જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત

‘ગુજરાત સમાચાર’ દ્વારા ગુજરાત દિનની શાનદાર ઉજવણી

Wednesday 17th May 2023 06:30 EDT
 
 

દુનિયાનો ભાગ્યે જ એવો કોઇ દેશ હશે જ્યાં ગુજરાતીઓ વસ્યા ન હોય. અને જ્યાં જયાં ગુજરાતીઓ જઈ વસ્યા છે ત્યાં ત્યાં તેમણે એક ગુજરાતનું સર્જન કર્યું છે. વિશ્વનિવાસી ગુજરાતીઓએ ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’ પંક્તિ યથાયોગ્ય સાર્થક કરી છે. આ જ કારણ છે કે બ્રિટન સહિત દેશવિદેશમાં વસતા ગુજરાતી સમુદાય દ્વારા પહેલી મેના રોજ રાજ્યના 64મા સ્થાપના દિનની રંગેચંગે ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે ‘ગુજરાત સમાચાર’ દ્વારા પણ ઝૂમ ઇવેન્ટનું આયોજન કરાયું હતું, જેમાં અનેકવિધ ક્ષેત્રના અગ્રણીઓએ સંબોધન કરીને રાજ્યની વિકાસગાથાનું મહિમાગાન કર્યું, તો સાથેસાથે જ રાજ્યના વધુ નક્કર વિકાસ માટે કયા કયા ક્ષેત્રે સુધારાની આવશ્યક્તા છે તે અંગે પણ અંગૂલિનિર્દેશ કર્યો હતો.
એબીપીએલ ગ્રૂપના સ્થાપક અને એડિટર-ઇન-ચીફ સી.બી. પટેલ પચાસ વર્ષ કરતાં પણ વધુ સમયથી બ્રિટનમાં વસે છે, પરંતુ આજે પણ તેમના હૃદયમાં ગુજરાત, તેની સંસ્કૃતિ, તેનો વારસો ધબકે છે. 1 મેના રોજ ગુજરાત સ્થાપના દિન પર્વે યોજાયેલી ઓનલાઇન ઇવેન્ટમાં સી.બી. પટેલે મુખ્ય સૂત્રધાર તરીકે ભૂમિકા ભજવી હતી અને ગુજરાત સાથે સંકળાયેલી વિભૂતિઓને એકતાંતણે બાંધી હતી.
જાણીતાં ગાયિકા માયાબહેન દીપકે તેમના સુમધુર કંઠે ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’ કવિતા ગાઈને કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો.

