ઓસ્ટ્રેલિયામાં હિન્દુ મંદિર પર ભારત વિરોધી સૂત્રોચ્ચાર લખાયા

Tuesday 17th January 2023 06:23 EST
 
 

સિડનીઃ ઈંગ્લેન્ડ અને કેનેડા પછી હવે ખાલિસ્તાનીઓ ઓસ્ટ્રેલિયા પહોંચ્યા છે. ઑસ્ટ્રેલિયામાં ખાલિસ્તાની સમર્થકોએ એક હિન્દુ મંદિરની દિવાલો પર ભારત વિરોધી સૂત્રોચ્ચાર લખ્યા હતા. ઓસ્ટ્રેલિયા ટુડેના એક અહેવાલ મુજબ મેલબોર્નમાં હિન્દુ મંદિર પર ખાલિસ્તાન સમર્થકોએ હુમલો કર્યો હતો.
રિપોર્ટ મુજબ મેલબોર્નના ઉત્તરીય પરાં મિલ પાર્કમાં બીએપીએસનું સ્વામીનારાયણ મંદિર આવેલું છે. તેની દિવાલો પર ‘હિન્દુસ્તાન મુર્દાબાદ' લખાયું હતું. ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિરોધમાં પણ સૂત્રોચ્ચાર લખાયા હતા. આ હુમલાની ટીકા કરતા બીએપીએસ સ્વામીનારાયણ મંદિરે કહ્યું કે, અમે બર્બરતા અને ધૃણાના આ કૃત્યોથી ખૂબ જ દુઃખી અને સ્તબ્ધ છીએ.
અમે શાંતિ અને સદ્ભાવની પ્રાર્થના કરીએ છીએ. રિપોર્ટમાં કહેવાયું છે કે ખાલિસ્તાની જૂથે ભારતીય આતંકવાદી જરનૈલ સિંહ ભિંદરાનવાલેની પ્રશંસા પણ કરી છે. અલગ ખાલિસ્તાન દેશના સૌથી મોટા સમર્થક રહેલો ભિંદરાનવાલે ઓપરેશન બ્લૂસ્ટારદરમિયાન ઠાર મરાયો હતો.
એક સ્થાનિક જણાવ્યું કે, હું આજે સવારે મંદિર પહોંચ્યો ત્યારે બધી જ દિવાલો પર ખાલિસ્તાની સમર્થકોએ ભારત વિરોધી સૂત્રો લખ્યા હતા. આ ઘટનાથી સ્થાનિક હિન્દુ અને શીખ નેતાઓ પણ ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગયા હતા. નોર્ધર્ન મેટ્રોપોલિટન રીજનના લિબરલ સાંસદ ઈવાન મુલ્યોલેન્ડે કહ્યું કે, વિક્ટોરિયાના શાંતિપૂર્ણ હિન્દુ સમાજ પ્રતિ આ અયોગ્ય કૃત્ય ખૂબ જ પરેશાન કરનારું છે. મેલબોર્નમાં હિન્દુ સમાજે પોલીસ અને સાંસદોને આ અંગે ઔપચારિક ફરિયાદ નોંધાવી હતી. સાંસ્કૃતિક મંત્રી પણ એ જ જગ્યાએથી આવે છે, જ્યાં આ ઘટના ઘટી હતી. કેરળ હિન્દુ એસોસિએશને પણ આ ઘટનાની ટીકા કરી હતી.


comments powered by Disqus