લંડનઃ બ્રિટનના વડાપ્રધાન રિશી સુનાક ગુરુવારે ઇઝરાયેલ પ્રત્યેના યુકેના સમર્થનની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવા ઇઝરાયેલની મુલાકાતે પહોંચ્યા હતા. સુનાકે ઇઝરાયેલના પ્રમુખ ઇસ્હાક હેરઝોગ અને વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહૂ સાથે બેઠકો યોજી ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલી લડાઇની સમીક્ષા કરી હતી.
ઇઝરાયેલી પ્રમુખ હેરઝોગ સાથેની મુલાકાત બાદ સુનાકે જણાવ્યું હતું કે, તમારા દેશ, તમારા લોકની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને હમાસના કબજામાં રહેલા બંધકોને પાછા લાવવાના તમારા અધિકાર માટે અમે પ્રતિબદ્ધતાથી તમારી પડખે છીએ. હું તો એમ કહીશ કે તેમ કરવાનો તમને અધિકાર જ નહીં પરંતુ એ તમારી ફરજ પણ છે જેથી તમારા દેશની સુરક્ષા પુનઃસ્થાપિત કરી શકાય. સુનાક અને હેરઝોગ ગાઝામાં વસતા પેલેસ્ટિનિયનોને તાત્કાલિક માનવીય સહાય પૂરી પાડવાના મહત્વ મુદ્દે પણ સહમત થયાં હતાં.
ઇઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહૂ સાથેની મુલાકાત બાદ રિશી સુનાકે જણાવ્યું હતું કે, યુકે ઇચ્છે છે કે આતંકવાદ સામેની આ લડાઇમાં ઇઝરાયેલનો વિજય થાય. તમે આ સમયને ઇઝરાયેલ માટે સૌથી કપરો કાળ ગણાવ્યો છે. તમારા કપરા કાળમાં તમારી સાથે ઊભા રહેવાનું અમને ગૌરવ છે. એક મિત્ર તરીકે અમે તમારી પડખે પ્રતિબદ્ધતાથી ઊભા રહીશું. અમે તમારા લોકની સાથે છીએ અને ઇચ્છીએ છીએ કે તમારો વિજય થાય.
ગાઝા પટ્ટીમાં વસતા પેલેસ્ટેનિયનો હમદર્દી જતાવતા રિશી સુનાકે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસના ઘટનાક્રમથી અમે ઘણા આઘાતમાં છીએ. દરેક નિર્દોષ જીવન ગુમાવવા માટે અમે શોકગ્રસ્ત છીએ. અમે દરેક દેશના, દરેક ધર્મના મૃતકો પ્રત્યે સંવેદના પ્રગટ કરીએ છીએ. પેલેસ્ટિનિયન લોકો પણ હમાસથી પીડિત છે. અમે ઇજિપ્ત સરહદથી ગાઝામાં માનવીય સહાય પહોંચાડવાના નેતાન્યાહૂના નિર્ણયને આવકારીએ છીએ.
સુનાકે નેતાન્યાહૂને જણાવ્યું હતું કે અમે વાકેફ છે કે ઇઝરાયેલ નાગરિકોની સુરક્ષા માટે દરેક સાવચેતી રાખી રહ્યો છે. જેની સામે હમાસ કોઇપણ પ્રકારે નાગરિકોને નુકસાન પહોંચાડવા માગે છે. બ્રિટિશ બંધકોની મુક્તિ માટે ઇઝરાયેલ દ્વારા કરાતી મદદ માટે પણ અમે આભારી છીએ.
ઇઝરાયેલને હમાસની સામે કાર્યવાહી કરવાનો સંપુર્ણ અધિકાર છે. યુકે તેના અધિકારને સમર્થન આપે છે. ઇઝરાયેલને તેના બંધકો પાછા મેળવવા, ભાવિ હુમલા અટકાવવા અને લાંબાગાળા માટે પોતાની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો પણ અધિકાર છે.
ઇઝરાયેલના વડાપ્રધાન નેતાન્યાહૂએ જણાવ્યું હતું કે, બ્રિટને આપેલી લશ્કરી સહાય માટે અમે આભારી છીએ. આ કપરા કાળમાં યુકે ઇઝરાયેલની મદદ કરી રહ્યો છે. 80 વર્ષ અગાઉ યુકેનો કપરો કાળ હતો ત્યારે સિવિલાઇઝ્ડ વર્લ્ડે યુકેની મદદ કરી હતી. હવે અમારો કપરો કાળ ચાલી રહ્યો છે. આપણે સાથે મળીને જીતવાનું છે. આ યુદ્ધ લાંબુ ચાલવાનું છે અને અમને તમારી મદદની જરૂર છે.

