લંડન: બ્રિટનમાં અમીર અને ગરીબ વચ્ચેની ખાઇ વધુ વિકરાળ બની રહી છે. બ્રિટનના 1 ટકા સૌથી અમીર વ્યક્તિઓ 66 ટકા સામાન્ય જનતાની કુલ સંપત્તિ જેટલી સંપત્તિની માલિકી ધરાવે છે. 28 બિલિયન પાઉન્ડની સંપત્તિ ધરાવતા હિન્દુજા પરિવાર, 23 બિલિયન પાઉન્ડની સંપત્તિ ધરાવતા સર જેમ્સ ડાયસન, 10 બિલિયન પાઉન્ડની સંપત્તિ ધરાવતા સર જિમ રેટક્લિફ સહિત 6,85,000 અમીર બ્રિટિશર દેશના અન્ય 4 કરોડ 80 લાખ બ્રિટિશરોની કુલ સંપત્તિ જેટલી સંપત્તિના માલિક છે. ઓક્સફામના એક રિપોર્ટ અનુસાર કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસ મધ્યે બ્રિટનમાં આર્થિક અસમાનતા વ્યાપક બની રહી છે. છેલ્લા બે વર્ષમાં અમીરો વધુ અમીર બન્યા છે અને ગરીબો વધુ ગરીબ બન્યા છે.
છેલ્લા એક દાયકામાં બ્રિટનમાં અબજોપતિઓની સંખ્યા બમણી થઇ છે. જેના કારણે સખાવતી સંસ્થાઓ અને થિન્ક ટેન્ક અમીરો પરના ટેક્સમાં વધારો કરવાની માગ કરી રહ્યાં છે.
હિન્દુજા ગ્રુપના શ્રી અને ગોપી હિન્દુજા સન્ડે ટાઇમ્સના રિચ લિસ્ટમાં ટોચના સ્થાને પહોંચી ગયાં છે. તેમની સંપત્તિ વધીને 28.47 બિલિયન પાઉન્ડ પર પહોંચી ગઇ છે. લિસ્ટમાં બીજા સ્થાને રહેલા વેક્યુમ મોગલ સર જેમ્સ ડાયસન અને પરિવારની સંપત્તિ 2022માં 6.7 બિલિયન પાઉન્ડ વધીને 23 બિલિયન પાઉન્ડ પર પહોંચી ગઇ છે.
વડાપ્રધાન રિશી સુનાક અને તેમના પત્ની અક્ષતા મૂર્તિની સંયુક્ત સંપત્તિ 730 મિલિયન પાઉન્ડની આસપાસ અંકાય છે.
2021 અને 2022માં વિશ્વના 1 ટકા અમીરોએ 21 ટ્રિલિયન પાઉન્ડની કમાણી કરી
એક અંદાજ પ્રમાણે વર્ષ 2021 અને 2022માં વિશ્વના એક ટકા અમીર લોકોએ 21 ટ્રિલિયન પાઉન્ડની કમાણી તેમની તિજોરીમાં જમા કરાવી હતી. ગ્લોબલ ઇકોનોમીમાં થયેલી આવક કરતાં આ રકમ બમણી ગણી શકાય.
વિશ્વના એક ટકા અમીરો સમગ્ર વિશ્વની બાકીની કુલ સંપત્તિ કરતાં બમણી સંપત્તિ ધરાવે છે. ફુગાવાએ માઝા મૂકી છે તેવા દેશોમાં 170 કરોડ શ્રમિકો છે. વિશ્વમાં 82 કરોડ લોકોને એક ટંકનું પુરતું ભોજન પણ પ્રાપ્ત થતું નથી.
બ્રિટનના ટોપ ટેન અમીર
1. હિન્દુજા પરિવાર 28.47 બિલિયન પાઉન્ડ 11.47 બિલિયન પાઉન્ડનો વધારો
2. સર જેમ્સ ડાયસન પરિવાર 23 બિલિયન પાઉન્ડ 6.7 બિલિયન પાઉન્ડનો વધારો
3. ડેવિડ-સાયમન રેઉબેન પરિવાર 22.26 બિલિયન પાઉન્ડ 800 મિલિયન પાઉન્ડનો વધારો
4. સર લિઓનાર્ડ બ્લાવેટનિક 20 બિલિયન પાઉન્ડ 3 બિલિયન પાઉન્ડનો ઘટાડો
5. ગ્વિલૌમ પૌસાઝ 19.25 બિલિયન પાઉન્ડ 13.71 બિલિયન પાઉન્ડનો વધારો
6. લક્ષ્મી મિત્તલ પરિવાર 2.32 બિલિયન પાઉન્ડનો વધારો
7. વેટસન પરિવાર 13.5 બિલિયન પાઉન્ડ 2.5 બિલિયન પાઉન્ડનો વધારો
8. કર્સ્ટન અને જોર્ન રાઉસિંગ 12 બિલિયન પાઉન્ડ 1 બિલિયન પાઉન્ડનો ઘટાડો
9. શાર્લિન દ કારવાલો 11.42 બિલિયન પાઉન્ડ 592 મિલિયન પાઉન્ડનો ઘટાડો
10. માઇકલ પ્લેટ 2 બિલિયન પાઉન્ડનો વધારો

