UNSCમાં ભારતે પાકિસ્તાનને આડે હાથ લીધું

Wednesday 18th January 2023 06:18 EST
 
 

વોશિંગ્ટનઃ ભારતના વિદેશપ્રધાન એસ. જયશંકરે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં ફરી એકવાર પડોશી દેશ દ્વારા સીમા પારથી ચલાવવામાં આવતા આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે પાકિસ્તાનનું નામ લીધા વિના તેને આડે હાથ લઈને ખરી ખરી સંભળાવી હતી. તેમણે કહ્યું કે જો સાપ પાળશો તો ડંખ મારશે જ. આતંકવાદનો સફાયો કરવા આખી દુનિયાને સાથે મળીને કામ કરવા તેમણે હાકલ કરી હતી. જયશંકરે કહ્યું હતું કે, સમગ્ર વિશ્વ સારી પેઠે જાણે છે કે પાકિસ્તાન આતંકવાદનું એપી સેન્ટર છે. આખા વિશ્વ સમક્ષ અલ કાયદા, ISIS, બોકો હરામ તેમજ અલ શબાબ જેવા આતંકી સંગઠનોનો ખતરો મંડરાયેલો છે. વૈશ્વિક સુરક્ષા માટે આવા આતંકી સંગઠનો હજી ખતરો સર્જી રહ્યા છે. આતંકનો ખતરો આજકાલ અગાઉ કરતા વધુ ગંભીરરૂપ ધારણ કરી રહ્યો છે. કેટલાક દેશમાં હજી આવા આતંકી સંગઠનો અસ્તિત્વમાં છે અને ફૂલીફાલી રહ્યા છે. આતંકી નેટવર્ક ધમધમી રહ્યું છે. તેમનો ઈશારો પાકિસ્તાન તરફ હતો.
પાકિસ્તાન આતંકવાદનું એપિ સેન્ટર
દક્ષિણ એશિયામાં આતંકવાદનું એપિ સેન્ટર ધમધમી રહ્યું છે. આતંકીઓને આશરો આપતા આવા દેશોએ સમજી લેવું જોઈએ કે સાપ પાળશો તો તે ડંખ મારશે જ. પાકિસ્તાનને કોઈની સલાહ પસંદ નથી તેવું લાગે છે પણ આખી દુનિયા તેને આતંકવાદનાં એપિ સેન્ટર તરીકે જોઈ રહી છે. જયશંકરે 26/11 2008ના રોજ મુંબઈમાં થયેલા આતંકી હુમલા વખતનો એક વીડિયો દર્શાવ્યો હતો. જેમાં નર્સ અંજલિ કુલથેનો મેસેજ દર્શાવાયો હતો. આ હુમલો પાક.માં સક્રિય લશ્કર એ તોયબા દ્વારા કરાવાયો હતો.


comments powered by Disqus