લંડન: બ્રિટનમાં અશ્વેત અને એશિયન સમુદાયો ટ્રાન્સપ્લાન્ટના અંગોની તીવ્ર અછતનો સામનો કરી રહ્યાં છે. અશ્વેત અને એશિયન સમુદાયના ઓર્ગન ડોનરની સંખ્યા નીચી રહેતાં આ અછત સર્જાઇ છે. NHSના વડાઓએ એશિયન, અશ્વેત અને અન્ય વંશીય લઘુમતી સમુદાયોને ઓર્ગન ડોનેશન માટે આગળ આવવા અપીલ કરી છે. ગયા વર્ષે એશિયન મૂળના ફક્ત 3 ટકા લોકો દ્વારા અંગદાન મળ્યું હતું. NHSના ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ વેઇટિંગ લિસ્ટમાં 18 ટકા એશિયન દર્દીઓ અંગદાન માટે રાહ જોઇ રહ્યાં છે.
NHS બ્લડ એન્ડ ટ્રાન્સપ્લાન્ટ ખાતે ઇક્વાલિટી વિથ ઓર્ગન ડોનેશન માટેના અગ્રણી નર્સ વિની એન્ડેન્ગોએ અપીલ કરતાં જણાવ્યું હતું કે, અંગ દાન માટે એશિયન અને અશ્વેત સમુદાયના લોકો સાથે ચર્ચા કરવાની તાત્કાલિક જરૂર છે. ગયા વર્ષના વેઇટિંગ લિસ્ટમાં અંગદાન માટે રાહ જોઇ રહેલા વંશીય લઘુમતી સમુદાયોના દર્દીઓની સંખ્યા 1967 હતી.
અશ્વેત દર્દીઓને ઓર્ગન ડોનેશન માટે 6 મહિનાથી વધુ રાહ જોવી પડે છે
NHSના આંકડા પ્રમાણે ઓર્ગન ડોનરોની અછતના કારણે અશ્વેત દર્દીઓને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ માટે સામાન્ય શ્વેત દર્દની સરખામણીમાં 6 મહિના વધુ રાહ જોવી પડે છે. ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટમાં સમાન સમુદાયની વ્યક્તિ દ્વારા અંગદાન કરાયું હોય તો તે દર્દીના શરીરમાં વધુ સફળ રહે છે. ગયા વર્ષે ફક્ત બે ટકા અશ્વેતોએ ઓર્ગન ડોનેટ કર્યાં હતાં. જ્યારે બ્રિટનની કુલ વસતીમાં અશ્વેતોની વસતી 4 ટકા છે. શ્વેત સમુદાયના પરિવારો કરતાં અશ્વેત સમુદાયના પરિવારો તેમના સંબંધીના અંગદાન માટે ઝડપથી સહમત પણ થતાં નથી.

