23 મેએ ઓસ્ટ્રેલિયા જશે પીએમ મોદી

Wednesday 17th May 2023 07:12 EDT
 
 

સિડનીઃ પીએમ નરેન્દ્ર મોદી ઓસ્ટ્રેલિયાની આગામી વિઝિટ દરમિયાન સિડનીમાં યોજાનારા ક્વોડમાં હાજરી આપવા જઈ રહ્યા છે. આ વાતની જાણ થતાં જ 20 હજારથી વધુ ભારતીયોએ 23 મેના યોજાનારા આ કાર્યક્રમમાં હાજરી આપવા માટેનું રજિસ્ટ્રેશન કરાવી લીધું છે.

ફ્રાન્સની નેશનલ ડે પરેડમાં અતિથિ વિશેષ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ ભારત અને ફ્રાન્સના સંબંધ સતત મજબૂત થઈ રહ્યા છે. આ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 14 જૂલાઈએ પેરિસમાં થનારી બેસ્ટિલ ડે પરેડમાં મુખ્ય મહેમાનના રૂપમાં સામેલ થશે. તેના પર ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમૈન્યુએલ મેક્રોને કહ્યું કે, તમારા આવવાથી અમને ખુશી થશે.

ઇમરાનના સમર્થનમાં અમેરિકા, બ્રિટન સહિત 10 દેશમાં દેખાવ

પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની ધરપકડના વિરોધમાં પાકિસ્તાન સહિત 10 અન્ય દેશોમાં પણ દેખાવો થઈ રહ્યા છે. અમેરિકાના વોશિંગ્ટનમાં મૂળ પાકિસ્તાની અમેરિકન લોકોએ પાકિસ્તાન દૂતાવાસબહાર વિરોધ નોંધાવ્યો. કેનેડાના મિસિસોગા અને લંડનમાં પણ પીટીઆઈ નેતાને છોડી દેવાની માગણી કરી.

મહારાષ્ટ્રના અહેમદનગરમાં તોફાન, પાંચ ઘાયલ

મુંબઈઃ સોશિયલ મીડિયા પરની એક પોસ્ટને લઇ અકોલામાં બે સમુદાયમાં ઘર્ષણ થયા બાદ પોલીસે 100થી વધુ વ્યક્તિની અટકાયત કરી છે. અકોલામાં રમખાણો ફાટી નીકળ્યાં પછી અહેમદનગર જિલ્લાના શેવગાંવમાં પણ કોમી અથડામણના પગલે અશાંતિ ફેલાઈ હતી. પરિણામે અશાંતગ્રસ્ત વિસ્તારોમાં રાજ્ય સરકારે ઇન્ટરનેટ સેવા બંધ કરી દીધી હતી. શેવગાંવમાં છત્રપતિ સંભાજી મહારાજની જયંતી નિમિત્તે કાઢવામાં આવેલી શોભાયાત્રામાં બે જૂથ વચ્ચે ઘર્ષણ થતાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેમાં પાંચ વ્યક્તિ ઘવાઈ હતી.

શાહરુખ પાસેથી રૂ. 25 કરોડ વસૂલવાનો કારસો હતો

મુંબઈઃ આર્યન ખાન ડ્રગ્સ કેસમાં સીબીઆઇ દ્વારા NCB અધિકારી સમીર વાનખેડે તેમજ અન્ય 3 ઓફિસર સામે FIR દાખલ કરાઈ છે. તેમના પર શાહરુખ ખાનના પુત્ર આર્યનને ખોટી રીતે ફસાવવામાં આવ્યો હોવાનો અને છોડાવવા માટે શાહરુખ ખાન પાસે રૂ. 25 કરોડની લાંચ માગવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

928 સંરક્ષણ ઉપકરણોનું દેશમાં જ ઉત્પાદન થશે

નવી દિલ્હીઃ સુરક્ષા મંત્રાલય દ્વારા વધુ 928 સંરક્ષણ સાધનોનું દેશમાં જ ઉત્પાદન કરવા ચોથું લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે. આ લિસ્ટમાં સમાવવામાં આવેલાં સંરક્ષણ સાધનોની હવે આયાત બંધ કરાશે અને દેશમાં જ તેનું ઉત્પાદન કરાશે. આગામી સાડા પાંચ વર્ષમાં આવાં સાધનોની આયાત પર પ્રતિબંધ લદાશે. આર્મી દ્વારા આ રીતે રૂ. 715 કરોડનાં વિદેશી હૂંડિયામણની બચત કરવામાં આવશે.

