ગુજરાતીઓ પ્રવાસન ઘેલી પ્રજા ગણાય છે. ભારત અને વિશ્વના કોઇપણ પ્રવાસન સ્થળે ગુજરાતી ન મળે તો જ નવાઇ. પરંતુ ગુજરાતમાં પ્રવાસનનો વિકાસ કેમ નથી થતો તે એક મનોમંથનનો વિષય છે. એવું નથી કે ગુજરાત પાસે પર્યટનના સારા સ્થળ નથી. તેમ છતાં ગુજરાતીઓ વેકેશન માણવા આબુ, રાજસ્થાન, ગોવા અને કેરળ તરફ દોટ મૂકે છે પરંતુ એહમદપુર માંડવીના દરિયા કિનારા પર તમને ગણ્યા ગાંઠ્યા પ્રવાસીઓ જોવા મળશે. હા, ગુજરાતમાં ધાર્મિક પ્રવાસનમાં ક્યારેય ઓટ આવી નથી. પાવાગઢ, સોમનાથ, પાલિતાણા, ગીરનારમાં પ્રસંગો અને પર્વો નિમિત્તે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે પરંતુ તેને પ્રવાસન ગણવું કે કેમ તે પણ એક સવાલ છે. આ ધાર્મિક સ્થળો સિવાયના ગુજરાતના પ્રવાસન સ્થળોને પ્રવાસીઓ મેળવવા માટે ફાંફા મારવા પડે છે. ગુજરાતમાં પ્રવાસન માટે આવતા વિદેશીઓની સંખ્યા કેટલી? વિદેશોમાં વસતા ગુજરાતી પણ ગુજરાતની મુલાકાતે આવે છે ત્યારે પ્રવાસ માટે ગુજરાત બહારના સ્થળોની પસંદગી કરે છે. તેની પાછળ ગુજરાત સરકારની કેટલીક નીતિઓ પણ જવાબદાર છે. ભારતમાં સૌથી લાંબો દરિયાકિનારો ગુજરાત પાસે છે. તેમ છતાં દારૂબંધી હોવાના કારણે વિદેશી અને ઘરેલુ પ્રવાસીઓ ગુજરાતની પસંદગી કરતાં નથી. અરે ખુદ ગુજરાતીઓ પણ મિની વેકેશન માણવા માટે આબુ, દીવ અને દમણની લટાર મારી આવે છે. ગુજરાત સરકાર ધાર્મિક પ્રવાસન સ્થળો ખાતે વિશેષ સુવિધાઓ ઊભી કરી રહી છે પરંતુ અન્ય પ્રવાસન સ્થળોની ઉપેક્ષા થતી નરી આંખે જોઇ શકાય છે. પ્રવાસીઓના અભાવે પ્રાઇવેટ સેક્ટર પણ પ્રવાસન સ્થળો ખાતે રોકાણ કરવા આગળ આવતું નથી. ગુજરાતની સરકારે પ્રવાસન ઉદ્યોગના વિકાસ માટે એક નક્કર નીતિ તૈયાર કરીને આગળ વધવું પડશે.