લોર્ડ નવનીત ધોળકિયા,
હાઉસ ઓફ લોર્ડ્સમાં પ્રથમ ગુજરાતી

‘હાઉસ ઓફ લોર્ડ્સમાં સ્થાન મેળવનાર પ્રથમ ગુજરાતી’નું બહુમાન ધરાવતા મૂળ ભાવનગરના લોર્ડ નવનીતભાઈ ધોળકિયાએ ગુજરાત સ્થાપના દિન પ્રસંગે બ્રિટનમાં ગુજરાતીભાષી લોકોના પ્રદાન અંગે સવિશેષ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, હું ભારતીય અને ખાસ ગુજરાતી તરીકે ગૌરવ અનુભવું છું. પણ તેની સાથે હું બ્રિટિશ ગુજરાતી ભારતીય પણ છું જેનું મને ગૌરવ છે. હું જ્યારે ગુજરાતની વાત કરું છું તો બે વિભૂતિ મને પહેલાં યાદ આવે છે. ગુજરાત મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલની ભૂમિ છે, જે ચમત્કારી મહાપુરુષોના કારણે ગુજરાતને એક આગવી ઓળખ મળી. મેં જ્યારે પોરબંદર કીર્તિમંદિરની મુલાકાત લીધી ત્યારે હું તેમની સાદી અને સરળ જીવનશૈલીથી પ્રભાવિત થઈ ગયો. તો વિશ્વાસનું બીજું નામ સરદાર વલ્લભભાઈ પટેલે ગુજરાત અને દેશનાં રજવાડાંને એકત્રિત કર્યાં. મેં જ્યારે ભાવનગરની મુલાકાત લીધી અને જાણ્યું કે ભાવનગરના મહારાજાએ સૌપ્રથમ ભારત સાથે જોડાવાનું એલાન કર્યું હતું તે મારા માટે ગૌરવની વાત છે.
‘જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં સદાકાળ ગુજરાત’ વિશે વાત કરીએ તો, તમે જાણો છો કે દુનિયામાં એવી કોઈ જગ્યા નથી જ્યાં તમને ગુજરાતી ન મળે. મારા જમાઈ નોર્થ પોલની સફર કરી રહ્યા હતા. નગરના મેયરને તેમની મુલાકાત લેવા આમંત્રણ આપવામાં આવ્યું હતું. આખરે તેમને જાણવા મળ્યું કે ટાઉનના મેયર મિસ્ટર પટેલ છે અને મને તેના માટે ગર્વ થયો.
યુકેમાં ગુજરાતી સમુદાયો વિશે બોલતાં તેમણે કહ્યું, ‘ભૂતકાળમાં, આ દેશમાં 1400 વિવિધ ભારતીય સંસ્થાઓ હતી, જેમાં મુખ્યત્વે ગુજરાતીઓ હતા. તેમણે ઉમેર્યું કે, ‘મને એક પ્રતિનિધિમંડળની સાથે જવાનો વિશેષાધિકાર મળ્યો, જેનું નેતૃત્વ હાઉસ ઓફ કોમન્સના ડેપ્યુટી સ્પીકરે બે વર્ષ પહેલાં ગુજરાતમાં કર્યું હતું. ત્યાં ઘણા લોકોને મળીને મને આનંદ થયો. મને અમદાવાદની મહિલાઓ દ્વારા હાથ ધરવામાં આવેલાં પ્રોજેક્ટ્સ અને સાહસો જોવાની તક મળી, જે બજારના વિકાસ માટે પ્રયત્નશીલ હતી. હું જોઈ શકું છું કે ગુજરાતી કાયદામાં હવે મહિલાઓનું સારી રીતે પ્રતિનિધિત્વ જોવા મળી રહ્યું છે. હવે આપણી સાંસદોમાં સ્ત્રી પ્રતિનિધિત્વનો અભાવ હોવાથી હું આશા રાખું છું કે મહિલાઓ આ ક્ષેત્રે પણ પોતાનું યોગદાન આપે. ગુજરાતી મહિલાઓને પ્રોત્સાહન આપવાના સંદર્ભમાં કહીએ તો રાજકારણની સાથે સામાજિક સ્તરે પણ તેમને સમાનતા ખૂબ જરૂરી છે.
લોર્ડ નવનીતભાઇએ કહ્યું કે સૈદ્ધાંતિક રીતે હું દૃઢપણે માનું છું કે આપણા રાષ્ટ્રની પ્રગતિમાં ગુજરાતનું યોગદાન ગુજરાત સમાચારને આભારી છે, જેણે ગુજરાતીઓને એક કરવા માટે આયોજિત તમામ કાર્યક્રમોના અહેવાલની જવાબદારી સ્વીકારી છે. હું એમ કહીને સારાંશ આપીશ કે આપણા રાષ્ટ્રમાં કરવામાં આવેલી આ તમામ પહેલમાં ગુજરાતી સમુદાયો દર્શાવવામાં આવ્યા છે, પરંતુ હું સંસદમાં વધુ ગુજરાતીઓને જોવા માગું છું. હું સંસદમાં ગુજરાતી મહિલાઓની વધુ હાજરી જોવા ઇચ્છું છું.

પી.કે. લહેરી, પૂર્વ ચીફ સેક્રેટરી (ગુજરાત)

ગુજરાતના ચીફ સેક્રેટરી તરીકે સૌથી લાંબા કાર્યકાળ માટે કામ કરવાનું બહુમાન ધરાવતા પી.કે. લહેરીએ જણાવ્યું કે, આજે પહેલી મેના રોજ ગુજરાતની સ્થાપનાને 63 વર્ષ પૂર્ણ થયાં છે અને 64 મા વર્ષમાં પ્રવેશ્યું છે, તે નિમિત્તે ગુજરાત સમાચાર યુકે.ના સ્થાપક અને કર્તાહર્તા સી.બી. પટેલે જે આ કાર્યક્રમ યોજ્યો તે સમયોચિત તો છે જ, પરંતુ લંડનમાં ગુજરાતી પ્રજા માટે સમગ્ર યુકે અને અન્ય દેશોમાં એક ગુજરાતી છાપું ચલાવવાનું સાહસ તેમણે સફળ રીતે પાર પાડ્યું. મારે 40 વર્ષ પહેલાં એક વર્ષ યુકેમાં રહેવાનું થયું ત્યારે તેમના પરિવારનો સંઘર્ષ મેં જોયો છે. આજે એક ઉલ્લેખનીય ગુજરાતી તરીકે તેમણે જે પ્રતિષ્ઠા હાંસલ છે અને ત્યાંના રાજકારણમાં ગુજરાતી વિદ્વાનોને આગળ કરવામાં પણ તેમણે જે ભૂમિકા ભજવી છે, તે બદલ આજે ગુજરાત સ્થાપના દિવસે અભિનંદન આપું છું.
ગુજરાતની વાત કરીએ તો મહારાષ્ટ્રથી છૂટું પડ્યું, ત્યારે સંયુક્ત મહારાષ્ટ્રની માગણી હતી અને દ્વિભાષી મુંબઈ રાજ્યનું વિભાજન થયું ત્યારે મહારાષ્ટ્રમાં ભૌગોલિક રીતે મુંબઈ હતું અને ગયું. આ સમયે ગુજરાતમાં ટેક્સટાઇલ ઉદ્યોગ સિવાય અનેક ચીજોની ખામી હતી. શિક્ષણ, શૈક્ષણિક સંસ્થા, ઉદ્યોગ તમામનો અભાવ હતો. ત્યારે આજે ગુજરાત અને મહારાષ્ટ્રના સ્થાપના દિવસે બંનેને વિકાસના એન્જિન તરીકે જોઈ રહ્યા છીએ. ગત વર્ષે ટોટલ જીએસટી કલેક્શન રૂ. 18 લાખ કરોડ પૈકી રૂ. 3.50 લાખ કરોડ મહારાષ્ટ્ર અને ગુજરાતે જ આપ્યા છે. ગુજરાતે રૂ. 1.21 લાખ કરોડ અને મહારાષ્ટ્રએ રૂ. 2.15 લાખ કરોડ આપ્યા, એટલે કે 20 ટકા વધુ રકમ માત્ર ગુજરાત અને મહારાષ્ટ્ર આપી રહ્યાં છે તે ગૌરવની વાત છે. ગુજરાતે છેલ્લા 15 વર્ષમાં અનેક સિદ્ધિ હાંસલ કરી. ગુજરાતમાં સ્ટેચ્યૂ ઓફ લિબર્ટીથી લગભગ બમણી ઊંચી સ્ટેચ્યૂ ઓફ યુનિટી સ્થાપી છે.

