વિધાનસભા ચૂંટણી પરિણામ ભાજપનું ભાવિ નક્કી કરશે

Wednesday 29th November 2023 05:09 EST
 

ભારતમાં સંસદની ચૂંટણીની સેમી ફાઇનલ સમાન પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ યોજાઇ રહી છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને મિઝોરમના મતદારોએ તેમનો ચુકાદો ઇવીએમ મશીનમાં સીલ કરી દીધો છે જ્યારે 30મી નવેમ્બરે તેલંગણામાં વિધાનસભા ચૂંટણીનું મતદાન થાય ત્યાર બાદ 3 ડિસેમ્બરે પાંચેય રાજ્યોની ચૂંટણીના પરિણામ સાગમટે જાહેર કરાશે. આ પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામ 2024ની લોકસભાની ચૂંટણી પર વ્યાપક અસર પાડશે તે નિસંદેહ છે. કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના કારમા પરાજય બાદ બધા જ વિપક્ષ જોરમાં આવી ગયાં હતાં અને ઇન્ડિયા સંગઠનની રચના કરી બાંયો ચડાવવા લાગ્યા હતા. જો હવે આ પાંચ રાજ્યોની ચૂંટણીમાં ભાજપનો પરાજય થશે તો વિપક્ષનો ઉત્સાહ ચરમ પર પહોંચશે. ભાજપ માટે પણ આ પાંચેય રાજ્યોની ચૂંટણી જીતવી અત્યંત મહત્વની છે. તેમાં પણ તેલંગણા સૌથી મહત્વનું રાજ્ય ગણી શકાય. જો તેલંગણામાં ભાજપ સારો દેખાવ નહીં કરી શકે તો સમગ્ર દક્ષિણ ભારતમાંથી ભાજપનો એકડો ભુંસાઇ જશે અને આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપને ફક્ત ઉત્તર, મધ્ય અને પશ્ચિમ ભારત પર જ આધારિત રહેવું પડશે. દક્ષિણ ભારતમાં તામિલનાડુ, કેરળ અને આંધ્રપ્રદેશમાં ભાજપનો ગજ વાગતો નથી. ફક્ત કર્ણાટક જ એવું રાજ્ય છે જ્યાં ભાજપની જમીન થોડી મજબૂત છે. આવી સ્થિતિમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણીમાં સારા પરિણામ હાંસલ કરવા ભાજપ માટે અત્યંત જરૂરી છે. હિન્દી ભાષી એવા આ રાજ્યોમાં ભાજપ સારો દેખાવ નહીં કરે તો તેની સીધી અસર ઉત્તરપ્રદેશ અને બિહાર જેવા હિન્દી ભાષી રાજ્યોમાં પણ વર્તાશે. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં કોંગ્રેસ વધુ મજબૂત બનશે તો લોકસભાની ચૂંટણીમાં ભાજપને લોઢાના ચણા ચાવવા જેવી સ્થિતિ સર્જાશે. આમ આ સેમી ફાઇનલ લોકસભાની ફાઇનલના પરિણામના સંકેત જરૂર આપી દેશે એ વાતમાં કોઇ શંકા નથી.


comments powered by Disqus