પાક.માં એક વર્ષમાં મંદિરો પર હુમલા બમણાઃ હિન્દુઓ ભયમાં

Wednesday 19th April 2023 06:54 EDT
 
 

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના માનવાધિકાર આયોગે પોતાના રિપોર્ટમાં દેશમાં ધાર્મિક સ્વતંત્રતાની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે. અ બ્રીચ ઓફ ફેથઃ ફ્રીડમ ઓફ રિલિજિયન ઓર બિલીફ 2021-22 નામના રિપોર્ટમાં જણાવાયું છે કે, લઘુમતીઓ સામે હિંસા એટલી હદે વધી છે કે લોકો ભયમાં જીવી રહ્યા છે. હિન્દુઓ સાથે બનેલી ઘટનાઓ દર્શાવે છે કે સરકારની ધાર્મિક સ્વતંત્રતાની વાત પોકળ સાહિત થઈ છે.
સિંધમાં હિન્દુ છોકરીઓ ૫૨ અત્યાચાર વધી રહ્યો છે, તેમનું જબરદસ્તીથી ધર્માંતરણ કરાય છે. ધર્મસ્થાનોમાં તોડફોડ પર સરકાર કાર્યવાહી કરતી નથી. આયોગે 2014માં સુપ્રીમ કોર્ટના જિલાનીના નિર્ણય મુજબ સ્વાયત્ત લઘુમતી આયોગ બનવાની જરૂરિયાત દર્શાવી છે. બળજબરીથી ધર્માંતરણને અપરાધ ગણવા કાયદો લાવવાની ભલામણ કરાઈ છે.
હિન્દુઓ ભેદભાવનો ભોગ બને છેઃ ફઝના બારી
માનવાધિકાર કાર્યકર્તા ફરઝાના બારીએ જણાવ્યું હતું કે, પાકિસ્તાનમાં ભેદભાવ ચરમસીમાએ છે. લગ્ન, ધાર્મિક આસ્થા સહિત દરેક ક્ષેત્રમાં હિન્દુઓ સાથે ભેદભાવ કરી હુમલાઓ થાય છે. હિન્દુઓના અધિકારોની હિમાયત કરનારા ફકીર શિવાએ કહ્યું કે, અમે હિન્દુ સમુદાયના રક્ષણની માગ કરી રહ્યા છીએ.
મંદિરોમાં તોડફોડની ઘટના વધી
હિન્દુઓના અધિકારો માટે લડતી સંસ્થા પાકિસ્તાન દ્રાવર ઇતેહાદ અનુસાર સિંધ પ્રાંતમાં હિન્દુઓ સાથે ટાર્ગેટ કિલિંગ, દુષ્કર્મ, જમીનો પર કબજો, ધર્મ પરિવર્તન, ઘરોને સળગાવી દેવા અને મંદિરોમાં તોડફોડની ઘટના સામાન્ય છે. તાજેતરમાં કરાચીમાં ક્લિનિકમાંથી ઘરે પરત ફરતી વખતે ડો. બિરબલ ગેનાની ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી..


comments powered by Disqus