લોર્ડ પ્રો. ભીખુ પારેખ

ગુજરાતીઓ રાજકારણમાં વધારે ભાગ લેતા નથી. હિન્દુસ્તાન બહાર વસતા ગુજરાતીઓ પણ ધંધો-વ્યવસાયમાં વધુ રસ દાખવે છે. આમાં એકમાત્ર અપવાદ છે સાઉથ આફ્રિકા, જ્યાં ગાંધીજી લોકોને લઈ ગયા અને ગુજરાતીઓનું પ્રભુત્વ ત્યાં રહ્યું. ગુજરાતમાં આજે પરદેશ જવાનો ક્રેઝ ખૂબ છે. સ્કૂલોમાં કે યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓને એમ જ થાય છે તે હું શું ભણું કે હું પરદેશ જઈ શકું. જોકે પરદેશ ગયા બાદ દેશ પ્રત્યેનો તેમનો પ્રેમ અટકતો નથી..
પરદેશ રહેતા ભારતીયોમાં ગુજરાતીઓનું કન્ટ્રિબ્યુશન ઘણું છે, જેમનું ભારતના ડેવલપમેન્ટમાં પણ ઘણું યોગદાન છે. હું 1981માં લેક્ચરર હતો ત્યારે માધવસિંહ સોલંકીના નિમંત્રણ પર પહેલાં ઇનકાર કરી તેમના આગ્રહ પર વાઇસ ચાન્સેલર તરીકે વડોદરા પહોંચ્યો હતો. 1981માં હું ત્યાં ગયો અને ત્રણ વર્ષ રહ્યો, તે સમયે સી.બી. પટેલ પણ ત્યાં આવ્યા હતા. એટલું જ નહીં એમને ત્યાં અન્યાય પણ થયો.
તે સમયે ગુજરાત સમાચાર તરફથી યુનિવર્સિટીમાં 2 સ્કોલરશિપ માટે સી.બી. પટેલે પણ £4300 આપ્યા હતા, જે અંગે મેં સહમતી આપી હતી. આ અંગે મેનેજમેન્ટ ફેકલ્ટીના પ્રોફેસરને 2 સ્કોલરશિપ અંગે સી.બી. પટેલને દરવર્ષે રિપોર્ટ આપવા જણાવ્યું હતું. જો કે આ વાતને 45 વર્ષ થયાં પણ એક વર્ષનો રિપોર્ટ પણ અપાયો નથી. આ અંગે દિલગીરી સાથે કહું છું કે તમે જે યોગદાન કર્યું તેનું એટલું જ મહત્ત્વ છે અને તેની કદર કરું છું.
ગુજરાતમાં કોઈપણ સરકાર હોય તેનો પ્રાઇમરી એજન્ડા એજ્યુકેશન સિસ્ટમ સુધારવાનો હોવો જોઈએ, જેમાં યુનિવર્સિટી ઉપરાંત પ્રાઇમરી અને સેકન્ડરી એજ્યુકેશન પણ સુધારવું જોઈએ.
ગુજરાતના ટ્રાઇબલ એરિયામાં જબરજસ્ત ગરીબી છે. જેના પર સરકારે અપાવું જોઈએ એટલું ધ્યાન આપ્યું નથી. હું એ આશા રાખું છું કે આ પ્રસંગે સી.બી. પટેલ તમારા થકી અહીંથી એક અવાજ જાય. તમારી બે પ્રાયોરિટી હોવી જોઈએ, એક તો શિક્ષણ અને બીજી ગરીબી.

