કામદારોની અછત પૂરી કરવા ઇમિગ્રેશન નિયમોમાં છૂટ નકારતા સુનાક

Tuesday 17th January 2023 06:03 EST
 
 

લંડન: વડાપ્રધાન રિશી સુનાકે લેબર માર્કેટમાં કામદારોની અછતને પૂરી કરવા માટે ઇમિગ્રેશન પરના નિયમો હળવા બનાવવાની બિઝનેસ જગતની અપીલો નકારી કાઢી છે. વડાપ્રધાન સુનાક અને ચાન્સેલર જેરેમી હન્ટે બિઝનેસ લીડર્સને જણાવ્યું હતું કે, 2023માં બ્રિટનમાં કામદારોની અછત નિવારવાનો એજન્ડા સરકારની ટોચની પ્રાથમિકતા રહેશે. માર્ચ મહિનામાં રજૂ થનારા બજેટમાં આ મુદ્દાને કેન્દ્રસ્થાને રખાશે. સરકાર 50 વર્ષથી વધુ વયના કામદારો તેમજ બીમારોને પુનઃ નોકરી શરૂ કરાવવાના પ્રસ્તાવો પર કામ કરી રહી છે. લોકો નોકરીઓ ચાલુ રાખે તે માટેના પ્રયાસોને પ્રાથમિકતા આપી રહી છે.
ઇમિગ્રેશનમાં વધારો કરવામાં સરકારના ખચકાટની ઉગ્ર ટીકા કરવામાં આવી રહી . પૂર્વ ટોરી ચાન્સેલર ફિલિપ હેમન્ડે જણાવ્યું હતું કે, આપણને ગમે કે ન ગમે પરંતુ આપણા અર્થતંત્રને સમૃદ્ધ બનાવવા માટે બ્રિટનને કામદારોની તાતી જરૂર છે. નોકરીઓ માટે આપણને લાખો વિદેશી કામદારોની જરૂર છે પરંતુ હાલ તે દિશામાં કોઇ કામ કરાતું નથી. તેના કારણે આપણા જીડીપી વૃદ્ધિદર પર અસર પડી રહી છે.
બિઝનેસ લીડર્સે વિદેશી કામદારો યુકેમાં કામ માટે વિઝા પ્રાપ્ત કરી શકે તે માટે સરકારના વ્યવસાય લિસ્ટને વધુ વિસ્તારવાની માગ કરી છે પરંતુ તેઓ અંગત રીતે એમ પણ માની રહ્યાં છે કે બ્રેક્ઝિટ બાદ સરકારે ઇમિગ્રેશનના મામલાને અભેરાઇ પર ચડાવી દીધો છે. બિઝનેસ લીડર્સ જણાવે છે કે અમારી પાસે પુરતા પ્રમાણમાં ઓર્ડર છે પરંતુ કર્મચારીઓની અછતના કારણે તે પૂરા કરવા મુશ્કેલ બની રહ્યાં છે. ઉત્પાદકો પાસે વિદેશી કામદારો નિયુક્ત કર્યા વિના બીજો કોઇ વિકલ્પ નથી.


comments powered by Disqus