પાકિસ્તાન ધરાશાયી થવાની કગાર પર, ભ્રષ્ટ નેતાઓ અને સેનાના પાપે જનતા ભૂખમરામાં ધકેલાઇ

Wednesday 18th January 2023 05:03 EST
 

ભારતની સાથે જ બ્રિટિશ ગુલામીમાંથી આઝાદ થયેલો પાકિસ્તાન રાજકારણીઓ અને સેનાના પાપે ધરાશાયી થવાના આરે છે. પાકિસ્તાનમાં આજે જનતા એક કિલો લોટ માટે તડપી રહી છે. લોટ મેળવવા માટેની ધક્કામુક્કીમાં લોકો જીવ ગુમાવી રહ્યાં છે. પાક.નું અર્થતંત્ર ધરાશાયી થવાના આરે છે. દેશ પાસે ફક્ત એક સપ્તાહની આયાતો માટે વિદેશી  હુંડિયામણ બચ્યું છે. પાક. વડાપ્રધાન અને સેનાધ્યક્ષ ભીખનો કટોરો લઇને મીડલ ઇસ્ટના દેશોના આંટાફેરા કરી રહ્યાં છે. સાઉદી અરબ અને અન્ય દેશો પાકિસ્તાનને ઘણી લોન આપી ચૂક્યાં છે અને તેના હપ્તા ચૂકવવા માટે પણ પાકિસ્તાન પાસે પૈસા નથી. પાક. આર્મી ચીફ જનરલ આસિમ મુનીર સાઉદીના પ્રિન્સ સલમાન અને યુએઇના વડા સાથે મદદની ભીખ માગી ચૂક્યા છે પરંતુ તેમના દ્વારા હજુ સહાયની કોઇ સત્તાવાર જાહેરાતો કરાઇ નથી. પાકિસ્તાનની આ સ્થિતિ માટે ત્યાંના ભ્રષ્ટ રાજકારણીઓ અને સેના જવાબદાર છે. પાકિસ્તાનની રચના થઇ ત્યારથી અત્યાર સુધીમાં ત્યાંની સરકારો અને સરમુખત્યાર લશ્કરી શાસકોએ જનસુવિધાઓ કરતાં શસ્ત્રો પાછળ વધુ નાણા વેડફ્યાં છે. જનકલ્યાણ કરતાં ભારતમાં આતંકવાદ ફેલાવવા માટે પાક. સરકારોએ વધુ નાણા ખર્ચ્યાં છે. પાક.માં શિક્ષણ કરતાં સેનાનું બજેટ 6 ગણું વધારે છે. પાકિસ્તાનમાં મોટાભાગના ઉદ્યોગ અને વેપાર બિઝનેસમેનના નહીં પરંતુ સેનાના અધિકારીઓના કબજામાં છે. સેનાધ્યક્ષો હજારો એકર જમીનો પર કબજો જમાવીને બેઠાં છે. દેશનું મોટાભાગનું ધન સેનાના અધિકારીઓ અને રાજકીય નેતાઓના કબજામાં છે. પાકિસ્તાની સેના અને રાજકીય નેતાઓના ભ્રષ્ટાચારે દેશની ઘોર ખોદી નાખી છે. સેનાનો દરેક વ્યક્તિ તેના હોદ્દા અને રેન્ક પ્રમાણે નાણા બનાવે છે. હવાલદારો ચેકપોસ્ટ પર થોડા સો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરે છે તો ઉચ્ચ રેન્ક ધરાવતા સેનાના અધિકારીઓનો ભ્રષ્ટાચાર કરોડો રૂપિયામાં છે. પાકિસ્તાની સેનાના દરેક જનરલે નિવૃત્ત થતાં પહેલાં વિદેશોમાં અબજો ડોલર જમા કરાવી દીધાં છે. ફિલ્ડ માર્શલ અયુબ ખાનથી માંડીને હાલના જનરલ અસિમ મુનીરના ખજાના અબજો ડોલરથી ભરેલા રહ્યાં છે. સેનાએ બાકી છોડ્યું હતું તેને નેતાઓ હજમ કરી ગયાં અને આજે એ નોબત આવી છે કે પ્રજાને લોટના પણ ફાંફાં છે. નવાઝ શરીફ, આસિફ અલી ઝરદારી કે ઇમરાન ખાન. દરેક નેતાઓ પોતાની જ તિજોરીઓ ભરી છે. પરમાણુ શક્તિ હોવાની શેખી પણ પાકિસ્તાનની જનતાનું પેટ ભરવામાં સક્ષમ નથી. ભારત સામેના ચાર ચાર યુદ્ધમાં પછડાટ છતાં ભાનમાં ન આવેલા પાકિસ્તાની શાસકોએ જનતાને ભૂખમરામાં ધકેલીને ભારતમાં આતંકવાદ ફેલાવવા અબજો રૂપિયાનું પાણી કરી નાખ્યું. ભારતની જેમ પરમાણુ ક્ષમતા હાંસલ કરવા પાકિસ્તાની શાસકોએ પાણીની જેમ નાણા વેડફ્યાં પરંતુ પોતાની પ્રજાના કલ્યાણ માટે કોઇ પગલાં ન ભર્યાં. પહેલાં અમેરિકાની રહેમ અને દયા પર જીવતા પાકિસ્તાને અમેરિકાના જાકારા બાદ ચીનનું શરણું સ્વીકાર્યું અને દેશના અર્થતંત્રને પાયમાલ કરી નાખ્યું. પાકિસ્તાનને આર્થિક સહાય આપતાં પહેલાં વિશ્વના વિકસિત દેશો 100 વાર વિચાર કરી રહ્યાં છે. પાકિસ્તાની શાસકોના પાપ નિર્દોષ જનતા ભોગવી રહી છે. હવે આ જનતા પાકિસ્તાનની સાથે રહેવા પણ તૈયાર નથી. બલોચિસ્તાનના લોકો અલગ દેશની માગ કરી રહ્યાં છે તો પાકિસ્તાની કબજા હેઠળના કાશ્મીરમાં લોકો ભારતમાં જોડાઇ જવાની માગ સાથે સડકો પર દેખાવો કરી રહ્યાં છે. ટૂંકમાં પાકિસ્તાન એક નિષ્ફળ દેશ પૂરવાર થઇ રહ્યો છે.


comments powered by Disqus