જાપાનના પ્રધાનમંત્રીનો બ્લાસ્ટમાં બચાવ

Wednesday 19th April 2023 06:54 EDT
 
 

ટોકિયોઃ 15 એપ્રિલે જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદાની જાહેરસભામાં બોમ્બ બ્લાસ્ટ થયો, જેમાં તેમનો આબાદ બચાવ થયો હતો. જાપાન ટાઇમ્સના અહેવાલ મુજબ પીએમ કિશિદા એક સભામાં સંબોધન કરવા માટે વાકાયામા શહેર પહોંચ્યા હતા, ત્યાં અચાનક બ્લાસ્ટ થતાં જ સુરક્ષા જવાનો તેમને સલામત સ્થળે લઈ ગયા હતા. સુરક્ષા જવાનોએ શંકાસ્પદ હુમલાખોરને ઝડપી લીધો હતો.
જાપાન પોલીસના સૂત્રોના જણાવ્યા પ્રમાણે હુમલાખોર દ્વારા સ્મોક અથવા પાઇપ બોમ્બ ફેંકવામાં આવ્યો હતો, જેને બ્લાસ્ટ થયા બાદ તુરંત ઝડપી લેવાયો હતો. ઘટના બાદ જાહેરસભામાં અફરાતફરી સર્જાઈ હતી અને લોકોએ ભાગદોડ કરી હતી.
જવાનોએ એક શખ્સને ઝડપી લીધો
ઘટનાસ્થળના વીડિયોમાં સ્પષ્ટ દેખાયું હતું કે પ્રધાનમંત્રી કિશિદાનું ભાષણ સાંભળવા આવેલા લોકોએ ઘટના બાદ નાસભાગ કરી હતી. આ દરમિયાન પોલીસકર્મીઓએ એક શખ્સને જમીન પર પછાડીને ઝડપી લીધો હતો. જણાવવામાં આવ્યું છે કે આ ઘટનામાં પ્રધાનમંત્રી કિશિદાને કોઈ ઈજા થઈ નથી. તેઓ તેમના લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવારના સમર્થન કાર્યક્રમમાં સંબોધન કરવા આવ્યા હતા.
જાપાનમાં પ્રધાનમંત્રીની સુરક્ષા વ્યવસ્થા ભારત જેટલી કડક નથી હોતી. જો કે શિન્ઝો આબે પર હુમલા બાદ પોલીસે દ્વારા સુરક્ષા વધારવામાં આવી હતી. જો કે હવે વર્તમાન વડાપ્રધાનની રેલીમાં થયેલા બ્લાસ્ટને લઈને જાપાનની પોલીસે ફરી એકવાર સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવી પડશે, કારણ કે આવનારા દિવસોમાં હિરોશિમા શહેરમાં પણ G7ની તૈયારી ચાલી રહી છે.
મોદીએ આકરા શબ્દોમાં હુમલાની નિંદા કરી
જાપાનના વાંકાયામા શહેરમાં આયોજિત જાહેર સભામાં ભાષણ સમયે થયેલા હુમલાને કઠોર શબ્દોમાં વખોડી કાઢીને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, તેમના મિત્ર ફુમિયો કિશિદા બિલકુલ સુરક્ષિત છે.


comments powered by Disqus