કિવાઃ રશિયા અને યૂક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને એક વર્ષ પૂરું થવામાં છે. બંને દેશો તરફથી સતત એકબીજા પર હુમલા થઈ રહ્યા છે. યુક્રેનને યુદ્ધ માટે અન્ય દેશો તરફથી મદદ મળી રહી છે. રશિયા પોતાના જંગી શસ્ત્ર સરંજામની તાકાત થકી યુદ્ધ લડી રહ્યું છે. જોકે હવે અમેરિકા અને યુક્રેનના અધિકારીઓ દાવો કરી રહ્યા છે કે, હવે 75 ટકા જેટલા રશિયન હથિયારો વપરાઈ ચૂક્યા છે. અધિકારીઓનું કહેવું છે કે, હથિયારોનો પુરવઠો ઘટતાં રશિયન હુમલા પણ કદાચ ઘટી શકે છે. અમેરિકી અને યુક્રેનના અધિકારીઓએ જણાવ્યું કે આક્રમણના આરંભિક દિવસોમાં રશિયા ખૂબ ઝડપથી યુક્રેન પર હુમલો કર્યો હતો, પરંતુ જેમ જેમ યુદ્ધ લંબાવા લાગ્યું તેમ તેમ શસ્ત્રસરંજામ અને હથિયારોનો પુરવઠો ઘટવા લાગતાં હુમલાની ગતિ પણ મંદ પડતી ગઈ. રશિયન હથિયાર પુરવઠામાં મોટું ગાબડું પડતાં રશિયન હુમલા પણ મંદ પડ્યા. બીજી તરફ યૂક્રેનને પશ્ચિમના દેશો તરફથી સૈન્ય મદદ સતત વધી રહી છે. અમેરિકા અને જર્મનીએ તાજેતરમાં જ પહેલી વાર જણાવ્યું કે, યૂક્રેનની સેનાને તે બખ્તરબંધ લડાયક વાહનો પૂરા પાડવા ઉપરાંત પેટ્રિયટ મિસાઇલ્સ પણ પૂરા પાડશે. રશિયાએ બે દિવસમાં બીજી વખત યુક્રેન પર ધડાધડ 60 જેટલી મિસાઇલો ઝીકી છે. રાજધાની કિવમાં દક્ષિણ-પશ્ચિમી જિલ્લા હોલોસિવથી તથા પૂર્વના જિલ્લા અને ડેસ્ત્યાનસ્ક્લીમાં વિસ્ફોટોના અવાજ સંભળાયા હોવાનું કિવના મેયરે જણાવ્યું. જોકે, મિસાઇલો નિર્ધારિત ટાર્ગેટ પર ત્રાટકી હતી કે પછી ધડાકા યૂક્રેનના એર ડિફેન્સના હતા તે સ્પષ્ટ થયું નથી.

