ગુજરાત સમાચાર દ્વારા ‘મા આદ્યશક્તિ’ની આરાધના

Wednesday 18th October 2023 06:25 EDT
 
 

- બાદલ લખલાણી
ગુજરાત સમાચાર દ્વારા નવરાત્રી નિમિત્તે ‘મા આદ્યશક્તિ આરાધના’ની બે વખત ખાસ ઝૂમ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું, જેમાં દેશ-વિદેશના ગુજરાતી સમાજના લોકો એકત્ર થયા હતા.
ગુજરાત સમાચારના કન્સલ્ટિંગ એડિટર કોકિલાબહેન પટેલે કાર્યક્રમનું સંચાલન કરતાં હાજર સૌકોઈને મા આદ્યશક્તિના પાવન પર્વની શુભેચ્છા પાઠવી હતી. કોકિલાબહેને જણાવ્યું કે, નવરાત્રી પર્વ પહેલાં માતાની આરાધના કરતો ખાસ કાર્યક્રમ આયોજ્યો છે. આદ્યશક્તિ જગદંબાએ વિકરાળ રાક્ષસ મહિષાસુર સામે સતત નવ દિવસ યુદ્ધ કરીને દસમા દિવસે તેનો વધ કર્યો હતો, આથી મા જગદંબા મહિષાસુર મર્દિનીના નામથી ઓળખાયાં. આ નિમિત્તે આપણે દશેરાની ઉજવણી કરીએ છીએ. આ સિવાય જોઈએ રામાયણ મુજબ ભગવાન શ્રીરામે સતત નવ દિવસ રાવણ સામે યુદ્ધ લડી દૈવીશક્તિની ઉપાસનાથી મેળવેલા બાણથી દસમા દિવસે એટલે કે દશેરાએ તેનો વધ કર્યો હતો.
આ દિવસોમાં માતાની આરાધના દેશનાં તમામ રાજ્યોમાં વિવિધ રીતે થાય છે. ગુજરાતમાં આ ઉજવણી ગરબા, પૂજા અને આરતી કરીને આ ઉજવણી થાય છે. ગુજરાતી કવિ અવિનાશભાઈ વ્યાસે મા જગદંબાના ગુણગાન ગાતાં સુંદર રચના રચી છે, જેમાં ‘માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો’. આવી જ અનેક રચના-ગરબા અને આરતીઓ લઈને માયાબહેન દીપક અમદાવાદથી લંડન આવ્યાં છે. માયાબહેન સિવાય મીનાબહેન ત્રિવેદી પણ તેમના સૂરીલા કંઠથી આપણને મા અંબાનાં ગરબા, આરતીનો લાભ આપવા પધાર્યા છે.
કાર્યક્રમની શરૂઆતમાં માયાબહેન દીપક દ્વારા ‘યા દેવી સર્વ ભુતેષુ’ સ્તુતિ પ્રસ્તુત કરવામાં આવી. જે બાદ માયાબહેન દીપક દ્વારા ‘માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો’, ‘આરાસુરની અંબિકા’, પ્રાચીન ગરબો ‘એક વણઝારી ઝૂલણ’, ‘સોનલ ગરબો શિરે’ ગરબો રજૂ કરવામાં આવ્યાં હતાં. મીનાબહેન ત્રિવેદી દ્વારા પણ ‘કુમકુમનાં પગલાં પડ્યાં’, ‘આવો તો રમવા ને...’, ‘અમે મહિયારા રે...’, ‘મા પાવાગઢથી ઉતર્યાં મહાકાળી રે...’, ‘હે રંગલો જામ્યો કાલિન્દરીને ઘાટ’ ગરબો પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. આ સિવાય વંદનાબહેન સોમૈયા દ્વારા ‘નવ-નવ માનાં નોરતાં આવ્યાં’
જ્યોત્સનાબહેન શાહ, કન્સલ્ટિંગ એડિટર