કપિલ દુદકિયા, રાજકીય વિશ્લેષક

કપિલ દુદકિયાએ જણાવ્યું હતું કે, ‘શરૂઆતના દિવસોમાં ઘણાં જૂથો અસ્તિત્વમાં હતાં, અને તે બધાં અલગ અલગ જગ્યાએથી આવતાં હતાં. મને લાગે છે કે તે જ સમય હતો જ્યારે 1985માં નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઇઝેશનનો સુંદર વિચાર આવ્યો હતો. અમે વાસ્તવમાં દરેકને સાથે લાવ્યા છીએ. મને લાગે છે કે તમામ લોકો એકસાથે ઊભા થયા અને આ અંગે જાણવા લાગ્યા તે જ વાસ્તવમાં આપણો એજન્ડા હતો, જે ખરેખર આપણને એક કરે છે. આપણને માત્ર આપણી ભાષા જ એક નથી કરતી, આપણી સંસ્કૃતિ, આપણો ઇતિહાસ પણ રોજિંદા જીવનમાં આપણને અસર કરે છે.
તેથી મને લાગે છે કે NCGO અને સ્થાપકો અને અન્ય તમામ લોકો કે જેઓ વાસ્તવમાં આટલાં વર્ષોમાં આવ્યા છે, તેમના દ્વારા ઘણું મોટું યોગદાન અપાયું છે અને ખરેખર તે મશાલને એટલી સરસ રીતે ઝળહળતી રાખી છે. તમે જાણો છો કે 35થી 37 ગુજરાતી સંસ્થાઓ NCGOનો એક ભાગ છે.
મને લાગે છે કે આપણા ગુજરાતીઓનું યુકેમાં ચોખ્ખું યોગદાન છે, ખાસ કરીને છેલ્લાં 10 વર્ષથી. રાજનીતિ અને સંમિશ્રિત વિવિધ સંસ્કૃતિઓ બંને બ્રિટિશ સમાજમાં ખૂબ જ સુગમતા દર્શાવે છે. આપણી પાસે મિલો અને અન્ય સ્થળોએ નોકરીઓ હતી, પછી સ્ટોર્સ ચલાવવાનું શરૂ કર્યું અને તે પછી અમે મધ્યમ કદની કંપનીમાં વિકાસ કર્યો. હવે વિશાળ સ્કેલ પર કામ કરવા અને વ્યવસાયો સંભાળવા ઉપરાંત રાજકારણમાં પણ થોડા પાયે પ્રવેશ કર્યો છે, જેમાં આપણે સફળ થયા છીએ.

ધીરુભાઈ ગઢવી, ગુજરાત કલ્ચર સોસાયટી-બ્રાઇટન

ધીરુભાઈ ગઢવીએ આ અંગે કહ્યું કે, ગુજરાત સ્થાપના દિવસની બધાને શુભકામના. આ કાર્યક્રમનું આયોજન કરવા બદલ સી.બી. પટેલ સાહેબનો આભાર અને પ્રણામ. આપનું ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ ઘણાં ભાઈઓ બહેનોએ અતિશયોક્તિ વગર કહ્યા મુજબ ખરેખર ખૂબ સેવા કરે છે. ગુજરાતનો કોઈપણ પ્રશ્ન હોય સીબી અને ગુજરાત સમાચાર હલ કરવા તત્પર હોય છે. સી.બી. સાહેબની સેવાની વાત કરું તો કોવિડમાં દોઢથી બે વર્ષ અમે દર રવિવારે અદભુત કાર્યક્રમ કર્યા. આપણી સંસ્કૃતિ, સંસ્કાર, ધરોહરને જેણે જાળવી રાખ્યાં તેવા કવિ- રાજકારણીઓના હાર્ડ વર્કથી હું અને તમે ઊજળા છીએ. ગુજરાત વિશે આપણે વાત કરીએ ત્યારે આપણે કવિ કાગ અને કવિ મેઘાણીને યાદ ન કરીએ તો અયોગ્ય રહે. ગુજરાત શું છે?
ગુજરાતની દ્વારકાને સાંચવીને બેઠેલું હું જળ છું
હું નરસિંહના પ્રભાતિયાંને પરિતપ્ત પ્રભાત છું
વેપાર છું, વિસ્તાર છું, વિખ્યાત છું અને સદાય રહીશ
ખંત-ખમીર અને ખુશીની અમિરાત છું
સાહસ, સંવાદ અને સમર્પણનું સગપણ છું
સમજદારીભરી સંતાનોનું સરનામું છું
એનાથી આગળ હું ગાંધી, પટેલ અને મોદીનું ગુજરાત છું
હું કવિ કાગ અને મેઘાણીનું ગુજરાત છું,
ગુજરાત છું, ગુજરાત છું...
એવા મેઘાણીની બે લાઇન જે સીબી સાહેબ અને બધાને ખૂબ પસંદ છે એ ગાઇશ અને પછી આ કાર્યક્રમને આપણે આગળ વધારીશું.
 જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ
ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ
બહેનીના કંઠે નીતરતાં હાલરડાંમાં ઘોળ્યો કસુંબીનો રંગ
ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ ચોળ્યો કસુંબીનો રંગ...
દુનિયાના વીરોનાં લીલા બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રંગ
સાગરને પારે સ્વાધીનતાની કબરોમાં મહેક્યો કસુંબીનો રંગ
ભક્તોના તંબૂરથી ટપકેલો મસ્તીભર ચાખ્યો કસુંબીનો રંગ
વહાલી દિલદારાના પગની મેંદી પરથી ચૂમ્યો કસુંબીનો રંગ
નવલી દુનિયા કેરાં સ્વપ્નોમાં કવિઓએ ગાયો કસુંબીનો રંગ
મુક્તિને ક્યારે નિજ રક્તો રેડણહારે પાયો કસુંબીનો રંગ
પીડિતની આંસુડા ધારે હાહાકારે રેલ્યો કસુંબીનો રંગ
શહીદોના ધગધગતા નિઃશ્વાસે નિઃશ્વાસે સળગ્યો કસુંબીનો રંગ
ધરતીનાં ભૂખ્યાં કંગાલોને ગાલે છલકાયો કસુંબીનો રંગ
બિસ્મિલ બેટાઓની માતાને ભાલે મલકાયો કસુંબીનો રંગ
ઘોળી ઘોળી પ્યાલા ભરિયા રંગીલાં હો પીજો કસુંબીનો રંગ
દોરંગા દેખીને ડરિયાં ટેકીલાં હો લેજો કસુંબીનો રંગ
રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, લાગ્યો કસુંબીનો રંગ

