દક્ષિણ ભારત સર કરવાના ભાજપના માર્ગમાં કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પરિણામોએ રોડાં અટકાવ્યાં છે. કર્ણાટક એકમાત્ર એવું દક્ષિણ ભારતીય રાજ્ય છે જ્યાં ભાજપને સત્તા હાંસલ થતી આવી છે. દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશ, તેલંગણા, તામિલનાડુ અને કેરળમાં ભાજપ ક્યારેય કાઠુ કાઢી શક્યો નથી. આ રાજ્યોમાં પેંઠ માટે કર્ણાટક ભાજપ માટે મહત્વનું રાજ્ય હતું જ્યાં જનાધાર ઊભો કરવામાં ભાજપને સફળતા હાંસલ થઇ હતી. કર્ણાટક ભારતના વિકસિત રાજ્યોની હરોળમાં આવે છે. આવા રાજ્યમાં સત્તા મળવી કોઇપણ રાજકીય પક્ષ માટે બમ્પર ડ્રો સમાન છે. અને આ વખતે લોટરી કોંગ્રેસના નામની ખુલી છે. વ્યૂહરચનાના મામલે ભાજપના ચાણક્ય ગણાતા અમિત શાહને કર્ણાટક કોંગ્રેસના સ્થાનિક વ્યૂહરચનાકારો એ માત આપી છે એ તો સ્વીકારવું જ રહ્યું. કર્ણાટકની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કરિશ્મા નિષ્ફળ ગયો છે. આ ચૂંટણી પરિણામોએ સંકેત આપી દીધો છે કે ફક્ત નરેન્દ્ર મોદીના નામ પર ચૂંટણી જીતી શકાશે નહીં. ભાજપના સ્થાનિક નેતાઓની નિષ્ક્રિયતા પણ તેમાં જવાબદાર રહી. કોંગ્રેસ દ્વારા બસવરાજની સરકાર પર મૂકાયેલા 40 ટકા કમિશનની સરકારના આરોપોએ ભાજપના પરાજયમાં મોટો ભાગ ભજવ્યો છે. અધૂરામાં ભાજપે ચૂંટણીની કમાન પૂર્વ સીએમ યેદિયુરપ્પાના હાથમાં સોંપી જેમને ભાજપના જ નેતૃત્વે ભ્રષ્ટાચારી ગણાવીને હાંકી મૂક્યા હતા. કોંગ્રેસે આ વખતે ભાજપના હિન્દુત્વ પર સીધો પ્રહાર કરવાનો પ્રયોગ કરી જોયો અને તેમાં તેને મહદ્દ અંશે સફળતા પણ મળી. કોંગ્રેસે બજરંગ દળ પર પ્રતિબંધ મૂકવા અને મુસ્લિમોને રદ કરાયેલી અનામત ફરી આપવાના વચનો આપ્યા. બજરંગ દળ પર પ્રતિબંધનો મુદ્દો વડાપ્રધાન મોદીથી માંડીને અનેક ભાજપ નેતાઓ દ્વારા પ્રચારમાં ઉછાળવામાં આવ્યો પરંતુ તે બૂમરેંગ સાબિત થયો. બજરંગ દળની છાપ ઉપદ્રવી સંગઠન તરીકેની છે અને તેની સરખામણી બજરંગબલિ સાથેની સરખામણીએ ઘણા હિન્દુઓને પણ નારાજ કર્યાં. સાથે સાથે મુસ્લિમ મતબેંક કોંગ્રેસના પક્ષમાં એકજૂથ થઇ એ નફામાં. ભાજપના પરાજય માટે તેના જ નારાજ નેતાઓ પણ જવાબદાર ગણી શકાય. ઘણા મોટા ગજાના નેતાઓ ટિકિટ ન મળવાના કારણે પક્ષ છોડી ગયાં અને સાથે સાથે તેમની જાતિઓના મતો પણ લેતાં ગયાં. તેનું મોટું નુકસાન ભાજપને વેઠવું પડ્યું. 2024ની લોકસભાની ચૂંટણીમાં વિજય મેળવવો હશે તો ભાજપે અત્યારથી દરેક રાજ્યમાં સક્રિય થવું પડશે.
