સ્થાનિક કાઉન્સિલની ચૂંટણીઓમાં કન્ઝર્વેટિવ પાર્ટીના કારમા પરાજય બાદ રિશી સુનાકના નેતૃત્વ સામે ટોરીઝમાં ગણગણાટ શરૂ થઇ ગયો છે. ટોરી અસંતુષ્ટો હવે રિશી સુનાકને વિવિધ મુદ્દા પર ઘેરવાના પ્રયાસો કરી રહ્યાં છે. કોરોના મહામારીમાં બોરિસ જોન્સનના નેતૃત્વમાં સરકારની કામગીરી, જોન્સનના કૌભાંડોને કારણે ટોરીઝની પ્રતિષ્ઠા અને લોકપ્રિયતા તળિયે બેઠી હતી. બ્રિટિશ અર્થતંત્ર ધરાશાયી થઇ રહ્યું હતું. કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસનો ભોરિંગ સામાન્ય જનતાના જીવનો દોહ્યલાં બનાવી રહ્યો હતો. એવામાં જોન્સનના રાજીનામા બાદ વડાંપ્રધાન પદે ચૂંટાઇ આવેલા લિઝ ટ્રસ અને તેમના ચાન્સેલર ક્વાસી ક્વારતેંગ દ્વારા કરાયેલી આર્થિક હારાકિરીએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. આવી સ્થિતિમાં રિશી સુનાક વડાપ્રધાનપદે આરૂઢ થયાં. તેમને વારસામાં ઘણી સમસ્યાઓ મળી પરંતુ સત્તા હાથ ધરતાની સાથે જ તેમણે ટેક્સમાં વધારા સહિતના કડવા ડોઝ આપવાની સાથે બ્રિટિશ અર્થતંત્રને પાટા પર લાવવાનો સફળ પ્રયાસ કર્યો. એકતરફ ભલે કન્ઝર્વેટિવની લોકપ્રિયતા ઘટી રહી હોય પરંતુ રિશી સુનાકની લોકપ્રિયતામાં વધારો થવા લાગ્યો હતો. બ્રિટિશ જનતા રિશી સુનાક દ્વારા અપાયેલા કડવા ડોઝને સ્વીકારીને આગળ વધવામાં સાથ આપવા લાગી હતી. સુનાકના વિરોધીઓ પણ સ્વીકારે છે કે તેઓ મહેનતુ, કાબેલ અને પ્રમાણિક વ્યક્તિ છે. કોઇપણ સમસ્યાના ઉકેલ માટે સમય લાગે છે. રિશી સુનાક પણ ડહાપણભર્યા નિર્ણયો દ્વારા એક પછી એક સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે પરંતુ દરેક રાજકીય પક્ષમાં વિરોધી જૂથોનું અસ્તિત્વ હોય જ છે. સ્થાનિક કાઉન્સિલોની ચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટીને કારમો પરાજય વેઠવો પડ્યો છે તેમાં કોઇ શંકા નથી. આ ચૂંટણીના પરિણામના આધારે વિરોધી લેબર પાર્ટી તો અત્યારથી સંસદની ચૂંટણીમાં વિજયના સ્વપ્ન સેવવા લાગી છે. આવી સ્થિતિમાં કન્ઝર્વેટિવોએ એકજૂથ થઇ રિશી સુનાકને મહત્વના નિર્ણયોમાં સાથ આપવો જોઇએ જેથી આગામી સંસદની ચૂંટણીમાં કન્ઝર્વેટિવ સારો દેખાવ કરી શકે પરંતુ કેટલાક તકસાધુઓ સુનાકના નેતૃત્વ સામે સવાલો ઉઠાવી રહ્યાં છે. સુનાકને ખસેડી દેવાથી કન્ઝર્વેટિવ પાર્ટીની લોકપ્રિયતામાં રાતોરાત વધારો થઇ જવાનો નથી. એ માટે ટોરી સરકારે સંસદની ચૂંટણી પહેલાં મહત્વની કામગીરી કરી બતાવવી પડશે. એ માટે રિશી સુનાક યોગ્ય અને કાબેલ નેતૃત્વ આપી જ શકે છે.
