્કના લોન્ગ આઇલેન્ડમાં હિક્સવિલે ગુરુદ્વારામાં પ્રાર્થના કરી હતી. દરમિયાન ખાલિસ્તાની સમર્થકોના એક જૂથે તેમને ગુરુદ્વારામાં ધક્કે ચઢાવ્યા હતા અને વાંધાજનક ટિપ્પણી કરી હતી. આ ઘટનાના વાઇરલ થયેલા વીડિયો મુજબ ખાલિસ્તાન સમર્થકોએ કેનેડામાં આતંકી હરદીપસિંહ નિઝ્ઝરની હત્યાનો મુદ્દો ઉઠાવ્યો હતો. જો કે ગુરુદ્વારામાં હાજર શીખ સમુદાયના લોકોએ સંધુને બહાર કાઢ્યા હતા. સંધુની સાથે ન્યૂયોર્કમાં કોન્સ્યુલેટ જનરલ રણધીર જયસ્વાલ અને ડેપ્યુટી કોન્સ્યુલેટ જનરલ વરુણ જેફ પણ હતા.
સંધુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું, ‘ગુરુનાનક દરબાર, લોન્ગ આઇલેન્ડ ખાતે સ્થાનિક સંગત સાથે ગુરુપર્વ ઊજવવાનું સૌભાગ્ય મળ્યું.’ સંધુએ સંગતને કહ્યું કે, ભારત-યુએસ હેલ્થકેર, એનર્જી, આઇટી, ઊભરતી ટેક્નોલોજી, સેમિ કંડક્ટર્સમાં દ્વિપક્ષીય સહયોગ ધરાવે છે અને ઉચ્ચતમ ટેક્નોલોજી, શિક્ષણ ક્ષેત્રે ભાગીદારી સતત વધી રહી છે.