સુધીર રાવલ, પત્રકાર-મહામંત્રી - વિશ્વ ગુજરાતી સમાજ

ગુજરાત દિને પીઢ પત્રકાર અને વિશ્વ ગુજરાતી સમાજના મહામંત્રી સુધીરભાઇ રાવલે સહુને અભિનંદન આપતા કહ્યું હતું કે, આ મંચ પર વિચાર વ્યક્ત કરવાની તક આપવા બદલ આભાર માનું છું. આપનું ‘લવ ગુજરાત’ પુસ્તક તૈયાર કર્યું તે વખતના સીબી પટેલની સરખામણીએ આજના સીબી પટેલની સ્ફૂર્તિમાં વધારો થયો છે. હાલમાં વિશ્વનાં વિવિધ સ્થાનો પરના દિગ્ગજ ગુજરાતીઓ જાણે છે કે વિશ્વભરમાં પથરાયેલા ગુજરાતીઓ કેટલો પ્રભાવ ધરાવે છે. સદાકાળ ગુજરાત કવિતામાં પહેલાં વિશ્વમાં પથરાયેલા ગુજરાતીઓની વાત હતી પણ આજે જે ગુજરાતીઓનો પ્રભાવ વધ્યો છે એમાં આપણા દરેકનો નાનો-મોટો ફાળો છે. રાજકીય, સાંસ્કૃતિક ક્ષેત્રે, આર્થિક ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે ગુજરાતીઓની જે ભાત પાડતી સિદ્ધિઓ છે, તે આપણેને વધારે ગૌરવની અનુભૂતિ કરાવે તે સ્વાભાવિક છે.
વિશ્વભરના ગુજરાતીઓને એકતાંતણે બાંધવાનું જે ભગીરથ કાર્ય કર્યું અને સામાજિક ક્ષેત્રે અનેક પ્રવૃત્તિઓ કરી સંસ્થાને બેઠી કરી. અને તેમાં કેવા કેવા દિગ્ગજ હતા, તે ઇતિહાસ હું વાંચું છું ત્યારે હું ખૂબ નાનો લાગું તે સ્વાભાવિક છે. મને લાગે છે કે હું તેને યોગ્ય ન્યાય નથી આપી રહ્યો. વિશ્વ ગુજરાતી સમાજ સંસ્થાની વાત કરીએ તો લોકોની અંદર ગુજરાતી અસ્મિતા, સંસ્કૃતિ અને ભાષા પ્રત્યેની નિષ્ઠા અંગે સારું મંચ બની રહ્યું છે.
કૃષ્ણકાંતભાઈ વખારિયાએ 30 વર્ષ સુધી વિશ્વ ગુજરાતી સમાજનું પ્રમુખપદ નેતૃત્વ સંભાળ્યું. આટલી ઉંમરે પણ તેમનો જે સંસ્થા પ્રત્યે લગાવ અને વલણ હતાં અને લોકોને આગળ વધવા માટે પ્રમોટ કરતા તે બિરદાવવાલાયક હતું.
ટેક્નોલોજી બદલાય છે ત્યારની પ્રાયોરિટી અંગે અમે વિચારીએ છીએ. ત્યારે તમે લોકોએ જે રીતે સંસ્થા સાથે દેશના લોકો ભેગા કરી 4 આંતરરાષ્ટ્રીય પરિષદ યોજી હતી, આજે સમય જતાં કેટલાય દેશોમાં ગુજરાતી સંગઠનો પણ વધ્યાં છે. આ સંગઠનોનો ડેટા એનાલિસીસ એકઠો કરી રહ્યા છીએ, જેને અપડેટ કરવાની દિશામાં લાંબી મજલ કાપવાની છે. તેમને એક છત્ર નીચે લાવવી પ્રાથમિક સમસ્યા છે. ગુજરાતીઓની એક હાકલ પડે અને આખા વિશ્વમાં સંભળાય તે માટે તમામ સંગઠનોએ એક છત્ર નીચે આવવું ખૂબ જરૂરી છે અને તે માટે તેમણે આગળ આવવું જોઈએ આ કાર્યમાં વિશ્વ ગુજરાતી સમાજ ઘણું કરી શકે તેમ છે.
વિશ્વભરના ગુજરાતીઓ માટે હવે એક ભવનના નિર્માણની જરૂરિયાત છે, એટલે કે વિશ્વભરના ગુજરાતીઓનું એક પોતિકું ભવન હોય તેની પણ વિચારણા ચાલે છે. આપણે ત્યાં દાનવીરોનો તોટો નથી પણ પહેલ કરવાની વાત છે. અમે પહેલ કરવામાં ઊંણા ઉતરી રહ્યા છે તેવું હું ચોક્કસ માનું છું અને તે બદલ ક્ષમા પણ માગું છું. પણ એ વધારે એગ્રેસિવલી તમારા બધાની સલાહ અને માર્ગદર્શનથી, થોડો ધક્કો મારવાથી અમે શરૂ કરીશું તો શરૂઆત થશે. તો લેટર ઇઝ બેટર ધેન નેવર.

