ભારતની બોલબાલા, 2023માં અમેરિકી વિદેશ નીતિમાં ભારત કેન્દ્ર સ્થાને રહેશે

Wednesday 18th January 2023 05:02 EST
 

21મી સદીના પ્રારંભ પહેલાં ભારતની બિનજોડાણવાદી વિદેશ નીતિના કારણે અમેરિકાની વૈશ્વિક કૂટનીતિમાં ભારતની અવગણના થતી હતી. રશિયા પ્રત્યેના ઝોકના કારણે અમેરિકી સરકારો ભારતથી અંતર જાળવતી હતી પરંતુ 1991માં ભારતે મુક્ત બજાર વ્યવસ્થા અને અમેરિકા સાથેના દ્વિપક્ષીય સંબંધો મજબૂત બનાવવાની દિશામાં આગેકૂચ કર્યા બાદ અમેરિકી વિદેશનીતિમાં ભારતના મહત્વને સ્વીકારવામાં આવ્યું હતું. ભારતીય ઉપખંડમાં પગદંડો જમાવી રાખવા અમેરિકાએ દાયકાઓ સુધી પાકિસ્તાનનો ઉપયોગ કર્યો પરંતુ પાકિસ્તાનની આતંકવાદી પ્રવૃત્તિઓમાં સંડોવણી અને ચીનની વધી રહેલી આર્થિક અને લશ્કરી શક્તિઓ સામે પોતાના હિતોની જાળવણી માટે અમેરિકાને દક્ષિણ એશિયામાં ઝડપથી આર્થિક વિકાસ કરી રહેલા ભારતનું મહત્વ સમજાયું હતું. હાલ ઇન્ડો-પેસેફિકમાં સાઉથ ચાઇના સીનો મામલો ઉકળતા ચરૂ જેવો છે. તે ઉપરાંત રશિયા અને ચીનની નવી રચાઇ રહેલી ધરી સામે એશિયામાં ભારત એક મજબૂત સાથી દેશ પૂરવાર થઇ શકે તે અમેરિકી શાસકોને સમજાઇ ગયું છે. અમેરિકા હવે ચીનને નાથવા માટે એશિયામાં ભારત ઉપરાંત ઓસ્ટ્રેલિયા અને જાપાનની મદદ લઇ રહ્યો છે. આ માટે આ ચારે દેશોએ મળીને ક્વોડ નામના સંગઠનની રચના કરી છે. ગયા સપ્તાહમાં અમેરિકા અને જાપાન વચ્ચે મહત્વના આર્થિક અને લશ્કરી કરારો થયાં. હવે અમેરિકાની નજર ભારત પર છે. વોશિંગ્ટ્નની થિન્ક ટેન્કો માને છે કે ઇન્ડો –પેસેફિક ક્ષેત્રમાં પ્રભુત્વ માટે અમેરિકા અને તેના સાથીદેશો ભારતની ભુમિકા વધારવા માગે છે. અમેરિકાની ઇચ્છા છે કે તેની કૂટનીતિમાં ભારતની એક જવાબદાર ભુમિકા હોય. અમેરિકાનું સહયોગ માટેનું પરંપરાગત મોડેલ હવે નવા ચરણમાં પ્રવેશી રહ્યું છે. ભારત ક્વોડનો સભ્ય દેશ હોવા ઉપરાંત આ વર્ષે જી-20ની પણ અધ્યક્ષતા કરી રહ્યો છે તેથી અમેરિકી વિદેશનીતિમાં ભારતને કેન્દ્ર સ્થાન મળે તેવી સંભાવના છે. ભારતના રશિયા સાથે પણ મજબૂત સંબંધો છે અને તે અત્યાર સુધી શસ્ત્રો માટે રશિયા પર મોટો મદાર રાખતો આવ્યો છે તેથી જ ભારત યુક્રેન યુદ્ધના મામલે રશિયાની ખુલીને ટીકા કરતો નથી. અમેરિકા ઇચ્છે છે કે ભારત રશિયા પર મિલિટરી સપ્લાયના મામલામાં આધાર રાખવાનું બંધ કરે. આ માટે અમેરિકા ભારતને તમામ સહાયની ખાતરી આપી રહ્યો છે. તેની સામે દક્ષિણ એશિયામાં ચીનની તાકાતને પડકાર આપવા માટે અમેરિકાને ભારતની જરૂર છે. અમેરિકા જાણે છે કે દક્ષિણ એશિયામાં ભારત એક વ્યૂહાત્મક સ્થાન ધરાવે છે. ભારતમાં નરેન્દ્ર મોદી સત્તા પર આવ્યા બાદ વૈશ્વિક સ્તરે ભારતના કદમાં વધારો થયો છે. દરેક દેશ હવે ભારતની આણ સ્વીકારી રહ્યાં છે. યુક્રેન યુદ્ધની સમાપ્તિ માટે વિશ્વ નેતાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મધ્યસ્થીની અપીલ કરી રહ્યાં છે. અમેરિકાને તેની વિદેશ નીતિમાં ભારતની મહત્વતાને સ્વીકારવા સિવાય બીજો કોઇ છૂટકો નથી. 2023માં વૈશ્વિક પ્રવાહોમાં અમેરિકા ભારતને કેન્દ્ર સ્થાને રાખીને કૂટનીતિ આગળ વધારે તેમાં શંકાને કોઇ સ્થાન નથી.


comments powered by Disqus