7 ઓક્ટોબરે ગાઝામાં સક્રિય આતંકી સંગઠન હમાસે ઇઝરાયેલ પર અણધાર્યો હુમલો કર્યો અને ફરી એકવાર બે પ્રજા, યહૂદી અને પેલેસ્ટિનિયન, સામસામે આવી ગઇ છે. આધુનિક વિશ્વમાં ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચેનો વિવાદ 1948માં યહૂદી રાષ્ટ્રની સ્થાપના સાથે શરૂ થયો પરંતુ તેના મૂળ પૌરાણિક યુગમાં પડેલાં છે. બાઈબલના જૂના કરાર (ઓલ્ડ ટેસ્ટામેન્ટ) અનુસાર મેસોપોટેમિયા પ્રદેશના ઊરના અબ્રાહમ (ઇબ્રાહિમ)ને પરમેશ્વરે તેડૂં આપ્યું અને કહ્યું કે, હું તને લઇ જાઉં તે પ્રદેશમાં ચાલ્યો જા અને હું તને ઘણા દેશોનો પિતા કરીશ. અબ્રાહમ ઊર છોડીને કનાન તરીકે ઓળખાતા પ્રદેશમાં આવ્યો અને ત્યાં સ્થાયી થયો.
અબ્રાહમને બે દીકરા હતા. ઇસ્માઇલ અને ઇસ્હાક. ઇસ્માઇલથી ઉત્પન્ન થયેલી પ્રજા આરબ જ્યારે ઇસ્હાકથી ઉત્પન્ન થયેલી પ્રજા યહૂદી. અબ્રાહમ કનાન (હાલના ઇઝરાયેલ)માં આવ્યો ત્યારે ત્યાં પલિસ્તી (પેલેસ્ટિનિયન તેમને પોતાના પૂર્વજ ગણાવે છે) અને કનાની વસવાટ કરતાં હતાં. બાઇબલ પ્રમાણે પરમેશ્વરે અબ્રાહમને આ પ્રદેશ આપ્યો હતો તેથી યહૂદી પ્રજા તેને વચનના દેશ તરીકે પોતીકો ગણે છે જ્યારે પેલેસ્ટિનિયન પોતાના પૂર્વજોનો દેશ ગણે છે. ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે વેરના મૂળ અહીં રહેલાં છે.
અબ્રાહમ પછીના હજારો વર્ષમાં યહૂદી પ્રજાએ ઘણી ચડતી અને પડતી જોઇ છે. કિંગ ડેવિડ અને કિંગ સોલોમનના સમયમાં યહૂદી રાજ્યનો સિતારો બુલંદ હતો પરંતુ ત્યાર પછીના શાસકો નબળાં નીવડતાં બેબિલોનથી માંડીને ઓટોમન તૂર્ક અને રોમનોથી માંડીને બ્રિટિશરો સુધીના શાસકોએ આ પ્રદેશ પર શાસન ચલાવ્યું. વિદેશી આક્રમણોના કારણે યહૂદી પ્રજા સંખ્યાબંધવાર વિસ્થાપિત થઇ અને તેમના પર કરાતા અત્યાચારોના કારણે સમગ્ર વિશ્વમાં વિખેરાઇ ગઇ. વિશ્વભરમાં વિખેરાયેલાં હોવા છતાં દરેક યહૂદીનું એક જ સ્વપ્ન રહેતું કે તે વચનના દેશમાં વસવાટ કરી શકે. યહૂદીઓ જે કોઇ દેશમાં ગયાં ત્યાં સમૃદ્ધ થતાં ગયાં પરંતુ તેમનું અંતિમ સ્વપ્ન તો વચનનો દેશ જ હતો તેથી આધુનિક યુગમાં સમૃદ્ધ બનેલા યહૂદીઓએ 1900માં ઝિયોનિસ્ટ મૂવમેન્ટનો પ્રારંભ કરતાં પોતાના અલગ દેશની માગ વિશ્વ સમક્ષ મૂકી હતી.