કોકિલાબહેન પટેલ, મેનેજિંગ એડિટર - ગુજરાત સમાચાર

ગુજરાત સ્થાપના દિન નિમિત્તે ગુજરાત સમાચારના મેનેજિંગ એડિટર કોકિલાબહેન પટેલે જણાવ્યું હતું કે, ઇન્દુચાચાની ચળવળના અંતે ગુજરાત મહારાષ્ટ્રથી અલગ થઈ અસ્તિત્વમાં આવ્યું હતું. ગુજરાતે ઇન્દુલાલ યાજ્ઞિક સિવાય સરદાર પટેલ અને ગાંધીજી જેવા દેશભક્તો આપ્યા છે, તો નરસૈયા જેવા ભક્ત પણ આપ્યા છે. તો આવા ગૌરવાન્વિત ગુજરાતના સ્થાપના દિને મારા સૌને અભિનંદન.

જ્યોત્સનાબહેન શાહ, કન્સલ્ટિંગ એડિટર - ગુજરાત સમાચાર

ગુજરાત સમાચારના કન્સલ્ટિંગ એડિટર જ્યોત્સનાબહેન શાહે આ નિમિત્તે જણાવ્યું કે, ગુજરાતી હોવાનું મને, તમને અને આપણને ગૌરવ હોય તે સ્વાભાવિક છે. ગુજરાત સ્થાપના દિનની શુભકામના પાઠવતા હૈયું ઉમંગથી હરખી ઊઠે છે.
ગુજરાત સમાચાર એ વિદેશમાં સમાચાર ફેલાવતું માત્ર સમાચારપત્ર જ નથી, પરંતુ પોતાના વતનપ્રેમ, ભાષાપ્રેમ, સાહિત્યપ્રેમ, અસ્મિતાનું ગૌરવ, સંસ્કાર, સંસ્કૃતિ અને ધર્મની ધજા ફરકાવતું ગુજરાતીઓનું સૌથી પ્રિય સાપ્તાહિક છે. ગુજરાત સમાચારને ભાતીગળ બનાવવામાં અમારા તંત્રી શ્રી સી.બી. પટેલનું નેતૃત્વ તેમની વિશાળ દૃષ્ટિ અને થનગનતા સ્વભાવનું પ્રતિબિંબ છે પડઘો છે. દેશવિદેશમાં વસતા ગુજરાતીઓ તેના ચાહક મોટી સંખ્યામાં હોવાનું એની સંગીનતા પુરવાર કરે છે. જ્યોત્સનાબહેને તેમના સંબોધનના અંતે ‘ગુજરાતની દ્વારકાને સાંચવીને બેઠેલું હું જળ છું...’ પંક્તિઓનું ગાન કર્યું હતું.