જ્યોત્સનાબહેન શાહે કહ્યું કે, નવરાત્રીના પર્વ અંગે આપ સૌને અભિનંદન. નવરાત્રીનો આ પર્વ રોમેરોમમાં ઉત્સાહ ભરી દે છે. માતાજીનાં વિવિધ સ્વરૂપોનાં ગુણગાન ગાતાં ગરબે ઘુમતી બહેનોના થનગનાટમાં દૈવીશક્તિનાં જ દર્શન થાય છે.
પૂજાબહેન રાવલ, બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર
કાર્યક્રમ દરમિયાન પૂજાબહેન રાવલે જણાવ્યું કે, ગુજરાત સમાચારે 50 વર્ષ પૂર્ણ કરી 51મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. આ સફર અમારા વાંચકો, એડવર્ટાઇઝર્સ અને સપોર્ટ વિના અધૂરો હતો. અમારા વાંચકો લાગણીસભર રીતે અવિરત અમારી સાથે જોડાયેલા છે. અમારા વાંચકો સતત અમને સૂચનો આપતા રહે છે. વાંચકો અમને છ મહિનાથી ફોન અને પત્રો દ્વારા જાણ કરી રહ્યા છે કે, અત્યારના સમયમાં પ્રિન્ટિંગ, મેઇલ, પોસ્ટિંગમાં જે ભાવવધારો થઈ રહ્યો છે, તો ગુજરાત સમાચારના લવાજમમાં પણ વધારો જરૂરી છે. આ વાંચકોના માર્ગદર્શન અને સૂચનોને માન આપી અમે 6 વર્ષ બાદ લવાજમના દરમાં 1 નવેમ્બરથી વધારો કરી રહ્યા છીએ. અમે અમારા વાંચકોને વિનંતી કરીએ છીએ કે, તમામ સગાંસંબંધી, મિત્રોને આ અંગે ખાસ માહિતગાર કરો, જેથી તેઓ પણ જૂના લવાજમ દરનો લાભ લઈ શકે. આ સાથે ખાસ જણાવવાનું કે અમે નવેમ્બર દિવાળી અંક પણ પ્રકાશિત કરી રહ્યા છીએ, તો ચૂકશો નહીં. અમારા સેવાયજ્ઞ અને જ્ઞાનયજ્ઞની ઝુંબેશમાં તમે પણ ભાગ લો, તમારા સહયોગની અમે અપેક્ષા રાખીએ છીએ.
કાર્યક્રમ દરમિયાન સોનુબહેન મલકાની દ્વારા ‘જય જય વૈષ્ણોદેવી મા’ની આરતી લલકારવામાં આવી હતી.
મહેશ લીલોરિયા, ગ્રૂપ એડિટર
ગુજરાત સમાચારના ગ્રૂપ એડિટર મહેશભાઈ લીલોરિયાએ કહ્યું કે, આ મંચ પર આદ્યશક્તિના આરાધકોએ હાજર સૌકોઈને જે ભક્તિરસમાં તરબોળ કર્યા છે, જેનાથી આજનો દિવસ સાર્થક થયો છે. અમને આ પ્રવૃત્તિનો વિચાર આપનારા સી.બી. પટેલ, એ વિચારને મૂર્ત રૂપ આપનારાં ગુજરાત સમાચારની શક્તિના સ્રોત કોકિલાબહેન પટેલ અને જ્યોત્સનાબહેન શાહનો આભાર વ્યક્ત કરું છું. આ ઇવેન્ટમાં અમારાં માર્કેટિંગ મેનેજર દ્વારા લવાજમ અંગેની મહત્ત્વની જાણકારી પણ આપવામાં આવી. જે રીતે બધા જોડાયા છે એવું લાગતું હતું કે આદ્યશક્તિ મા અંબા અહીં પ્રગટ થયાં છે. આપણે સૌએ મનમાં ઉત્તમ ભાવના ભરી. આવો આપણે સૌ એકત્ર થઈ અખિલ બ્રહ્માંડમાં માતાજીનો જયનાદ કરીએ.


comments powered by Disqus