તે જમાનામાં વિશ્વ પર આધિપત્ય ધરાવતા બ્રિટને 1917માં બાલ્ફર ડેકલેરેશન જાહેર કરીને યહૂદીઓ માટે અલગ દેશની રચનાનું વચન આપ્યું. તે સમયે ઇઝરાયેલ પર ઓટોમન શાસકો રાજ કરતાં હતાં. પ્રથમ વિશ્વયુદ્ધના અંત બાદ લીગ ઓફ નેશન્સના ફરમાનથી તત્કાલિન પેલેસ્ટાઇન પર બ્રિટિશ શાસન અમલમાં આવ્યું. ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચેની કડવાશ અને વેરઝેરના મૂળ આ ફરમાનમાં રહેલાં છે. પેલેસ્ટાઇનના વતનીઓ પણ આઝાદી ઇચ્છતાં હતાં. બીજા વિશ્વયુદ્ધના સમયમાં જર્મનીમાં યહૂદીઓનો નરસંહાર થયો તેના પગલે હજારો યહૂદીઓએ પેલેસ્ટાઇન તરફ ઉચાળા ભર્યા તેના કારણે યહૂદીઓ અને પેલેસ્ટિનિયનો વચ્ચેનો સંઘર્ષ વધતો રહ્યો. આ સ્થિતિને ઠારવા ફેબ્રુઆરી 1947માં સંયુક્ત રાષ્ટ્રમાં બ્રિટને પેલેસ્ટાઇનના ભાવિનો નિર્ણય લેવા પ્રસ્તાવ રજૂ કર્યો અને પેલેસ્ટાઇનને બે હિસ્સામાં વહેંચવાનો ઠરાવ માન્ય કરાયો. જેના પગલે આરબોના વિરોધ વચ્ચે યહૂદી સ્ટેટ અને પેલેસ્ટિનિયન સ્ટેટ( ગાઝા અને વેસ્ટ બેન્ક) અસ્તિત્વમાં આવ્યાં. પેલેસ્ટિનિયનોને આ ઠરાવ મંજૂર નહોતો તેથી બંને પક્ષ વચ્ચે હિંસક અથડામણો જારી રહી.
15 મે 1948ના રોજ ઇઝરાયેલે પોતાને સ્વતંત્ર દેશ જાહેર કર્યો. જેના પગલે છંછેડાયેલા પાંચ આરબ રાષ્ટ્ર ઇજિપ્ત, જોર્ડન, લેબેનોન, સીરિયા અને સાઉદી અરબે ઇઝરાયેલ પર હુમલો કરી દીધો. આ યુદ્ધના કારણે ઇઝરાયેલ 3 હિસ્સામાં વહેંચાઇ ગયો. વેસ્ટ બેન્ક પર જોર્ડનનો કબજો આવી ગયો જ્યારે ગાઝા પટ્ટી પર ઇજિપ્તે કબજો જમાવી દીધો હતો. 1967માં ફરી આરબ દેશો દ્વારા ઇઝરાયેલ પર હુમલો કરાયો પરંતુ 6 દિવસની આ લડાઇમાં ઇઝરાયેલે વેસ્ટ બેન્ક, યરૂશાલેમ, ગાઝા અને ઇજિપ્તના સિનાઇ અને સીરિયાના ગોલન હાઇટ્સ વિસ્તારો જીતી લીધાં. આ યુદ્ધને પગલે પેલેસ્ટિનિયનો ફરી નિરાશ્રીત બની ગયાં. પેલેસ્ટિનિયનોના અધિકારો માટે લડતા આરબ દેશોએ 1973માં 6 ઓક્ટોબરે ફરી એકવાર ઇઝરાયેલ પર હુમલો કર્યો અને 25 ઓક્ટોબર સુધી ચાલેલા યુદ્ધમાં ભારે પછડાટ ખાધી. આ યુદ્ધે હવે આરબ દેશોને ઘૂટણિયે લાવી દીધાં અને ઇજિપ્તે ઇઝરાયેલ સાથે શાંતિ કરાર કરી લેતાં આરબ એકતામાં પણ ભંગાણ સર્જાયું. અહીં એકવાત પર ખાસ ધ્યાન આપવા જેવું છે.
1948માં બે સ્ટેટની સ્થાપના બાદ યહૂદી રાષ્ટ્રે કૃષિથી માંડીને સંરક્ષણના મામલે આત્મનિર્ભર બનવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને તેના કારણે શક્તિશાળી બનેલા આ રાષ્ટ્રે આરબ દેશો સામેના ચાર યુદ્ધ જીત્યાં. બીજીતરફ પેલેસ્ટિનિયનોને પણ પ્રદેશ મળ્યો હોવા છતાં તેમણે આત્મનિર્ભરતા માટે કોઇ જ પ્રયાસ ન કર્યાં અને તેમની સ્થિતિ પછાત જ રહી. ઇઝરાયેલને પશ્ચિમના દેશોનો ભરપૂર સાથ હતો તેમ છતાં તેણે પોતાની આગવી પ્રતિભાનું સર્જન કર્યું અને આજે વિશ્વમાં શક્તિશાળી દેશમાં તેની ગણના થાય છે.