ડો. વલ્લભ કથીરિયા, પૂર્વ સાંસદ

ગુજરાત સ્થાપના દિને રાજકોટના પૂર્વ સાંસદ ડો. વલ્લભભાઇ કથીરિયાએ જણાવ્યું કે, આ આયોજન બદલ અને ગુજરાતના સ્થાપના દિન નિમિત્તે તમામને અભિનંદન પાઠવું છું. જે રીતે તમે ગુજરાતની અસ્મિતાને સાચા અર્થમાં પ્રસ્થાપિત કરી રહ્યા છો એ માટે અભિનંદન પાઠવું છું. સાચા અર્થમાં ગુજરાત આજે વિકાસની લેબોરેટરી તરીકે સ્થાપિત થઈ દેશભરમાં ઉદાહરણરૂપે પ્રસ્થાપિત થયું છે. આર્થિક પ્રગતિ જોઈને ઘણાને ઇર્ષ્યા આવે છે, તેમાં ગુજરાતીઓની મહેનત અને તેમના વિઝનના કારણે ગુજરાતીઓ આગળ વધી રહ્યા છીએ. આપ બધા એનઆરઆઇ તરીકે ગુજરાતને અને ભારતવર્ષને મદદ કરી રહ્યા છો એ રીતે તમે અમારા એમ્બેસેડર્સ છો. આપણી સંસ્કૃતિ, આપણી અસ્મિતા, રીતભાત, વારસો આ તમામને વિશ્વભરમાં એક અનોખી રીતે પ્રદર્શિત કરી રહ્યા છો. પ્રધાનમંત્રી તરીકે જ્યારથી નરેન્દ્ર મોદી આવ્યા અને દેશને વિશ્વમાં ગૌરવ અપાવ્યું છે. આજે સમગ્ર વિશ્વ ભારતને એક અલગ અંદાજથી જોવે છે. હું અમેરિકા જાઉં છું ત્યારે તમે બધા ત્યાં છાતી ફુલાવી ગૌરવ અનુભવી શકો છો તે આનંદની વાત છે. નરેન્દ્ર મોદી એક ભારત શ્રેષ્ઠ ભારત નિશ્ચિત ભારત બનાવવા પ્રયાસ કરે છે. હમણા આઝાદીનું 75મું વર્ષ ઊજવ્યું. આઝાદીનાં 100 વર્ષે અમૃતકાળનો સમય દેશનો શ્રેષ્ઠ કાળ બને તે સમગ્ર દેશ માટે જ નહીં વિશ્વભરમાં નામના થાય તેવો પ્રયાસ છે. જી-20 અંતર્ગત હાલમાં વસુધૈવ કુટુંબકમની ભાવનાને વિશ્વ જોઈ રહ્યું છે. આપણી સંસ્કૃતિ, આપણા વારસાથી આપ બધા દેશને વિશ્વગુરુ બનાવવા માટે ત્યાંથી પ્રયત્નશીલ રહો.

મહેશ લિલોરિયા, ગ્લોબલ ગ્રૂપ એડિટર-એબીપીએલ

એબીપીએલ ગ્રૂપના ગ્લોબલ ગ્રૂપ એડિટર મહેશભાઈ લિલોરિયાએ ગુજરાત સ્થાપના દિવસે જણાવ્યું કે, કવિ ખબરદારની પંક્તિ જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત... ગુજરાત અને ગુજરાતીપણાના પરિચય માટે સંપૂર્ણ છે. વર્ષોથી વૃદ્ધિ, સમૃદ્ધિ અને વિકાસ સમરસતાનું પ્રતીક છે ગુજરાત. રાજ્યની સ્થાપનાથી અત્યાર સુધી ગુજરાતને વિકાસના નિતનવા આયામ સિદ્ધ કર્યા છે, તો ગુજરાત બહાર રહેતા ગુજરાતીઓએ ગૌરવભેર સિદ્ધિ મેળવી છે. આપ સૌને ગુજરાત દિનની ખૂબ ખૂબ શુભેચ્છા. આજે ગુજરાત અને ગુજરાતીઓના અમૂલ્ય યોગદાન સાથે ભારત એક અભૂતપૂર્વ અને ઐતિહાસિક પદે આગળ વધી રહ્યું છે. ગુજરાત બહારની સિદ્ધિની વાત થાય ત્યારે આદરણીય સી.બી. પટેલના સુદીર્ઘ, સબળ, સક્ષમ અને સર્વાર્થસિદ્ધ નેતૃત્વમાં ગુજરાત સમાચારના માધ્યમથી છેલ્લાં 50 વર્ષથી અવિરત ચાલતા સેવાયજ્ઞ અને જ્ઞાનયજ્ઞને ખાસ યાદ કરવાં રહ્યાં.
પહેલી મેની જેમ પાંચમી મે પણ ગુજરાતીઓ માટે બહુ જ અગત્યની તારીખ છે. પાંચમી મે એટલે ગુજરાત સમાચારની 50મી વર્ષગાંઠ - સુવર્ણજયંતી. આ સુવર્ણજયંતીની ઉજવણી ગુજરાતી પ્રજા જાતે જ કરી રહી છે. એ બિરદાવવા માગે છે ગુજરાતીપણું, ગુજરાત સમાચાર, સંસ્કૃતિ એ બધું શું હોય છે તેની ઉજવણી ચાલે છે. માતૃભૂમિ અને કર્મભૂમિ વચ્ચે લાગણીનો સેતુ મજબૂત બનાવવા સમુદાયને એકસંપ કરવા આપણી સંસ્કૃતિ મૂલ્યો,નીતિમત્તાને યાદ કરવાના ધ્યેય સાથે સુવર્ણ જયંતી ઉજવાઇ રહી છે. સી.બી. પટેલ સાહેબે સમાજને દિશા આપવા જે બીડું ઝડપ્યું છે અને સર્વસમાજ અને સનાતન સમાજ માટે જે કાર્ય કરી રહ્યા છે એ ગતિ અને વ્યાપ સાથે આપણે પણ આ સમાજસેવામાં જોડાઈએ અને ગૌરવ લઈએ કે ગુજરાતીઓ માટે ગુજરાત સમાચાર જે પ્રવૃત્તિ કરે છે તેમાં આપણે સહુ ભાગ લઈએ.

