સહઅસ્તિત્વ જ ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વિવાદનો ઉકેલ

Wednesday 29th November 2023 05:09 EST
 

ઇઝરાયેલ પર હમાસના આતંકવાદી હુમલાને લગભગ બે મહિના વીતવા આવ્યા છે પરંતુ યુદ્ધ સમાપ્ત થવાના કોઇ આસાર દેખાઇ રહ્યાં નથી. તાજેતરમાં ઇઝરાયેલ અને હમાસ ચાર દિવસના હંગામી યુદ્ધ વિરામ સાથે એકબીજા પાસે રહેલા બંદીઓને મુક્ત કરવા સહમત થયાં અને તે અંતર્ગત ગણતરીની સંખ્યામાં બંને પક્ષ દ્વારા મહિલા અને બાળકો સહિત કેટલાંક વિદેશી બંધકોને મુક્ત કરાયાં. પરંતુ શું ફક્ત બંધકોને મુક્ત કરવાથી વિશ્વના સૌથી વિવાદાસ્પદ વિસ્તારમાં શાંતિની સ્થાપના થઇ શકશે ખરી? આ પ્રદેશની માલિકીના મુદ્દે યહૂદી અને પેલેસ્ટિનિયન વચ્ચે સદીઓથી બાપે માર્યા વેર જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે. પૌરાણિક ઇતિહાસ,ધાર્મિક માન્યતાઓ અને 21મી સદી સુધીની અથડામણોએ આ વિવાદને વધુ જટિલ બનાવી દીધો છે ત્યારે તેના કાયમી ઉકેલ માટે આંતરરાષ્ટ્રીય સમુદાયે સમુદ્ર મંથન કરવાની તાતી જરૂર છે. આંતરરાષ્ટ્રીય સમુદાય ટુ નેશન થિયરીની વાતો તો કર્યાં કરે છે પરંતુ તે દિશામાં યોગ્ય કામગીરીનો સદંતર અભાવ વર્તાઇ રહ્યો છે. મહદ્દ અંશે તો વૈશ્વિક કૂટનીતિમાં પોતાના પ્રભુત્વ માટે જ મહાસત્તાઓ દ્વારા આ વિવાદનો દુરુપયોગ થઇ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. આ પ્રદેશમાં કાયમી શાંતિ માટે યહૂદીઓ અને પેલેસ્ટિનિયનોએ સહઅસ્તિત્વના સિદ્ધાંત પર કામ કરવું પડશે. એકબીજાના અસ્તિત્વનો સ્વીકાર કરીને એક મેજ પર બેસીને તમામ સમસ્યાઓના ઉકેલના પ્રયાસ કરવા પડશે. વેસ્ટ બેન્કના પેલેસ્ટિનિયન નેતાઓ આ માટે તૈયાર પણ છે અને તેઓ સ્પષ્ટપણે માને છે કે હમાસ દ્વારા કરાયેલા હુમલાએ ઇઝરાયેલને નહીં પરંતુ પેલેસ્ટાઇનના હિતોને જ નુકસાન પહોંચાડ્યું છે. વિવાદમાં જ્યારે સામેનો પક્ષ વધુ બળિયો હોય ત્યારે તેના ઉકેલ માટે હિંસાનો ઉપયોગ નરી મૂર્ખતા જ છે અને આ મૂર્ખતાના પ્રદર્શનના વરવા પરિણામ હમાસ અને ગાઝા પટ્ટીમાં વસતા પેલેસ્ટિનિયન નાગરિકો ભોગવી રહ્યાં છે. હમાસના એક દિવસના હુમલાના બદલામાં ઇઝરાયેલી સેનાએ ગાઝા પટ્ટીને ઘમરોળી નાખી છે. હમાસના હુમલામાં 1200 જેટલાં ઇઝરાયેલીનાં મોત થયાં જેની સામે ઇઝરાયેલી હુમલાઓમાં 13000 કરતાં વધુ પેલેસ્ટિનિયન નાગરિકો માર્યાં ગયાં છે. હમાસને પીઠબળ આપી રહેલા ઇરાન અને લેબેનોન જેવા દેશોએ આતંકી સંગઠનોને હિંસા છોડી શાંતિનો માર્ગ અપનાવવા દબાણ કરવું જોઇએ. બીજીતરફ ઇઝરાયેલે પણ પોતાની સુરક્ષા માટે પેલેસ્ટિનિયનોને તેમના અધિકારોથી વંચિત રાખવાનું બંધ કરી દેવું જોઇએ અને સહઅસ્તિત્વની દિશામાં આગળ વધવું જોઇએ. ઇઝરાયેલ પણ જ્યાં સુધી પેલેસ્ટિનિયન અધિકારોનો સ્વીકાર નહીં કરે ત્યાં સુધી તેને આતંકી હુમલાઓનો સામનો કરતાં રહેવું પડશે એ વાસ્તવિકતા છે. યહૂદીઓ અને પેલેસ્ટિનિયનોનું સહઅસ્તિત્વ જ આ વિવાદને શાંત કરી શકે છે.


comments powered by Disqus