સમયની સાથે પેલેસ્ટાઇનની રચના માટેના આરબ પ્રયાસો મંદ થતાં ગયાં અને તેના કારણે ઇઝરાયેલના આધિપત્ય હેઠળ કચડાઇ રહેલા પેલેસ્ટિનિયનોએ જાતે હથિયાર ઉઠાવવાનું શરૂ કર્યું જેના કારણે પેલેસ્ટિનિયન લિબરેશન આર્મી, ફત્તાહ, મુસ્લિમ બ્રધરહૂડ, હમાસ, હિઝબુલ્લાહ જેવા સંગઠનો સક્રિય બન્યાં. પેલેસ્ટિનિયનોએ સ્વતંત્ર સ્ટેટ મળ્યું ત્યારે પોતાની સેના તૈયાર કરવાનો કે આત્મનિર્ભર બનવાનો કોઇ પ્રયાસ ન કર્યો તેના કારણે તેમને હંમેશા આરબ દેશોની સહાય અને પશ્ચિમના દેશોની રહેમનજર પર નભવાનો વારો આવ્યો. યાસર અરાફાતની આગેવાનીમાં સ્વતંત્ર પેલેસ્ટાઇનની ચળવળ આગળ તો વધી. પેલેસ્ટિનિયન ગેરિલાઓ દ્વારા અવારનવાર ઇઝરાયેલ પર હુમલા થતાં રહ્યાં તો સામે પક્ષે ઇઝરાયેલ નવી વસાહતો વસાવીને વિશ્વભરમાંથી યહૂદીઓને લાવીને વસાવવા લાગ્યો.
પેલેસ્ટાઇનમાં પણ એકતાનો અભાવ રહ્યો. ઇઝરાયેલ સામે યુદ્ધમાં જીતી નહીં શકાય તે ભાળી ગયેલા પેલેસ્ટાઇન લિબરેશન આર્મીએ ઇઝરાયેલ સાથે શાંતિ કરાર કરી લીધાં જેનો હમાસ દ્વારા વિરોધ કરાયો. આમ તેમની વચ્ચે પણ ઊભા ફાડિયાં થઇ જતાં પેલેસ્ટાઇનની માગને ફટકો પડ્યો. આજે આરબ દેશો અને ઇરાન પાછલા બારણે પેલેસ્ટિનિયન સંગઠનોને મદદ તો કરે છે પરંતુ સામી છાતીએ ઇઝરાયેલ સાથે લડવા કોઇ તૈયાર નથી. તાજેતરમાં યુએઇ સહિતના ઘણા આરબ દેશો ઇઝરાયેલ સાથે શાંતિ કરાર કરી ચૂક્યાં છે. સાઉદી પણ એ દિશામાં આગળ વધી રહ્યો હતો પરંતુ આ યુદ્ધના કારણે વાટાઘાટો અવરોધાઇ ગઇ છે.
સૌથી સંવેદનશીલ બાબત એ છે કે હુમલો કોઇપણ કરે પરંતુ નિર્દોષ માનવ જિંદગીઓ હોમાઇ રહી છે. બંને પક્ષે લોહી વહી રહ્યું છે. બાળકો અનાથ બની રહ્યાં છે. મહિલાઓ વિધવા બની રહી છે. માનવીય મૂલ્યોને જાણે કે તાક પર ચડાવી દેવાયાં છે. ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન સમર્થકો બાંયો ચડાવીને સડકો પર ઉતરી રહ્યાં છે પરંતુ શાંતિ અને અહિંસાની વાત કોઇ કરતું નથી. યુદ્ધ સેનાઓ વચ્ચે લડાતું હોય છે પરંતુ અહીં તો નિર્દોષ પ્રજાનું લોહી વહી રહ્યું છે. 3 ધર્મના સંગમસ્થળ ઇઝરાયેલમાં ચાલી રહેલા આ જંગમાં પોતાની ધાર્મિક માન્યતાઓ અનુસાર વિશ્વમાં લોકો વિભાજિત થઇ ગયાં છે. દેશોને પોતાના હિતોમાં વધુ રસ છે. સામાન્ય પ્રજાની હાલાકીઓ દૂર કરવામાં કોઇને રસ નથી. ઇઝરાયેલ અને ગાઝા વચ્ચેનો આ જંગ હજુ કેટલી માનવ જિંદગીને ભરખી જશે તેનો કોઇ અંદાજ લગાવી શકાતો નથી. કદાચ આ જંગ સમગ્ર વિશ્વને યુદ્ધમાં ધકેલી પણ શકે છે.
