બાળકના હાથમાં ક્યારે મોબાઇલ ફોન આપવો જોઇએ? કદાચને દરેક વાલીને આ સવાલ સતાવી રહ્યો હશે. જોકે તમે તમારા બાળકને પૂછશો તો એ તો એમ જ કહેવાનું છે કે મારા કરતા નાના પાસે પણ મોબાઇલ ફોન છે. ઓફકોમ દ્વારા તાજેતરમાં જ જારી કરાયેલા એક રિસર્ચ અનુસાર યુકેમાં 3થી 4 વર્ષના દર પાંચમાંથી એક બાળક પાસે પોતાનો મોબાઇલ ફોન હોય છે. તેઓ આ ફોનનો સ્ટ્રિમિંગ સર્વિસિઝ જોવા માટે, સોશિયલ મીડિયાના ઉપયોગ માટે અને ઓનલાઇન ગેમ્સ રમવા ઉપયોગ કરે છે. શું આટલી નાની ઊંમરના બાળકોને આગવો મોબાઇલ ફોન આપવો જરૂરી છે? બાળકોમાં ટેકનોલોજી જાણવાની ઉત્સુકતા નવી નથી. તેથી વાલીઓ બાળકોને મોબાઇલ ફોન વાપરવાની પરવાનગી આપતાં રહે છે. 3થી 4 વર્ષના બાળકોમાં હજુ તો કપડાં પહેરવાનું, હાથમાં જાતે પેન પકડવાનું કે જાતે ભોજન કરવાનું જ્ઞાન પણ હોતું નથી પરંતુ ઓફકોમનું રિસર્ચ દર્શાવે છે કે 92 ટકા બાળકો યુટ્યુબ પર વીડિયો જોતાં શીખી જાય છે, 50 ટકા બાળકો વોઇસ અને વીડિયો મેસેજ મોકલે છે, 23 ટકા બાળકો સોશિયલ મીડિયા એપ અને સાઇટનો ઉપયોગ કરતા શીખી જાય છે, 18 ટકા ઓનલાઇન ગેમ્સ રમે છે અને 11 ટકા તો પોતાના વીડિયો પોસ્ટ કરતા પણ શીખી જાય છે. શું આટલા નાના બાળકોમાં મોબાઇલ ફોનનો આવો ઉપયોગ યોગ્ય છે ખરો? ફક્ત પોતાનું સ્ટેટસ હાઇ બતાવવા માટે માબાપ દ્વારા બાળકોના હાથમાં થમાવી દેવાતા મોબાઇલ ફોન આખી પેઢીનું ધનોતપનોત કાઢી રહ્યાં છે.
