હું નહિ. તું નકલી એવી વાર્તા ભારતીય રાજકારણમાં વારંવાર થતી રહી છે અને દરેક સમયે છેલ્લો આશરો અદાલત રહી. છેક કોંગ્રેસથી તેની શરૂઆત થઈ તે હવે શિવસેના સુધી આવીને અટકી છે. એકાદ વર્ષથી શિવસેના સાચી કોણ એ સવાલ સત્તારોહણના વમળમાં છેવટનો જવાબ મેળવવા કોશિશ કરી અને નક્કી થઈ ગયું કે એકનાથ શીંદની સરકાર બરકરાર રહેશે, જો કે આ “અમે સોળ” ધારાસભ્યોએ લાયક કે ગેરલાયક એ સવાલ અદ્ધર લટકેલો રહ્યો છે.
પણ મહારાષ્ટ્રના “અઘાડી: રાજકારણ” નું ચક્કર અજબ છે. દેશના {કેટલાકના માટે દુનિયાના!) મોટા રાજકીય ખેલાડી શરદ રાવ પવારે હાથ પાછા ખેંચી લેવા પડ્યા તેના મૂળમાં ઉદ્ધવ ઠાકરે સરકાર નાકામ નીવડી તેનો આઘાત હતો. ભત્રીજાને તેના સ્થાને બેસાડી ના શ્ક્વમાં પવાર લાચાર હતા. ઉદ્ધવે તો વિના સલાહ રાજીનામું આપી દીધું તે અઘાડી સરકારના શરદ પવાર મોટાભા હતા. એમાં કશું નીપજયું નહિ અને રાષ્ટ્રીય પાર્ટીમાં જ ભાગલા પડે તેવી પરિસ્થિતિને ટાળવા શરદ રાવે રાજીનામું આગળ ધરી દીધું, પણ બે દિવસ પછી “કાર્યકર્તાની લાગણીને માન આપીને” પાછું ખેંચી લીધું. ત્યારે રાવને સુપ્રીમ કોર્ટના ચુકાદાનો કોઈ અણસાર આવી ગયો હશે?
બડબોલા સંજય રાઉતના જણાવ્યા પ્રમાણે વિધાનસભા અધ્યક્ષે રાહુલ નારવે સાથે કેન્દ્રના કાયદામંત્રીની બેઠક થઈ હતી ને ત્યાંજ કશુક રંધાયું હતું. સો વાતની એક વાત એ થઈ કે એકનાથ એકલા સાચા સત્તા-સૈનિક સાબિત થયા, અને તેમની સરકાર ટકી ગઈ છે. આનાથી લોકોના ચિત્તમાં અસલી સેના તો શીંદેની કહેવાય એવું ઠસી ગયું. ઉદ્ધવ અને શરદ પવાર માટે લગભગ અચ્યુતમ કેશવમ સાબિત થઈ ગયું. બાળાસાહેબ ના વારસદાર પ્રમાણિત ના થયા, તે આડકતરી રીતે અદાલત ના ચુકાદામાં જ કહેવાયું છે. ગૃહમાં અવિશ્વાસ ક વિશ્વાસનો પ્રસ્તાવ પ્રસ્તાવનો સામનો કરાવ્યા સિવાય જ તેણે પોતાની સરકારનું રાજીનામું આપી દીધું, હવે તેનું પુન:સ્થાપન થાય કઈ રીતે? જો કે અદાલતે રાજયપાલના પગલેને અનુચિત ઠેરવ્યું છેન એટ્લે આ “અમે સોળ” નો ચુકાદો છ ન્યાયમૂર્તિઓની નવી બેન્ચ કરશે, ત્યાં સુધી બધુ ઇધર ભી, ઉધર ભી રહેશે. એટ્લે શિવસેના માટે બંને છાવણી “શિવો અહમ” નો ખેલ પડી શકે છે.
એક વાત સાચી કે “સામના”માં કૈંક એવું લખાયું છે કે શરદ રાવ જેવા મોટા નેતા પણ રાજકીય ઉત્તરાધિકારી નક્કી ના કરી શક્યા. બીજી તરફ એવો અહેવાલ આવ્યો કે રાઉત શિવસેના છોડીને શરદ રાવની એનસીપી માં જોડાઈ શકે છે. પણ આ અહેવાલો ચુકાદા પહેલાના છે. ચુકાદા પછી રાજયનું રાજકારણ વધુ વિચિત્ર બનશે, એવું લાગે છે. શરદ રાવે તો મે મહિનાના કાળઝાળ ઉનાળામાં જ શરદોત્સવ ને સંકેલી લીધો છે, પણ તેનો અર્થ એ નથી કે તેઓ શાંત રહેશે. ખરેખર તો પરિસ્થિતિ જ એવી બની છે કે બાળાસાહેબ ને સ્વર્ગમાં પણ દંડો ઉઠાવવાનું મન થતું હશે!
અચ્યુતમ.. થી શિવો અહમ અને શરદોત્સવ સમાપ્તિ સુધીની કહાણી પૂરી થઈ નથી. “મહારાષ્ટ્ર દિવસ”ના દસ અગિયાર દિવસ પૂરા થયા પછી ની રાજકીય અફરાતફરી હજુ વધુ જોવા મળશે.