કાંતિ નાગડા, સંગત સેન્ટર

સંગત સેન્ટરના સંચાલક કાંતિભાઇ નાગડાએ કાર્યક્રમના અંતે આભારવિધિ કરી હતી. ગુજરાત સ્થાપના દિન પર્વે આ ઝૂમ ઇવેન્ટમાં જોડાયેલા તમામ મહાનુભાવો દ્વારા ગુજરાત અને ગુજરાતની અસ્મિતા અંગે રજૂ કરાયેલા મંતવ્યો - અભિપ્રાયો - સૂચનોને આવકાર્યાં હતાં.

માયા દીપકના સૂરિલા કંઠે સંગીતની રસલ્હાણ

ગુજરાત દિનની ઉજવણી પ્રસંગે વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ ગુજરાતના ઇતિહાસ અને ભાવિ આયોજનો  -  અપેક્ષાની વાતો કરી હતી તો જાણીતા ગાયિકા માયા દીપકે ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી...’ અને ‘ઝિંદાદિલીથી છલછલોછલ જાત છે... ’ ગીતો રજૂ કરીને દર્શકોની ભરપૂર પ્રશંસા મેળવી હતી.

ગુજરાત દિનની ઉજવણી પ્રસંગે વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ ગુજરાતના ઇતિહાસ અને ભાવિ આયોજનો  -  અપેક્ષાની વાતો કરી હતી તો જાણીતા ગાયિકા માયા દીપકે ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી...’ અને ‘ઝિંદાદિલીથી છલછલોછલ જાત છે... ’ ગીતો રજૂ કરીને દર્શકોની ભરપૂર પ્રશંસા મેળવી હતી.

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી
ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત
જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી
ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત

ઉત્તર દક્ષિણ પૂર્વ કે પશ્ચિમ
જ્યાં ગુર્જરના વાસ
સૂર્ય તણાં કિરણો દોડે ત્યાં
સૂર્ય તણો જ પ્રકાશ
જેની ઉષા હસે હેલાતી તેનાં તેજ પ્રફુલ્લ પ્રભાત
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી
ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત
ગુર્જર વાણી ગુર્જર લહાણી ગુર્જર શાણી રીત
જંગલમાં પણ મંગલ કરતી ગુર્જર ઉદ્યમ પ્રીત
જેને ઉર ગુજરાત હુલાતી તેને સુરવન તુલ્ય મિરાત
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી
ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત
કૃષ્ણ દયાનંદ દાદા કેરી પુણ્ય વિરલ રસ ભોમ
ખંડ ખંડ જઈ ઝૂઝે ગર્વે કોણ જાત ને કોમ
ગુર્જર ભરતી ઉછળે છાતી ત્યાં રહે
ગરજી ગુર્જર માત
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી
ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત
અણકીધાં કરવાના કોડે અધૂરાં પૂરાં થાય
સ્નેહ શૌર્ય ને સત્ય તણા ઉર વૈભવ રાસ રચાય
જય જય જન્મ સફળ ગુજરાતી
જય જય ધન્ય અદલ ગુજરાત
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી
ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત
•••

ઝિંદાદિલીથી છલછલોછલ જાત છે...

ઝિંદાદિલીથી છલછલોછલ જાત છે, ગુજરાત છે,
નરશી ભગતનું ઝૂલતું પરભાત છે, ગુજરાત છે.
સ્નેહનો સાગર બધે છલકાય છે ગુજરાતમાં,
માનવીનો મરતબો જળવાય છે ગુજરાતમાં,
દ્વારકા, દાહોદ, વાપી બાયપાસ વડોદરા
એક હરિયાળી સફર થઈ જાય છે, ગુજરાતમાં.


comments powered by Disqus