લોકસભાની જલંધર સીટ પર આમ આદમી પાર્ટીની જીત

નવી દિલ્હીઃ શનિવારે કર્ણાટક રાજ્ય વિધાનસભાની 224 સીટની મત ગણતરી સાથે જલંધરની લોકસભા બેઠક માટે તેમજ 4 રાજ્યોની વિધાનસભાની 4 સીટ માટે યોજાયેલી પેટાચૂંટણીનાં પરિણામો પણ જાહેર કરવામાં આવ્યાં હતાં. પંજાબમાં જલંધરની લોકસભાની સીટ પર આમ આદમી પાર્ટીનો વિજય થયો હતો. તેણે કોંગ્રેસના 24 વર્ષ જૂના ગઢના કાંગરા ખેરવી નાખ્યા હતા અને કોંગ્રેસ પાસેથી સીટ ખૂંચવી લીધી હતી. 4 રાજ્યોમાં વિધાનસભાની 4 સીટ પૈકી યુપીની સ્વાર વિધાનસભા સીટ પર ભાજપ અને અપના દળ (એસ)ના ઉમેદવાર જીત્યા હતા. મિરઝાપુરની છાનબે સીટ પર ભાજપ ગઠબંધનના ઉમેદવારની જીત નિશ્ચિત હતી. ઓડિશાની ઝારસુગુડા સીટ પર બીજેડીના તેમજ મેઘાલયની સોહિયોગ સીટ પર UDPનો વિજય થયો હતો.

હવાઈદળના વધુ એક અધિકારી પાક.ના હનીટ્રેપમાં ફસાયા

મુંબઈઃ ડીઆરડીઓના અધિકારી ડો. પ્રદીપ કુરુલકરની પૂછપરછમાં એન્ટિ ટેરરિઝમ સ્ક્વોડને ચોંકાવનારી માહિતી મળી છે. ભારતીય વાયુસેનાનો એક અધિકારી પણ હનીટ્રેપની જાળમાં ફસાયો છે. તે પાકિસ્તાની ગુપ્તચર એજન્સીના સંપર્કમાં હતો એમ કહેવાય છે. વાયુસેનાના આ અધિકારીની તપાસ હાથ ધરાઈ છે.

71 હજાર યુવાનોને નોકરીઃ પ્રધાનમંત્રીએ પાઠવી શુભેચ્છા

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી મોદીએ 15 મેએ એટલે કે મંગળવારે રોજગાર મેળા હેઠળ લગભગ 71 હજાર નવનિયુક્ત કર્મચારીઓને નિમણૂક પત્રો આપ્યા હતા. આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, સરકારે ભરતી પ્રક્રિયાને પારદર્શક અને ન્યાયી બનાવી છે, જેનાથી ભ્રષ્ટાચાર અને પરિવારવાદનો અંત આવ્યો છે.

શરદ પવારના નિવાસે મહાવિકાસ અઘાડીની બેઠક

મુંબઈઃ કર્ણાટકમાં કોંગ્રેસની જીત બાદ હવે મહારાષ્ટ્રમાં પણ હલચલ તેજ બની ગઈ છે. 14 મેએ રવિવારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા શરદ પવારના ઘરે મહાવિકાસ અઘાડીની બેઠક બોલાવાઈ હતી. જેમાં લોકસભા ચૂંટણીમાં બેઠકોની વહેંચણીને લઈને પ્રાથમિક ચર્ચા થઈ છે.

ઉરી સેક્ટરમાં આતંકીઓનો ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના ઉરી સેક્ટરમાં નિયંત્રણ રેખા નજીક સંરક્ષણ દળોએ શનિવારે પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા ઘૂસણખોરીનો થયેલો પ્રયાસ નિષ્ફળ કર્યો હતો. સંરક્ષણ પ્રવક્તાએ જણાવ્યું કે, કેન્દ્રશાસિત પ્રદેશમાં ચાલતી જી-20 સમૂહની બેઠકમાં ભાંગફોડ સર્જવાને ઇરાદે આતંકવાદીઓએ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો. બંને પક્ષો વચ્ચે સામસામે ગોળીબાર શરૂ થઈ ગયો હતો. તેમાં એક જુનિયર કમિશન્ડ અધિકારીને ઇજા પહોંચી હતી.


comments powered by Disqus